યર્મિયા 29 - પવિત્ર બાઇબલ C.L.બેબિલોનમાંના યહૂદીઓ પર યર્મિયાનો પત્ર 1-2 યકોન્યા રાજા, રાજમાતા, રાજમહેલના અધિકારીઓ, યહૂદિયા અને યરુશાલેમના આગેવાનો, કુશળ કારીગરો અને લુહારો યરુશાલેમમાંથી દેશનિકાલ કરાયા તે પછી યર્મિયાએ દેશનિકાલ કરાયેલા લોકોને એક પત્ર પાઠવ્યો. ત્યાં બાકી રહેલા વડીલો, યજ્ઞકારો, સંદેશવાહકો અને જે બીજા લોકોને નબૂખાદનેસ્સાર યરુશાલેમથી બેબિલોન લઈ ગયો તે સર્વને ઉદ્દેશીને યર્મિયાએ એ પત્ર પાઠવ્યો હતો. 3 યહૂદિયાના રાજા સિદકિયાએ શાફાનના પુત્ર એલઆસા અને હિલકિયાના પુત્ર ગમાર્યાને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે મોકલ્યા ત્યારે તેમની મારફતે યર્મિયાએ પત્ર મોકલ્યો. પત્રની વિગત આ પ્રમાણે છે: 4 “નબૂખાદનેસ્સાર રાજા દ્વારા યરુશાલેમથી બેબિલોન દેશનિકાલ કરાયેલા બધા લોકોને ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ, આ પ્રમાણે કહે છે: 5 ઘરો બાંધો અને તેમાં વસવાટ કરો. વાડીઓ રોપો અને તેમનાં ફળ આરોગો. 6 લગ્ન કરો અને તમને પુત્રપુત્રીઓ થાઓ. તમારા પુત્રોને પરણાવો અને તમારી પુત્રીઓનાં લગ્ન કરાવો અને તેમને પણ પુત્રો અને પુત્રીઓ થાય; જેથી તમે સંખ્યામાં વૃદ્ધિ પામો અને એમ તમારો ઘટાડો ન થાય. 7 બેબિલોનનાં જે નગરોમાં તમે દેશનિકાલ કરાયા છો ત્યાં તેમના કલ્યાણ માટે ખંતથી પ્રયત્ન કરો અને તેમને માટે મને પ્રભુને પ્રાર્થના કરો, કારણ, તેમના કલ્યાણમાં જ તમારું કલ્યાણ સમાયેલું છે. 8 હું ઇઝરાયલનો ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ તમને ચેતવું છું. તમારી સાથે વસતા તમારા કહેવાતા સંદેશવાહકો કે ભવિષ્યવેત્તાઓથી છેતરાશો નહિ. તમે તમારાં સ્વપ્નોનો અર્થ જાણવાની કોશિષ પણ કરશો નહિ. 9 તેઓ મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરે છે! મેં તેમને મોકલ્યા જ નથી. હું પ્રભુ પોતે એ કહું છું. 10 પ્રભુ આ પ્રમાણે કહે છે, બેબિલોનનાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી જ હું તમારી ખબર લઈશ અને તમને આ સ્થળે પાછા લાવવાનું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ. 11 તમારે માટે જે યોજનાઓ મેં વિચારી છે તે વિષે હું સજાગ છું. એ યોજનાઓ ભવિષ્યમાં તમારા પર વિપત્તિ લાવવાની નહિ, પણ કલ્યાણ માટેની છે; ભાવિ વિષેની તમારી શુભ આશાઓ પરિપૂર્ણ કરવા માટેની છે. હું પ્રભુ આ બોલું છું. 12 પછી જ્યારે તમે મને પોકાર કરશો અને આવીને મારી પ્રાર્થના કરશો ત્યારે હું તમારું સાંભળીશ. 13 જ્યારે તમે મને શોધશો, હા, જ્યારે તમારા સાચા દયથી શોધશો ત્યારે હું તમને મળીશ. 14 હું પ્રભુ પોતે કહું છું કે હું તમને જરૂર મળીશ; હું તમારી પરિસ્થિતિ પલટી નાખીશ, અને જે જે દેશો અને પ્રજાઓમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હતા તે બધામાંથી હું તમને એકત્ર કરીશ, અને જે જે સ્થળેથી મેં તમને દેશનિકાલ કર્યા હતા તે જ સ્થળે હું તમને પાછા લાવીશ. હું પ્રભુ આ બોલું છું.” 15 તમે કહો છો કે, ‘પ્રભુએ અમારે માટે બેબિલોનમાં પણ સંદેશવાહકો ઊભા કર્યા છે; 16 પણ દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજા અને આ નગરમાં વસતા બધા લોકો એટલે કે તમારી સાથે દેશનિકાલ નહિ કરાયેલા તમારા જાતભાઈઓ વિષે પ્રભુનો સંદેશ સાંભળો.’ 17 સેનાધિપતિ પ્રભુ કહે છે કે, “હું એ લોકો પર યુદ્ધ, દુકાળ અને રોગચાળો મોકલીશ અને હું તેમને ખાઈ ન શકાય તેવા સડેલા અને નકામાં અંજીર જેવા કરીશ. 18 હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો પીછો કરીશ. તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે અને જે જે દેશોમાં હું તેમને હાંકી કાઢીશ ત્યાં તેઓ લોકો માટે શાપ, આઘાત, મશ્કરી અને નામોશીને પાત્ર થઈ પડશે. 19 કારણ, હું મારા સંદેશવાહક સેવકોને વારંવાર આગ્રહથી મોકલતો રહ્યો, પણ તેમણે મારા સંદેશ પ્રત્યે ધ્યાન આપ્યું નહિ. હું પ્રભુ આ બોલું છું. મેં પ્રભુએ કહ્યું તેમ તમે તેમનું સાંભળ્યું જ નહિ. 20 તેથી હવે મેં પ્રભુએ જેમને યરુશાલેમથી બેબિલોન દેશનિકાલ કર્યા છે એવા લોકો તમે મારો સંદેશ સાંભળો: 21 કોલાયાનો પુત્ર આહાબ અને માસૈયાનો પુત્ર સિદકિયા જેઓ મારે નામે તમને જૂઠો સંદેશ પ્રગટ કરે છે તેમને વિષે હું ઇઝરાયલનો ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ કહું છું; કે સાચે જ હું તમને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના કબજામાં સોંપી દઈશ. તે તેમને તમારી નજર સામે જ મારી નાખશે. 22 યરુશાલેમથી બેબિલોન દેશનિકાલ કરાયેલા બધા લોકો એમને જે બનશે તેનો શાપ માટે ઉપયોગ કરશે અને કહેશે, ‘બેબિલોનના રાજાએ જેમને જીવતા અગ્નિમાં ભૂંજી નાખ્યા તે સિદકિયા અને આહાબના જેવી પ્રભુ તમારી દશા કરો.’ 23 એમની એવી દશા થશે કારણ કે તેમણે ઇઝરાયલમાં નિર્લજ્જ કાર્યો કર્યા છે. તેમણે પરસ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મેં તેમને ફરમાવ્યો નહોતો એવો જૂઠો સંદેશ તેમણે મારે નામે પ્રગટ કર્યો છે. પણ હું એ બરાબર જાણું છું અને હું તેનો નજરસાક્ષી છું. હું પ્રભુ પોતે આ બોલું છું.” શમાયાના પત્રનો પ્રત્યુત્તર 24-25 ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ પ્રભુએ શમાયા નહેલામીને માટે મને એક સંદેશ આપ્યો. યરુશાલેમના બધા લોકોને, માઅસેયાના પુત્ર યજ્ઞકાર સફાન્યાને તથા બીજા યજ્ઞકારોને સંબોધીને શમાયાએ પોતાને નામે સફાન્યાને લખેલા પત્રમાં આ પ્રમાણે લખ્યું હતું: 26 ‘પ્રભુએ યહોયાદા યજ્ઞકારને સ્થાને તને પ્રભુના મંદિરમાં મુખ્ય અધિકારી તરીકે નીમ્યો છે. તારી જવાબદારી છે કે જો કોઈ ઘેલો માણસ પોતાને સંદેશવાહક કહેવડાવે તો તેને ગળામાં સાંકળ પહેરાવી તેને લાકડાની હેડમાં પૂરવો.’ 27 તો પછી તેં અનાથોથ ગામના યર્મિયાને કેમ ધમકાવ્યો નથી? તે તો પોતાને તમારો સંદેશવાહક મનાવે છે. 28 અરે, તેણે તો અમને અહીં બેબિલોનમાં સંદેશ મોકલ્યો છે કે, ‘તમે ત્યાં લાંબો સમય રહેશો, તેથી ઘરો બાંધો અને તેમાં વસવાટ કરો. વાડીઓ રોપો અને તેમનાં ફળ આરોગો!’ 29 પણ સફાન્યા યજ્ઞકારે આ પત્ર યર્મિયાને વાંચી સંભળાવ્યો! 30-31 ત્યારે યર્મિયા પાસે પ્રભુનો સંદેશ આવ્યો. તેમણે કહ્યું કે, “દેશનિકાલ થયેલા બધા લોકોને સંદેશ મોકલાવીને કહે કે, શમાયા નહેલામી વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે કે, શમાયાને મેં મોકલ્યો નથી છતાં તેણે તમને સંદેશ પ્રગટ કર્યો છે, અને તમને જૂઠા સંદેશમાં વિશ્વાસ મૂકવા પ્રેર્યા છે. 32 તેથી હું પ્રભુ તેને વિષે આ પ્રમાણે કહું છું: હું શમાયાને અને તેનાં સંતાનોને સજા કરીશ. તેના વંશમાં કોઈ વ્યક્તિ આ પ્રજામાં બચશે નહિ અને હું મારા લોકને જે સુખશાંતિના દિવસો આપીશ તે જોવા તે જીવતો રહેશે નહિ; કારણ, તેણે મારા લોકને મારી વિરુદ્ધ બંડ કરવા ઉશ્કેર્યા છે. હું પ્રભુ આ બોલું છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide