યર્મિયા 20 - પવિત્ર બાઇબલ C.L.પાશહૂર સાથે યર્મિયાનો સંઘર્ષ 1 ઈમ્મેરનો પુત્ર યજ્ઞકાર પાશહૂર પ્રભુના મંદિરમાં મુખ્ય અધિકારી હતો. તેણે યર્મિયાને એ સંદેશ કહેતાં સાંભળ્યો. 2 તેથી તેણે યર્મિયાને ફટકા મરાવીને મંદિરના ઉપલા બિન્યામીન દરવાજાએ તેના પગ લાકડાની હેડમાં પૂર્યા. 3 પણ બીજે દિવસે સવારે પાશહૂરે યર્મિયાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યર્મિયાએ તેને કહ્યું, “પ્રભુએ તારું નામ પાશહૂર નહિ, પણ ‘માગોર-મિસ્સાબીબ’ (ચોમેર આતંક) પાડયું છે. 4 પ્રભુ તને આ પ્રમાણે કહે છે: હું તને તથા તારા મિત્રોને ભયગ્રસ્ત કરીશ. તેઓ તારી નજર સામે જ શત્રુઓની તલવારથી માર્યા જશે અને આખા યહૂદિયાને હું બેબિલોનના રાજાના કબજામાં સોંપી દઈશ. તે કેટલાકને કેદ કરીને બેબિલોન લઈ જશે, જ્યારે બીજાઓને મારી નાખશે. 5 આ નગરની બધી સંપત્તિ, તેનો બધો માલસામાન, કીમતી વસ્તુઓ, યહૂદિયાના રાજાઓના ખજાના સહિત હું તેમના શત્રુઓને સોંપી દઈશ. તેઓ એ બધું લૂંટીને બેબિલોન લઈ જશે. 6 અને હે પાશહૂર, તું તથા તારું આખું કુટુંબ કેદી તરીકે બેબિલોન લlઈ જવાશો. તું તથા તારા બધા મિત્રો જેમને તેં ખોટો સંદેશ પ્રગટ કર્યો તે બધા ત્યાં મરશો અને દટાશો.” યર્મિયાની વેદનાનો ઊભરો 7 હે પ્રભુ, તમે મને લલચાવ્યો અને હું લલચાઈ ગયો, તમે મને ભીંસમાં લઈને વશ કરી દીધો. આખો દિવસ હું મજાકનું પાત્ર lબન્યો છું, અને બધા લોકો મારી મશ્કરી ઉડાવે છે. 8 હું જ્યારે જ્યારે બોલું છું ત્યારે ત્યારે બૂમો પાડું છું; હું આવી બૂમો પાડું છું: ‘હિંસા! લૂંટ!!’ પણ પ્રભુનો સંદેશ પ્રગટ કરવાને લીધે મારે સતત નિંદા અને નાલેશી વહોરવી પડે છે. 9 પણ જો હું એમ વિચારું કે હું પ્રભુનો ઉલ્લેખ કરીશ નહિ અને તેમને નામે હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, તો મારા હાડકામાં જાણે ભારેલો અગ્નિ હોય તેમ મારા હૃદયમાં એ સંદેશ ભભૂકીને મને વ્યગ્ર કરે છે. હું તેને કાબૂમાં રાખવા મથું છું, પણ મારાથી બોલ્યા વિના રહેવાતું નથી. 10 હું મારા વિષે ટોળામાં થતી આવી ગુસપુસ સાંભળું છું: ‘પેલો માગોર-મિસ્સાબીબ (ચોમેર આતંક)! ચાલો, તેના પર આરોપો મૂકી, તેને વિષે ફરિયાદ કરીએ.’ અરે, મારા નિકટના મિત્રો પણ મારું પતન ઇચ્છે છે, અને કહે છે, ‘કદાચ તે ફસાઈ જશે; પછી આપણે તેને પકડી લઈને તેના પર વેર વાળીશું!’ 11 પરંતુ હે પ્રભુ, એક શૂરવીર સૈનિકની જેમ તમે મારી સાથે છો; તેથી જેઓ મારો પીછો કરે છે તેઓ ઠોકર ખાઈને પટકાશે, તેઓ નિષ્ફળ જશે અને લજ્જિત થશે. તેમની નામોશી કાયમ રહેશે અને કદી ભૂલાશે નહિ. 12 હે સેનાધિપતિ પ્રભુ, તમે પારખ કરો છો, અને માણસોનાં અંત:કરણના છુપા ઈરાદાઓ અને દયના વિચારો જાણો છો, તેથી મેં તમને મારો દાવો સોંપ્યો છે. તમે તેમના પર જે બદલો લો તે મને જોવા દો. 13 પ્રભુનું સ્તવન ગાઓ અને પ્રભુની સ્તુતિ કરો. કારણ, દુષ્ટોના સકંજામાંથી તેમણે જુલમપીડિતોનો પ્રાણ ઉગાર્યો છે. 14 મારો જન્મદિન શાપિત થાઓ! મારી માતાએ મને જન્મ આપ્યો તે દિવસ ભૂલાઈ જાઓ! 15 “તારે ત્યાં પુત્ર જન્મ્યો છે” એવા સમાચાર લાવી મારા પિતાને આનંદિત કરનાર માણસ પણ શાપિત હો! 16 પ્રભુએ સહેજ પણ દયા દાખવ્યા વિના જેમનો નાશ કર્યો, એવા નગરની જેમ એ માણસ નષ્ટ થાઓ! તે માણસ સવારે વિલાપ અને બપોરે યુદ્ધનાદ સાંભળો! 17 કારણ, તેણે મને જનમતાં પહેલાં જ મારી નાખ્યો નહિ; ત્યારે તો મારી જનેતાનું ઉદર મારી કબર થાત, અને તેનું ગર્ભસ્થાન હમેશાં ગર્ભવંત રહ્યું હોત. 18 માત્ર કષ્ટ અને વેદના ભોગવવા તથા લજ્જિત થઈને મારા દિવસો પસાર કરવા માટે જ હું ગર્ભસ્થાનમાંથી બહાર કેમ આવ્યો? |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide