Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 25 - પવિત્ર બાઇબલ C.L.


ઉત્તરમાંથી આવતો શત્રુ

1 યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળના ચોથા વર્ષમાં યહૂદિયાના સર્વ લોકો સંબંધી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો. બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારના રાજ્યકાળનું એ પ્રથમ વર્ષ હતું.

2 યર્મિયા સંદેશવાહકે તે સંદેશ યહૂદિયાના બધા લોકો અને યરુશાલેમના રહેવાસીઓને કહી સંભળાવ્યો.

3 તેણે કહ્યું, “પાછલાં ત્રેવીસ વર્ષથી એટલે આમોનના પુત્ર યહૂદિયાના રાજા યોશિયાના તેરમા વર્ષથી આજ સુધી પ્રભુનો સંદેશ મને મળ્યો છે અને મેં તમને એ સંદેશ વારંવાર આગ્રહથી કહી સંભળાવ્યો છે. પણ તમે મારું સાંભળ્યું નથી.”

4 વળી, પ્રભુએ પોતાના સર્વ સંદેશવાહક સેવકોને તમારી પાસે વારંવાર આગ્રહથી મોકલ્યા. પણ તમે તેમનું સાંભળ્યું નહિ કે જરાપણ ધ્યાન આપ્યું નહિ.”

5 તેમણે તો કહ્યું, “દરેક જણ પોતાનાં દુષ્ટ આચરણથી ફરો અને અધમ કાર્યો તજી દો અને મેં પ્રભુએ તમને તથા તમારા પૂર્વજોને પ્રાચીન સમયથી જે ભૂમિ વારસા તરીકે આપી છે તેમાં સર્વદા વાસ કરો.

6 અન્ય દેવને અનુસરશો નહિ કે તેમની સેવાપૂજા કરશો નહિ.

7 પણ તમે સાંભળ્યું જ નહિ; અને તમારા હાથે ઘડેલી મૂર્તિઓથી મને રોષ ચડાવીને તમે તમારું જ અહિત કર્યું છે. હું પ્રભુ આ બોલું છું.”

8 આથી સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “મારા સંદેશ પર તમે ધ્યાન આપ્યું નથી.

9 તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.

10 હું તેમની મધ્યેથી આનંદ અને હર્ષના પોકાર, વરકન્યાઓનો કિલ્લોલ, ધાન્ય દળવાની ઘંટીનો અવાજ તથા દીવાનો પ્રકાશ બંધ પાડીશ.

11 આખો દેશ ઉજ્જડ અને વેરાન થઈ જશે અને આ લોકો સિત્તેર વર્ષ સુધી બેબિલોનના રાજાની ગુલામી કરશે.

12 એ સિત્તેર વર્ષ પૂરાં થયાં પછી હું બેબિલોનના રાજાની અને તેની પ્રજાને તેમના ગુનાને માટે સજા કરીશ. હું એ ખાલદીઓના દેશને સદાને માટે વેરાન કરી નાખીશ.

13 મેં બેબિલોન દેશ વિરુદ્ધ જે જે ધમકી ઉચ્ચારી છે અને યર્મિયા બધી પ્રજાઓ વિરુદ્ધ જે બોલ્યો છે અને આ પુસ્તકમાં નોંધાયેલું છે તે પ્રમાણે હું આફતો લાવીશ.

14 સાચે જ ઘણી પ્રજાઓ અને મોટા રાજાઓ તેમને ગુલામ બનાવશે, કારણ, હું તેમનાં દુષ્ટ આચરણો માટે અને તેમનાં દુષ્કૃત્યો માટે તેમને સજા કરીશ. હું પ્રભુ આ બોલું છું.”


પૃથ્વીની પ્રજાઓને સજા

15 ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “મારા કોપરૂપી દ્રાક્ષાસવનો પ્યાલો મારા હાથમાંથી લે અને જે જે પ્રજાઓની પાસે હું તને મોકલું તેમને તે પીવડાવ.

16 જ્યારે તેઓ તે પીશે ત્યારે ચકચૂર થઈને લથડિયાં ખાશે; કારણ, હું તેમના પર યુદ્ધ લાદવાનો છું.”

17 તેથી મેં પ્રભુના હાથમાંથી તે પ્યાલો લીધો અને મને જે જે પ્રજાઓ પાસે મોકલ્યો તેમને તે પીવડાવ્યો.

18 યરુશાલેમ અને યહૂદિયાનાં બધાં નગરો, તેમના રાજવીઓ અને અધિકારીઓને મેં તે પીવડાવ્યો જેથી તેઓ વેરાન થઈને લોકોની દષ્ટિમાં ભયાનક, આઘાતજનક અને શાપરૂપ બની જાય અને આજે પણ તેઓ એવા જ છે.

19-26 બીજા બધાં જેમને મેં પ્યાલો પીવડાવ્યો તેની યાદી નીચે મુજબ છે: ઇજિપ્તનો રાજા ફેરો, તેના અધિકારીઓ, તેના ઉમરાવો અને ઇજિપ્તના બધા લોકો અને ત્યાં વસતા પરદેશીઓની મિશ્ર જાતિઓ; ઉસ દેશના બધા રાજાઓ, પલિસ્તી પ્રદેશના એટલે આશ્કલોન, ગાઝા, એક્રોન તથા આશ્દોદના બાકી રહેલા રાજાઓ; અદોમ, મોઆબ તથા આમ્મોન; તૂર, સિદોનના બધા રાજાઓ તથા ભૂમધ્ય સમુદ્રના ટાપુઓના રાજાઓ: દેદાન, તેમા અને બૂઝ તથા લમણાના વાળ મુંડનાર, અરબસ્તાનના બધા રાજાઓ અને તેમાં વસતી મિશ્ર પ્રજાઓના રાજાઓ; ઝિમ્રી એલામ અને માદીઓના બધા રાજાઓ; ઉત્તરના, દૂરના કે નજીકના એટલે કે ટૂંકમાં પૃથ્વીના બધા દેશોના રાજાઓ. છેલ્લે શેશાખનો રાજા પણ તે પ્યાલો પીશે.

27 પછી પ્રભુએ મને કહ્યું, “તું તેમને આમ કહે: ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું તમારા પર યુદ્ધ મોકલું છું; તેથી તમે ચકચૂર બનો ત્યાં સુધી પીઓ, અને પછી વમન કરો! પછી એવા પડો કે ફરીથી ઊભા ન થઈ શકો!

28 અને જો કદાચ તેઓ તારા હાથમાંથી પ્યાલો લઈને પીવાની ના પાડે તો પછી તેમને કહેજે કે સેનાધિપતિ પ્રભુ કહે છે કે તમારે તે પીવો જ પડશે.

29 હું મારે નામે ઓળખાતા નગરથી જ વિનાશનો આરંભ કરું છું; તો પછી શું તમે એમ માનો છો કે તમે બચી જશો? તમે નહિ જ બચવા પામો. કારણ, પૃથ્વીના સર્વ રહેવાસીઓ પર હું યુદ્ધ મોકલું છું. હું પ્રભુ પોતે આ બોલું છું.

30 હે યર્મિયા, મેં તને જે જે ફરમાવ્યું તે બધું જ તું આ લોકોને પ્રગટ કર. વળી, તેમને કહે કે, ‘પ્રભુ સ્વર્ગમાંથી ગર્જના કરે છે અને પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી ઘાંટો પાડે છે. તે પોતાના લોકની વિરુદ્ધ મોટી ગર્જના કરશે. દ્રાક્ષ ખૂંદનાર માણસની જેમ તે ઘાંટો પાડશે, અને પૃથ્વીના બધા લોકો તે સાંભળશે.

31 અને પૃથ્વીના છેડા સુધી તેનો પડઘો પડશે. કારણ, પ્રભુને સર્વ દેશોના લોકોની વિરુદ્ધ ફરિયાદ છે અને તે સર્વ માનવજાતનો ન્યાય કરશે. સર્વ દુષ્ટોનો તે સંહાર કરશે.’ હું પ્રભુ આ બોલું છું.”

32 સેનાધિપતિ પ્રભુ કહે છે, “એક પછી એક દેશ પર વિપત્તિ આવી રહી છે અને પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોથી એક મોટું વાવાઝોડું ફુંકાવાનું છે.

33 તે દિવસે પ્રભુએ જેમનો સંહાર કર્યો હશે તેમનાં શબ પૃથ્વીના એક છેડેથી બીજા છેડા સુધી વેરવિખેર પડી રહેશે. કોઈ તેમને માટે શોક કરશે નહિ, તેમને એકઠાં કરીને દફનાવશે પણ નહિ પણ પૃથ્વીની સપાટી પર ખાતરના ઢગની જેમ પથરાશે.”

34 ઓ લોકના પાલકો, તમે પોક મૂકો, અને વિલાપ કરો, ઓ ટોળાના માલિકો, રાખમાં આળોટીને શોક કરો; કારણ, તમારી ક્તલનો સમય આવી પહોંચ્યો છે; માતેલા ઘેટાની જેમ તમે પણ કપાઈને પડશો.

35 પાલકોને નાસી છૂટવાનો કોઈ માર્ગ રહેશે નહિ, અને માલિકને બચાવવાનો કોઈ ઉપાય રહેશે નહિ.

36-37 પાલકોની પોક સાંભળો: માલિકોની ચીસો પણ સાંભળો! કારણ, પ્રભુએ પોતાના ઉગ્ર કોપમાં તમારા દેશનો વિનાશ કર્યો છે.

38 અને તમારા શાંતિદાયક નિવાસનો પ્રદેશ વેરાન બન્યો છે. જેમ સિંહ પોતાની ગુફા તજી દે તેમ પ્રભુએ પોતાના લોકને તજી દીધા છે. ભયાનક યુદ્ધ અને પ્રભુના ઉગ્ર કોપને લીધે તમારો દેશ ઉજ્જડ બન્યો છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan