યર્મિયા 28 - પવિત્ર બાઇબલ C.L.યર્મિયા અને હનાન્યા 1 તે જ વર્ષે એટલે યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબ્યોન નગરના વતની તથા આઝ્ઝરના પુત્ર હનાન્યા નામે સંદેશવાહકે પ્રભુના મંદિરમાં યજ્ઞકારો અને બધા લોકોના સાંભળતા યર્મિયાને આ પ્રમાણે કહ્યું. 2 “ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘મેં બેબિલોનના રાજાની ઝૂંસરી તોડી નાખી છે. 3 નબૂખાદનેસ્સાર રાજા પ્રભુના મંદિરનાં જે પાત્રો અહીંથી બેબિલોન લઈ ગયો છે તે હું માત્ર બે જ વર્ષમાં આ સ્થળે પાછાં લાવીશ. 4 એ ઉપરાંત યહૂદિયાના રાજા, યહોયાકીમના પુત્ર યહોયાખીનને તથા બેબિલોન દેશમાં દેશનિકાલ કરાયેલા યહૂદિયાના લોકોને પણ હું આ સ્થળે પાછા લાવીશ. કારણ, બેબિલોનના રાજાની સત્તારૂપી ઝૂંસરી હું ભાંગી નાખીશ. હું પ્રભુ એ કહું છું.” 5 ત્યાર પછી મંદિરમાં ઊભા રહેલા યજ્ઞકારો અને બધા લોકોની સમક્ષ યર્મિયાએ સંદેશવાહક હનાન્યાને જવાબ આપ્યો: 6 “આમીન! પ્રભુ એ પ્રમાણે કરો! પ્રભુ તારી આગાહી સાચી પાડો અને બેબિલોન દેશમાંથી મંદિરનાં પાત્રો અને દેશનિકાલ થયેલા બધા લોકોને આ સ્થળે પાછા લાવો. 7 તો પણ મારે તને અને આ બધા લોકોને તમારી રૂબરૂમાં જે કહેવાનું છે તે કૃપા કરી સાંભળ. 8 તારી અને મારી પહેલાં પ્રાચીનકાળમાં થઈ ગયેલા સંદેશવાહકોએ ઘણા દેશો અને મહાન પ્રજાઓ વિરુદ્ધ યુદ્ધ વિપત્તિ અને રોગચાળાની આગાહી કરી હતી. 9 પણ કોઈ સંદેશવાહક સુખશાંતિ વિષે આગાહી કરે અને તેની વાત સાચી ઠરે તો જ તે પ્રભુએ મોકલેલો સંદેશવાહક છે એવું પ્રતિપાદિત થાય.” 10 પછી સંદેશવાહક હનાન્યાએ સંદેશવાહક યર્મિયાની ગરદન પરથી ઝૂંસરી લઈ લીધી અને તેને ભાંગી નાખી. 11 અને બધા લોકો સમક્ષ હનાન્યાએ કહ્યું, “પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘કેવળ બે વર્ષમાં હું આ જ પ્રમાણે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધા દેશોની ગરદન પરથી ઉઠાવી લઈને ભાંગી નાખીશ” પછી યર્મિયા ત્યાંથી જતો રહ્યો. 12 વળી, સંદેશવાહક હનાન્યાએ યર્મિયાની ગરદન પરથી ઝૂંસરી લઈને તોડી નાખી તેના થોડા સમય પછી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો: 13 “હનાન્યા પાસે જઈને તેને કહે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: તેં લાકડાની ઝૂંસરી ભાંગી નાખી છે, પણ એને બદલે, હું લોખંડની ઝૂંસરી બનાવીશ. 14 કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું: મેં બધા દેશોની ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકી છે. એટલે કે તેઓ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરશે તેઓ તેને આધીન થશે. અરે, હિંસક વન્ય પ્રાણીઓ પણ મેં તેની સેવામાં આપ્યાં છે.” 15 પછી સંદેશવાહક યર્મિયાએ સંદેશવાહક હનાન્યાને કહ્યું, “હે હનાન્યા સાંભળ! પ્રભુએ તને મોકલ્યો નથી અને તું આ લોકોને જૂઠા સંદેશ પર વિશ્વાસ કરવા પ્રેરે છે. 16 તેથી પ્રભુ તારે વિષે આ પ્રમાણે કહે છે. હું તને પૃથ્વીના પડ પરથી ફેંકી દઈશ. તેં લોકોને પ્રભુની વિરુદ્ધ બંડ કરવા માટે ઉશ્કેર્યા છે. તેથી તું આ વર્ષે જ મૃત્યુ પામશે.” 17 સંદેશવાહક હનાન્યા એ જ વર્ષના સાતમા મહિનામાં મૃત્યુ પામ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide