યર્મિયા 22 - પવિત્ર બાઇબલ C.L.યહૂદિયાના રાજવંશને યર્મિયાનો સંદેશ 1-2 પ્રભુએ મને દાવિદના વંશજ યહૂદિયાના રાજાના મહેલે જઈને આ સંદેશ પ્રગટ કરવાનું કહ્યું: “હે દાવિદના રાજ્યાસન પર બિરાજનાર યહૂદિયાના રાજા, તમે તથા તમારા અધિકારીઓ અને આ દરવાજાઓમાંથી આવજા કરનાર પ્રજાજનો, તમે સૌ પ્રભુનો સંદેશ સાંભળો. 3 પ્રભુ આ પ્રમાણે કહે છે: પ્રામાણિક્તાથી અને નેકીથી વર્તો. જુલમપીડિતોને જુલમગારોના સકંજામાંથી છોડાવો. પરદેશી, અનાથ અને વિધવાના હક્ક છીનવી ન લો અને તેમના પર જુલમ ન કરો અને આ સ્થળે નિર્દોષજનોનું રક્ત વહેવડાવશો નહિ. 4 જો તમે સાચે જ એ પ્રમાણે વર્તશો તો દાવિદના વંશના રાજાઓની રાજસત્તા જારી રહેશે. તેઓ રથો અને ઘોડાઓ પર સવાર થઈને તેમના અધિકારીઓ અને લોકો સહિત આ દરવાજાઓથી આવજા કરશે. 5 પણ જો તમે મારી આજ્ઞા નહિ પાળો તો હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે આ મહેલ ખંડેર બની જશે.” 6 યહૂદિયાના રાજાના મહેલ વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે: “આ મહેલ મારે માટે ગિલ્યાદના વનપ્રદેશ જેવો અને લબાનોન પર્વતના શિખર જેવો ચડિયાતો છે. પણ હું શપથપૂર્વક કહું છું કે હું તેને વેરાન કરી દઈશ અને કોઈ તેમાં વસશે નહિ. 7 તેનો વિનાશ કરવા હું શસ્ત્રસજ્જ માણસોને મોકલીશ. તેઓ તેના ગંધતરુના સ્તંભોને કાપીને અગ્નિમાં નાખીને સળગાવી દેશે. 8 પછી ઘણા પરદેશી લોકો આ નગર પાસેથી પસાર થતાં એકબીજાને પૂછશે, ‘શા માટે પ્રભુએ આ મહાન નગરની આવી દશા કરી?’ 9 અને તેઓ જ ઉત્તર આપશે કે, “એ લોકોએ પોતાના પ્રભુ સાથેનો કરાર તજી દઈને અન્ય દેવોની સેવાપૂજા કરી તેને લીધે એવું થયું છે.” યોશિયાના પુત્ર રાજા શાલ્લૂમ ઉર્ફે યહોઆહાઝ વિષે સંદેશ 10 હે યહૂદિયાના લોકો, યોશિયાના મૃત્યુ માટે વિલાપ કરશો નહિ, અને તેને માટે શોક કરશો નહિ; પણ બંદી તરીકે જનાર રાજા માટે હૈયાફાટ રુદન કરશે, કારણ, તે કદી પાછો આવવાનો નથી અને ફરી વતન જોવા પામશે નહિ. 11 કારણ, પોતાના પિતા યોશિયા પછી રાજા બનનાર યહૂદિયાના રાજા શાલ્લૂમ વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે. “તે અહીંથી સદાને માટે ગયો છે અને ત્યાંથી કદી પાછો આવશે નહિ. 12 તેને જે દેશમાં દેશનિકાલ કરવામાં આવ્યો છે ત્યાં જ તે મૃત્યુ પામશે અને તે ફરી આ દેશ જોવા પામશે નહિ.” યહોયાકીમ વિષે સંદેશ 13 અન્યાયથી પોતાનું ઘર બાંધનાર, અને અપ્રામાણિક્તાથી મેળવેલા નાણાં વડે તેના પર માળ પર માળ લેનાર, તથા પોતાના જાતભાઈ પાસે મજૂરી કરાવી, તેને વેતન ન આપનારની કેવી દુર્દશા થશે! 14 તે કહે છે, ‘હું મારે માટે ભવ્ય મહેલ બાંધીશ. તેમાં ઉપલે માળે ઉજાસવાળા મોટા મોટા ઓરડા હશે.’ તેથી તે મોટી મોટી બારીઓ મૂકાવે છે, અને તેની છત પર ગંધતરુના ક્ષ્ટનાં પાટિયાં જડે છે અને તેને સિંદુરના ચળક્તા લાલ રંગથી રંગાવે છે. 15 બીજાઓ કરતાં મહેલ બાંધવામાં વધુ ગંધતરુનાં લાકડાં વાપરવાથી જ શું તું રાજા બની ગયો ગણાય? તારો પિતા ખાધેપીધે સુખી હતો, પણ તેણે નેકી અને પ્રામાણિક્તાથી રાજ કર્યું અને તેથી જ તે આબાદ અને સુખી થયો. 16 તે ગરીબ અને જુલમપીડિતોનો પક્ષ લેતો હતો. મારી સાથે આત્મીયતા હોવાનો અર્થ એ જ છે. હું પ્રભુ આ કહું છું. 17 પણ તારી આંખો તો પોતાનો જ સ્વાર્થ જુએ છે, અને તારું હૃદય એના જ વિચાર કરે છે. તું નિર્દોષજનોની હત્યા કરે છે, જુલમ ગુજારે છે તથા બળજબરીથી લૂંટે છે. 18 તેથી યોશિયાના પુત્ર યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે પ્રભુ કહે છે કે એ માણસની કેવી દુર્દશા થશે! કોઈ તેના મૃત્યુ માટે શોક કરશે નહિ. જેમ સ્નેહીજનો માટે ‘ઓ મારા ભાઈ’ ‘ઓ મારી બહેન’ એમ કહીને વિલાપ કરે છે તેમ તેને માટે કોઈ ‘ઓ મારા સ્વામી’, ‘ઓ મારા રાજા’ એવું કહી રડશે નહિ. 19 ગધેડાને છાજે એવી તેની અંતિમવિધિ થશે, એટલે કે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજાની બહાર ફેંકી દેવામાં આવશે. યરુશાલેમના પતન વિષે સંદેશ 20 હે યરુશાલેમના લોકો, લબાનોનના પર્વત પર જઈને પોકાર પાડો અને બાશાનના પ્રદેશમાં જઈને ઘાંટા પાડો. મોઆબના અબારીમ પર્વત પરથી હાંક મારો, કારણ, તમારા બધા મિત્રદેશો પરાજિત થયા છે. 21 તમારી આબાદીના સમયે હું તમને સંબોધતો, પણ તમે કહ્યું, “અમે સાંભળવાના નથી!” આખી જિંદગીપર્યંત તમે એમ જ વર્ત્યા છો, અને મારી વાણી પ્રત્યે ધ્યાન આપ્યું નથી. 22 અને તમારાં દુષ્ટ કાર્યોને લીધે પવન તમારા આગેવાનોનો આગેવાન બની તમને દૂર ઘસડી જશે અને તમારા મિત્રદેશોના લોકો પણ દેશનિકાલ થશે; તમારું નગર લજ્જિત અને અપમાનિત થશે. 23 લબાનોનના વનનાં ગંધતરુક્ષ્ટના તમારા નિવાસોમાં તમે વસો છો, પણ જ્યારે તમારા પર વિપત્તિ આવી પડે ત્યારે તમારી દશા કેવી દયામણી થશે? તમે પ્રસૂતાના જેવી વેદનાથી કષ્ટાશો. કોન્યા ઉર્ફે યહોયાખીન રાજાને સજા 24 યહોયાકીમના પુત્ર યહૂદિયાના રાજા કોન્યાને પ્રભુએ પોતાના જીવના સમ ખાઈને કહ્યું કે, “તું મારા જમણા હાથ પરની મુદ્રિકા હોય, તો પણ હું તને ખેંચી કાઢીશ. 25 અને તને જેમની બીક લાગે છે અને જેઓ તને મારી નાખવા માંગે છે તેમના હાથમાં એટલે કે, બેબિલોન તથા ખાલદીઓના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દઈશ. 26 હું તને અને તને જન્મ આપનાર તારી માતાને બીજા દેશમાં દેશનિકાલ કરીશ. તમે બન્ને તે દેશમાં જન્મ્યા તો નહોતા પણ તમે ત્યાં જ મરશો. 27 તમે આ દેશમાં પાછા આવવા તડપશો પણ તમે કદી પાછા આવશો નહિ.” 28 મેં કહ્યું, “આ માણસ કોન્યા, માટીનું નકામું અને ભાંગેલું પાત્ર છે! તે અણગમતા પાત્ર જેવો છે! તો પછી તેને ફંગોળીને અજાણ્યા દેશમાં કેમ ફેંકી દેવામાં આવે છે? 29 હે ભૂમિ, હે ભૂમિ, હે ભૂમિ! તું પ્રભુનો સંદેશ સાંભળ. 30 “આ માણસ જાણે કે વાંઝિયો હોય તેમ નોંધી લો. તે તેના આખા જીવનમાં ક્યારેય સુખી થશે નહિ. દાવિદના વંશમાં યહૂદિયાના રાજ્યાસન પર રાજા તરીકે બિરાજવા કે રાજ કરવા તેનો કોઈ વંશજ સફળ થશે નહિ.” પ્રભુ આ પ્રમાણે કહે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide