Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 26 - પવિત્ર બાઇબલ C.L.


યર્મિયાનું મંદિર-પ્રવચન અને મૃત્યુદંડમાંથી બચાવ

1 યોશિયાના પુત્ર, યહૂદિયા રાજા યહોયાકીમના રાજ્યકાળના પ્રથમ વર્ષમાં યર્મિયાને પ્રભુનો સંદેશ મળ્યો.

2 પ્રભુએ પોતાના મંદિરમાં તેને બોલવાનું કહ્યું: “મારા મંદિરના ચોકમાં ઊભો રહે અને યહૂદિયાનાં સર્વ નગરોમાંથી મારા મંદિરમાં ભક્તિ કરવા આવનાર લોકોને સંબોધીને મેં તને જે કહેવાની આજ્ઞા આપી છે તે બધું કહે; એક શબ્દ પણ છોડી દઈશ નહિ;

3 કદાચ, લોકો સાંભળીને પોતાનાં દુષ્ટ આચરણ તજી દે. જો એવું બને તો તેમનાં દુષ્ટ આચરણને લીધે જે મહાન વિપત્તિ હું તેમના પર લાવવાનો હતો તે વિષેનો મારો વિચાર હું માંડી વાળીશ.

4 તેમને કહે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: જો તમે મારું સાંભળશો નહિ, અને તમારી સમક્ષ રજૂ કરેલા મારા નિયમશાસ્ત્રને અનુસરશો નહિ,

5 અને વારંવાર આગ્રહથી મોકલેલા મારા સંદેશવાહક સેવકોના સંદેશને આધીન થશો નહિ, - જો કે આ પહેલાં તો તમે તેમનું સાંભળ્યું જ નથી! -

6 તો હું પવિત્રસ્થાન શિલોહ જેવી આ મંદિરની દુર્દશા કરીશ અને પૃથ્વીની બધી પ્રજાઓની દષ્ટિમાં આ નગરને શાપિત કરીશ.”

7 યજ્ઞકારો, બીજા સંદેશવાહકો અને બધા લોકોએ યર્મિયાને પ્રભુના મંદિરમાં એ સંદેશ પ્રગટ કરતાં સાંભળ્યો.

8 પ્રભુએ લોકોને સંબોધીને જે જે કહેવાની આજ્ઞા કરી હતી તે બધું યર્મિયાએ કહેવાનું જેવું પૂરું કર્યું કે તરત જ યજ્ઞકારો, સંદેશવાહકો અને લોકો તેને પકડી લઈને બોલી ઊઠયા,

9 “તને તો મૃત્યુદંડ જ ઘટે! શા માટે પ્રભુને નામે તેં એવું કહ્યું કે શિલોહની જેમ આ મંદિરનો વિનાશ થશે અને આ નગર નિર્જન ખંડેર બનશે?” એ પછી બધા લોકો યર્મિયાને પ્રભુના મંદિરમાં ઘેરી વળ્યા.

10-11 પરંતુ યહૂદિયાના અધિકારીઓ આ બનાવ વિષે સાંભળીને રાજમહેલમાંથી મંદિરમાં ઉતાવળે આવ્યા અને મંદિરના નવા દરવાજાના પ્રાંગણમાં બિરાજ્યા. ત્યારે યજ્ઞકારોએ અને સંદેશવાહકોએ અધિકારીઓ અને લોકોને કહ્યું, “આ માણસને દેહાંતદંડની સજા થવી જોઈએ! કારણ, આ માણસે આપણાં નગરની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર્યો છે અને તે તમે બધાએ તમારા કાને સાંભળ્યો છે.”

12 તે પછી યર્મિયાએ અધિકારીઓ અને બધા લોકોને સંબોધીને કહ્યું, “પ્રભુએ પોતે મને આ મંદિર અને આ નગર વિરુદ્ધ સંદેશ પ્રગટ કરવા મોકલ્યો હતો; અને તે સંદેશ તમે સાંભળ્યો છે.

13 તો હવે તેથી તમારું સમગ્ર આચરણ અને તમારાં કાર્યો સુધારો અને તમારા ઈશ્વર પ્રભુની વાણી માનો; જેથી પ્રભુએ જે મહાન વિપત્તિ તમારા પર લાવવાની ધમકી ઉચ્ચારી છે તે વિષેનો તેમનો વિચાર માંડી વાળશે.

14 હું તો તમારા હાથમાં છું; તમને જે યોગ્ય અને સાચું લાગે તે પ્રમાણે મારી સાથે વર્તો.

15 પરંતુ એટલું જાણી લો કે જો તમે મને મારી નાખશો તો તમારે શિરે, આ નગર પર અને તેના રહેવાસીઓ પર તમે નિર્દોષજનનું લોહી વહેવડાવવાનો દોષ લાવશો. કારણ, તમને આ ચેતવણી રૂબરૂમાં સંભળાવવા પ્રભુએ મને મોકલ્યો છે.”

16 પછી અધિકારીઓએ અને સર્વ લોકોએ યજ્ઞકારોને તથા સંદેશવાહકોને કહ્યું, “આ માણસ દેહાંતદંડને પાત્ર નથી. કારણ, તેણે આપણા ઈશ્વર પ્રભુને નામે આપણને ઉપદેશ કર્યો છે.”

17 ત્યાર પછી દેશના કેટલાક આગેવાનોએ ઊભા થઈને એકત્ર થયેલા લોકોને કહ્યું,

18 “યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં મોરેસેથનો મીખા નામે સંદેશવાહક પ્રભુનો સંદેશ પ્રગટ કરતો હતો. તેણે યહૂદિયાના સર્વ લોકોને આમ કહ્યું હતું, ‘સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; સિયોન નગરને ખેતરની માફક ખેડવામાં આવશે. યરુશાલેમમાં ખંડેરના ઢગલા થઇ જશે, અને મંદિરનો પર્વત જંગલ બની જશે.”

19 શું હિઝકિયા રાજાએ કે યહૂદિયાના લોકોએ મિખાને મારી નાખ્યો હતો? ના, એથી ઊલટું, પ્રભુની બીક રાખીને તેમને પ્રસન્‍ન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પ્રભુ પાસે કૃપાદષ્ટિ યાચી હતી. તેથી પ્રભુએ તેમના પર જે મહાન વિપત્તિ લાવવાની ધમકી આપી હતી તે વિષેનો પોતાનો વિચાર માંડી વાળ્યો. જો આપણે યર્મિયાને દેહાંતદંડની સજા આપીશું તો આપણે આપણા જ જીવોની મોટી હાનિ વહોરી લઈશું.

20 વળી, કિર્યાથ યઆરીમ નગરનો વતની, શમાયાનો પુત્ર ઉરિયા થઇ ગયો. તેણે પણ યર્મિયાની જેમ જ આ નગર અને દેશની વિરુદ્ધ યાહવેને નામે, સંદેશ પ્રગટ કર્યો હતો.

21 જ્યારે યહોયાકીમ રાજા, તેના સર્વ સૈનિકો અને અધિકારીઓએ ઉરિયાનો સંદેશ સાંભળ્યો ત્યારે રાજાએ તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી ઉરિયા બીકનો માર્યો ગભરાઈને ઇજિપ્ત નાસી ગયો.

22 પણ યહોયાકીમ રાજાએ આખ્બોરના પુત્ર એલ્નાથાનને બીજા માણસો સાથે ઇજિપ્ત મોકલ્યો.

23 તેઓ ઉરિયાને ઇજિપ્તમાંથી પકડીને યહોયાકીમ રાજા પાસે પાછો લાવ્યા. રાજાએ તેનો તલવારથી વધ કરાવીને તેનું શબ જાહેર કબ્રસ્તાનમાં ફેંકાવી દીધું.’

24 પણ શાફાનના પુત્ર અહિકામે યર્મિયાનો પક્ષ લીધો તેથી તેને મારી નાખવા માટે લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan