યર્મિયા 27 - પવિત્ર બાઇબલ C.L.ઝૂંસરી દ્વારા સંદેશ 1 યહૂદિયાના રાજા અને યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યકાળની શરૂઆતના સમયમાં પ્રભુનો સંદેશ મને મળ્યો. 2 પ્રભુએ આ પ્રમાણે કહ્યું, “તું તારે માટે ઝૂંસરી અને ચામડાની વાધરી બનાવ અને તે ઝૂંસરી તારી ગરદન પર મૂક; 3 ત્યાર પછી અદોમ, મોઆબ, આમ્મોન, તૂર અને સિદોનના રાજાઓને તેમના રાજદૂતોની મારફતે સંદેશો મોકલ; એ રાજદૂતો યહૂદિયાના રાજા સિદકિયાને મળવાને યરુશાલેમ આવેલા છે. તું તેમને તેમના રાજર્ક્તાઓને આ પ્રમાણે સંદેશ આપવા જણાવ: 4 ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ કહે છે કે તમે તમારા રાજાઓને આ પ્રમાણે સંદેશ આપજો. 5 મેં મારી મહાન શક્તિથી અને મારા પ્રચંડ બાહુબળથી પૃથ્વીને, માનવજાતને અને તેમાં વસતાં બધાં પ્રાણીઓને બનાવ્યાં છે અને મારી ઇચ્છા પ્રમાણે ચાહું તેને એ ભૂમિ આપું છું. 6 અને હવે મેં આ બધા દેશોને મારા સેવક, બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધા છે; અરે, હિંસક પશુઓને પણ તેની સેવા કરવા મેં તેને સોંપી દીધાં છે! 7 બધા દેશો તેને, તેના પુત્રને તથા પૌત્રને આધીન રહેશે. પરંતુ નિયત સમયે બેબિલોન દેશનું પણ પતન થશે, અને તે ઘણા દેશો અને શક્તિશાળી રાજાઓની સેવા કરશે. 8 પણ જો કોઈ પ્રજા અથવા દેશ તેની સત્તાને આધીન નહિ થાય અને બેબિલોનના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકવા નહિ દે તો હું તે રાજાને બેબિલોનના રાજાના તાબામાં સોંપી ન દઉં ત્યાં સુધી તેને યુદ્ધ, ભૂખમરા અને રોગચાળાથી સતાવીશ. 9 તેથી તમારા સંદેશવાહકો, જોષ જોનારા, સ્વપ્નદર્શીઓ, ભૂવાઓ કે ધંતરમંતર કરનારાઓ તમને બેબિલોનના રાજાને આધીન થવાનું ના કહે તો તેમનું માનશો નહિ. 10 કારણ, તમને તમારા વતનથી દૂર લઈ જવામાં આવે, અને હું તમને હાંકી કાઢી તમારો નાશ કરું તે માટે તેઓ તમને ખોટું ભવિષ્ય કહે છે. 11 પણ જે દેશ બેબિલોનના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકવા દેશે અને તેને આધીન થશે તેને હું તેના વતનમાં રહેવા દઈશ. દેશના એવા લોકો ખેતી કરશે અને ત્યાં વસવાટ કરશે. હું પ્રભુ આ બોલું છું. 12 યહૂદિયાના રાજા સિદકિયાને પણ આ જ વાત મેં કહી; ‘બેબિલોનના રાજાની ઝૂંસરી નીચે તારી ગરદન ધર અને તેની તથા તેની પ્રજાની સેવા કર, તો તમે જીવતા રહેશો. 13 બેબિલોનના રાજાની સેવા કરવાનું ના પાડનાર પ્રજા વિષે પ્રભુએ આપેલી ચેતવણી પ્રમાણે તારે અને તારી પ્રજાએ યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી શા માટે મરવું જોઈએ? 14 જે સંદેશવાહકો તને સલાહ આપે છે કે બેબિલોનના રાજાને આધીન થઈશ નહિ, તેમનું સાંભળીશ નહિ, તેઓ તને જૂઠો સંદેશ આપી રહ્યા છે. 15 કારણ, પ્રભુ પોતે તેમના વિષે કહે છે કે, ‘મેં તેમને મોકલ્યા નથી છતાં તેઓ મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરે છે કે જેથી હું તમને હાંકી કાઢું અને તમે તથા તમને સંદેશ પ્રગટ કરનાર સંદેશવાહકો નાશ પામો.” 16 પછી મેં યજ્ઞકારો અને બધા લોકોને કહ્યું કે પ્રભુ આ પ્રમાણે કહે છે, “બેબિલોનમાંથી પ્રભુના મંદિરનાં પાત્રો ટૂંક સમયમાં પાછાં લાવવામાં આવશે એવું કહેનાર સંદેશવાહકોનો સંદેશ તમે સાંભળશો નહિ; તેઓ જૂઠું ભવિષ્ય કહે છે. 17 તેમનું સાંભળશો નહિ, પણ બેબિલોનના રાજાને આધીન થાઓ એટલે તમે જીવતા રહેશો! શા માટે આ નગર ઉજ્જડ બની જાય? 18 જો તેઓ સાચા સંદેશવાહકો હોય અને જો તેમને પ્રભુનો સંદેશ મળ્યો હોય તો પછી તેઓ સેનાધિપતિ પ્રભુને વિનંતી કરે કે પ્રભુના મંદિરમાં અને યહૂદિયાના રાજાના મહેલમાં અને યરુશાલેમમાં બાકી રહેલાં પાત્રો પણ બેબિલોન લઇ જવાય નહિ.” 19-20 બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયા અને યરુશાલેમના બધા અગ્રગણ્ય નાગરિકોને યરુશાલેમમાંથી બેબિલોન દેશનિકાલ કર્યો ત્યારે તેણે મંદિરના સ્તંભો, તાંબાના જલકુંડ, બેઠકો તથા મંદિરના અમુક પાત્રો નગરમાં રહેવા દીધાં છે. 21 અને પ્રભુના મંદિરમાં, યહૂદિયા રાજાના મહેલમાં અને યરુશાલેમમાં રહી ગયેલાં પાત્રો સંબંધી ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: 22 “તે પાત્રોને બેબિલોન લઈ જવામાં આવશે. તેમને હું ફરી સંભારું નહિ ત્યાં સુધી તે ત્યાં જ રહેશે. પછી હું તેમને પાછાં લાવીને આ સ્થળે મૂકીશ. હું પ્રભુ આ બોલું છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide