Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 21 - પવિત્ર બાઇબલ C.L.


યરુશાલેમના પરાજયની આગાહી

1 યહૂદિયાના રાજા સિદકિયાએ માલ્કિયાના પુત્ર પાશહૂર અને માસૈયાના પુત્ર યજ્ઞકાર સફાન્યાને યર્મિયા પાસે આવી વિનંતી કરવા મોકલ્યા:

2 “તમે અમારે માટે પ્રભુને પૂછી જુઓ; કારણ, બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારે અમારા પર આક્રમણ કર્યું છે. કદાચ પ્રભુ અમારે માટે કોઈ અજાયબ કાર્ય કરે કે જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે” એ પ્રસંગે પ્રભુ તરફથી યર્મિયાને સંદેશો મળ્યો.

3 તેથી યર્મિયાએ તેમને કહ્યું, “તમે સિદકિયાને આ પ્રમાણે જણાવજો, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે:

4 ‘હે રાજા, કોટ બહાર નગરને ઘેરો ઘાલીને પડેલા બેબિલોનના રાજા અને તેના ખાલદી સૈનિકોની સામે તમે જે શસ્ત્રોથી લડો છો, તેમને હું પાછા પાડીશ, અને હું એ લોકોને નગરની મધ્યે લઈ આવીશ.

5 હું જાતે જ તારી વિરુદ્ધ મારા પૂરા બાહુબળથી, ક્રોધથી, ભારે કોપથી અને રોષથી લડીશ.

6 આ નગરમાં વસનારા લોકો અને પ્રાણીઓનો હું સંહાર કરીશ; તેઓ મોટા રોગચાળાથી મરશે.

7 વળી, હું પ્રભુ જ આ કહું છું કે તે પછી હું તને સિદકિયાને, અધિકારીઓને તથા રોગ, યુદ્ધ કે દુકાળમાંથી બચી ગયેલા બાકીના લોકોને નબૂખાદનેસ્સાર રાજાના હવાલામાં સોંપી દઈશ અને તમને મારી નાખવાનો લાગ શોધનારા તમારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. તે કોઈપણ જાતની દયા, દરગુજર કે કરુણા રાખ્યા વગર બધાનો સંહાર કરશે.”


શત્રુઓને શરણે જવા સલાહ

8 પછી પ્રભુએ લોકોને આ પ્રમાણે જણાવવા કહ્યું કે, “પ્રભુ આ પ્રમાણે કહે છે: સાંભળો, હું તમને જીવનદાયક માર્ગ અને મરણસાધક માર્ગ વચ્ચે પસંદગી કરવાની તક આપું છું.

9 આ નગરમાં રહેનારા યુદ્ધ, દુકાળ કે રોગચાળાથી માર્યા જશે; પરંતુ આ નગરને ઘેરો ઘાલી રહેલા બેબિલોનના લશ્કરને શરણે જનાર જાણે લૂંટ મળી હોય તેમ પોતાનો જીવ બચાવશે.

10 કારણ, મેં આ નગરને બચાવવાનું નહિ, પણ તેનો નાશ કરવાનું નક્કી કર્યું છે. તેને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે અને તે તેને બાળીને ખાક કરી દેશે. હું પ્રભુ આ બોલું છું.”


યહૂદિયાના રાજવંશને સજા

11 પ્રભુએ મને દાવિદના રાજવંશ એટલે યહૂદિયાના રાજ્યર્ક્તાઓ માટે આ સંદેશ પ્રગટ કરવાનું કહ્યું:

12 “પ્રભુ આ પ્રમાણે કહે છે: રોજબરોજ નેકીથી ન્યાય તોળો, અને જે લૂંટાયો છે તેને જુલમગારના સકંજામાંથી છોડાવો, નહિ તો તમારાં દુષ્ટ કાર્યોને લીધે મારો કોપ અગ્નિની જેમ ભડકી ઊઠીને સતત સળગશે અને કોઈથી હોલવાશે નહિ.

13 હે યરુશાલેમ, તું તારી આસપાસની ખીણોની વચ્ચે વસેલું છે, અને ઊંચા સમતલ ખડક પર સ્થપાયેલું છે. તું ગર્વ કરતાં કહે છે, ‘મારા પર કોણ આક્રમણ કરવાનું છે? અથવા મારા નિવાસસ્થાનમાં કોણ પ્રવેશી શકવાનું છે?’ પણ હું તારી વિરુદ્ધ યુદ્ધ કરીશ.

14 તારાં કાર્યોને લીધે હું તને સજા કરીશ. હું તારી મહેલમહેલાતોને આગ લગાડીશ અને તેની આસપાસનું બધું જ સળગી જશે. હું પ્રભુ આ બોલું છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan