Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 23 - પવિત્ર બાઇબલ C.L.


ભાવિ વિષે આશા

1 પ્રભુ કહે છે, “ચારાનાં ઘેટાં સમા મારા લોકને આડે માર્ગે ચડાવી દઈ તેમને વેરવિખેર કરનાર તેમના ઘેટાંપાળક સમા શાસકોની કેવી દુર્દશા થશે!

2 તેથી મારા લોકોનું પાલન કરનાર શાસકોને હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, આ પ્રમાણે કહું છું: તમે મારા લોકોની સંભાળ રાખી નથી. તમે તેમને હાંકી કાઢયા છે અને તેમને વેરવિખેર કરી નાખ્યા છે. તેથી તમારાં દુષ્કૃત્યોને લીધે હું પ્રભુ તમને સજા કરીશ.

3 જે દેશોમાં મેં મારા લોકને હાંકી કાઢયા હતા ત્યાંથી બાકી રહેલાઓને હું વતનમાં પાછા લાવીશ; અને ત્યાં તેઓ સફળ થશે અને વૃદ્ધિ પામશે.

4 અને હું તેમના પર બીજા પાલકો નીમીશ. તેઓ તેમનું યોગ્ય પાલન કરશે. પછી મારા લોક ફરીથી ડરશે નહિ, કે ગભરાશે નહિ અને તેમનામાંથી કોઈ ખોવાશે નહિ. હું પ્રભુ આ બોલું છું.”

5 પ્રભુ કહે છે, “એવો સમય આવશે કે જ્યારે હું દાવિદના વંશમાં અંકુરની જેમ ફૂટી નીકળેલ સાચા વંશજને રાજા તરીકે પસંદ કરીશ; તે ડહાપણપૂર્વક રાજ કરશે. તે સમગ્ર દેશમાં ન્યાય અને નેકી પ્રવર્તાવશે.

6 તેના રાજમાં યહૂદિયાનો ઉદ્ધાર થશે અને ઇઝરાયલના લોકો સલામતી ભોગવશે. તે રાજા ‘યાહવે-સિદકેનું’ (‘પ્રભુ આપણા ઉદ્ધારક’) એ નામથી ઓળખાશે.”

7 પ્રભુ કહે છે, “એવો પણ સમય આવશે જ્યારે લોકો શપથ લેતાં ‘ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવનાર જીવતા પ્રભુના સમ’ એમ નહિ કહે,

8 પણ તેને બદલે ‘ઇઝરાયલીઓને ઉત્તરના દેશમાંથી અને જ્યાં જ્યાં પ્રભુએ તેમને વેરવિખેર કરી નાખ્યા હતા તે બધા દેશોમાંથી તેમને પોતાના વતનમાં વસવા માટે પાછા લાવનાર જીવતા પ્રભુના સમ’ એમ કહેશે.


સંદેશવાહકો વિષે યર્મિયાનો સંદેશ

9 સંદેશવાહકો વિષે સંદેશ: મારું હૃદય તદ્દન ભાંગી પડયું છે, અને મારા બધાં હાડકાં ધ્રૂજી ઊઠયાં છે. પ્રભુ અને તેમના પવિત્ર સંદેશ પ્રત્યેની નિષ્ઠાને લીધે હું નશામાં ચકચૂર થયેલા માણસના જેવો અને પુષ્કળ દ્રાક્ષાસવ પીધેલા માણસની જેમ વિવશ થઇ ગયો છું.

10 કારણ, દેશ વ્યભિચારીઓથી ભરપૂર છે. તેઓ દુષ્ટ કાર્યો આચરે છે, અને પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે. તેથી શાપને લીધે ભૂમિ શોક કરે છે, અને ઘાસચારાનાં મેદાનો સુકાઈ ગયાં છે.

11 પ્રભુ કહે છે, “અરે, સંદેશવાહકો અને યજ્ઞકારો પણ ભ્રષ્ટ બન્યા છે; અરે, મારા પોતાના મંદિરમાં જ મેં તેમને દુષ્ટતા આચરતા પકડયા છે.

12 તેથી તેમનો માર્ગ તેમને અંધકારમય લપસણાં સ્થાનો તરફ લઈ જશે. તેમને ત્યાં હડસેલી દેવામાં આવશે અને તેમનું પતન થશે. કારણ, હું તેમના પર વિપત્તિ લાવીશ, અને તેમની સજાનો સમય આવી પહોંચ્યો છે. હું પ્રભુ આ બોલું છું.

13 સમરૂનના સંદેશવાહકોમાં મેં એક દિલ દુભાવનારી બાબત જોઈ છે. તેઓ બઆલદેવને નામે સંદેશ પ્રગટ કરીને મારા ઇઝરાયલી લોકને ગેરમાર્ગે દોરે છે.

14 પરંતુ યરુશાલેમના સંદેશવાહકોમાં તો મેં એથી વિશેષ આઘાતજનક બાબત જોઈ છે: તેઓ પોતે વ્યભિચાર કરે છે અને જૂઠ પ્રવર્તાવે છે. તેઓ દુષ્ટોને એવો સાથ આપે છે કે કોઈ પોતાની દુષ્ટતામાંથી પાછું વળતું નથી! મારી દષ્ટિમાં એ લોકો સદોમ અને ગમોરાના રહેવાસીઓ જેવા અધમ થઈ ગયા છે.

15 તેથી હું સેનાધિપતિ પ્રભુ તે સંદેશવાહકો વિષે આ પ્રમાણે કહું છું: હું તેમને કીરમાણીના કડવા છોડ ખવડાવીશ અને તેમને ઝેર પીવડાવીશ. કારણ, યરુશાલેમના સંદેશવાહકો દ્વારા જ આખા દેશમાં ભ્રષ્ટાચાર ફેલાયો છે.”


જૂઠા સંદેશવાહકની નિશાની

16 સેનાધિપતિ પ્રભુ યરુશાલેમના લોકોને આ પ્રમાણે કહે છે: “આ સંદેશવાહકો જે સંદેશ પ્રગટ કરે તે સાંભળશો નહિ. તેઓ તમને વ્યર્થ વાતો કહી ભરમાવે છે. તેઓ મેં મારા મુખે જણાવેલ સંદેશો નહિ પણ પોતાના મનમાં કલ્પેલું સંદર્શન જ પ્રગટ કરે છે.

17 મારી અવગણના કરનારાઓને તેઓ કહે છે, ‘પ્રભુ કહે છે કે તમે સુખશાંતિમાં રહેશો’ અને પોતાના કઠણ દયના દુરાગ્રહને અનુસરનારને તેઓ કહે છે, ‘તમારા પર કોઈ આફત આવવાની નથી.’

18 તેમનામાંથી કોણ પ્રભુના રાજદરબારમાં ઉપસ્થિત હતો? કોણે પ્રભુનો સંદેશ સાંભળ્યો છે અને તે સમજ્યો છે? કોણે તે સંદેશ પર કાન દઈને ધ્યાન આપ્યું છે?

19 પ્રભુનો કોપ વંટોળિયાની માફક વછૂટશે અને વાવાઝોડાની માફક દુષ્ટોના શિરે ત્રાટકશે.

20 પ્રભુના મનસૂબા પાર ન પડે ત્યાં સુધી પ્રભુનો કોપ શાંત પડશે નહિ. આવનાર દિવસોમાં તમને આ વાત બરાબર સમજાશે:

21 ‘મેં આ સંદેશવાહકોને મોકલ્યા નથી, છતાં તેઓ દોડયા છે. મેં તેમને કોઈ સંદેશ આપ્યો નથી, છતાં તેઓ મારે નામે ઉપદેશ કરે છે.’

22 પણ જો તેઓ મારા રાજદરબારમાં ઉપસ્થિત હોત તો તેમણે મારા લોકને મારો સંદેશ પ્રગટ કર્યો હોત અને લોકોને તેમનાં દુષ્ટ આચરણથી અને દુષ્ટ કાર્યોથી પાછા વાળ્યા હોત.”


સ્વપ્નો અને ઈશ્વરનો સંદેશ

23 પ્રભુ કહે છે, “હું માત્ર એક જ સ્થાનમાં સીમિત એવો ઈશ્વર નથી; હું તો સર્વવ્યાપી ઈશ્વર છું.

24 કોઈ પોતાને ગુપ્ત સ્થાનમાં એવી રીતે સંતાડી શકે નહિ કે હું તેને જોઈ ન શકું. કારણ, હું પ્રભુ તો આકાશમાં અને પૃથ્વીમાં સર્વવ્યાપી છું.

25 ‘મને સ્વપ્ન આવ્યું છે,’ ‘મને સ્વપ્ન આવ્યું છે,’ એમ કહીને મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરનાર સંદેશવાહકોને મેં સાંભળ્યા છે.*

26 આ સંદેશવાહકો ક્યાં સુધી પોતાના મનમાં કલ્પી કાઢેલો જૂઠો સંદેશ પ્રગટ કર્યા કરશે?

27 જેમ તેમના પૂર્વજો બઆલદેવને લીધે મારું નામ ભૂલી ગયા તેમ તેઓ એકબીજાને પોતાનાં સ્વપ્નો કહીને મારું નામ ભૂલાવી દેવાને ધારે છે.

28 જે સંદેશવાહકને સ્વપ્ન આવ્યું હોય તે માત્ર પોતાનું સ્વપ્ન કહી સંભળાવે, પણ જે સંદેશવાહકને મારો સંદેશ મળ્યો હોય તે નિષ્ઠાપૂર્વક મારો સંદેશ પ્રગટ કરે. ઘઉંની આગળ ભૂંસાની શી વિસાત?

29 મારો સંદેશ તો અગ્નિ સમાન અને ખડકનો ભૂક્કો કરનાર હથોડા સમાન છે. હું પ્રભુ આ કહું છું.

30 હું પ્રભુ કહું છું કે એકબીજાની પાસેથી મારા સંદેશા ચોરી લેનાર સંદેશવાહકોની હું વિરુદ્ધ છું

31 પ્રભુએ પોતે આ સંદેશ કહ્યો છે, એવા દાવા સાથે પોતાનો સંદેશો પ્રગટ કરનાર સંદેશવાહકોની વિરુદ્ધ પણ હું છું.

32 પોતાનાં ખોટાં સ્વપ્નો પ્રગટ કરનાર તથા જૂઠાણાં અને બડાઇ હાંકી મારા લોકને ગેરમાર્ગે દોરનાર સંદેશવાહકોની વિરુદ્ધ પણ હું છું. મેં તેમને કદીયે મોકલ્યા નથી કે તેમને નીમ્યા નથી. તેઓ આ લોકોને કોઈ રીતે લાભદાયી નથી. હું પ્રભુ પોતે આ કહું છું.”


પ્રભુનો બોજ

33 પ્રભુએ મને કહ્યું, “યર્મિયા, જ્યારે મારા લોક, સંદેશવાહકો કે યજ્ઞકારોમાંથી તને કોઈ મારા સંદેશાના સંદર્ભમાં આવું પૂછે કે, ‘પ્રભુનો બોજ શો છે?’ ત્યારે તું તેમને જવાબ આપજે. ‘તમે જ પ્રભુનો બોજ છો!’ અને પ્રભુ કહે છે કે હું એ બોજને એટલે તમને ફેંકી દઈશ.

34 સંદેશવાહક, યજ્ઞકાર કે લોકમાંથી કોઈ ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ વાપરશે તો હું તેને અને તેના કુટુંબને પણ સજા કરીશ.

35 એને બદલે, ‘પ્રભુએ શો ઉત્તર આપ્યો?’ અથવા ‘પ્રભુએ શું કહ્યું?’ એ પ્રમાણે એકબીજાને, મિત્રોને તથા સ્નેહીજનોને પૂછવું.

36 પરંતુ ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ કદી વાપરવો નહિ. કારણ, જો કોઈ તે પ્રમાણે કરશે તો તેનો એ બોલ તેને માટે બોજરૂપ થઈ પડશે. કારણ, લોકોએ સેનાધિપતિ પ્રભુ, એટલે તેમના જીવંત ઈશ્વરના સંદેશનો અર્થ મરડી કાઢયો છે.

37 તમારે કોઈપણ સંદેશવાહકને ‘પ્રભુએ શો ઉત્તર આપ્યો?’ અથવા ‘પ્રભુએ શું કહ્યું?’ એ પ્રમાણે પૂછવું.

38 પરંતુ જો તેઓ ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ વાપરે તો તેમને કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: “મેં તમને ‘પ્રભુનો બોજ’ એ શબ્દ પ્રયોગ વાપરવાની મના કરી હતી છતાં તમે ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ કર્યો છે.

39 તેથી હું તમને ઊંચકીને મારી હાજરીથી દૂર ફેંકી દઈશ. તમને તથા તમારા પૂર્વજોને આપેલા નગરને પણ હું ફેંકી દઈશ.

40 અને તમારા પર કાયમી કલંક અને નિરંતર અપમાન લાવીશ અને તે કદી ભૂલાશે નહિ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan