Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 2 - પવિત્ર બાઇબલ C.L.


ઇઝરાયલ પ્રજા માટે પ્રભુની કાળજી

1 પ્રભુનો આવો સંદેશ મને મળ્યો. તેમણે કહ્યું,

2 “જા અને યરુશાલેમના લોકો સાંભળે તેમ પોકારીને કહે, પ્રભુ કહે છે: યુવાનીના સમયની તારી નિષ્ઠા અને કન્યા તરીકેનો તારો પ્રેમ મને યાદ છે. વેરાન અને પડતર પ્રદેશમાં તું મને અનુસરતી હતી. ઓ ઇઝરાયલ, તું મને સમર્પિત હતી;

3 ફસલની પ્રથમ ઉપજની જેમ તું મારો હિસ્સો હતી. જે કોઈ તને રંજાડતું તે દોષિત ઠરતું અને તેમના પર વિપત્તિ આવી પડતી. હું પ્રભુ પોતે આ બોલું છું.”


ઇઝરાયલના પૂર્વજોનાં પાપ

4 હે યાકોબના વંશજો અને ઇઝરાયલનાં સર્વ કુળો, પ્રભુનો સંદેશ સાંભળો.

5 પ્રભુ કહે છે: “તમારા પૂર્વજોને મારામાં શો દોષ માલૂમ પડયો કે તેમણે મને તજી દીધો, અને વ્યર્થ મૂર્તિઓની પૂજા કરીને પોતે જ વ્યર્થ બની ગયા?

6 તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે અમને ઇજિપ્ત દેશમાંથી કાઢી લાવનાર તથા વેરાન પ્રદેશમાં, રણ અને કોતરોવાળા પ્રદેશમાં, નિર્જળ અને ભયાનક પ્રદેશમાં, જ્યાંથી કોઈ પસાર ન થાય કે જ્યાં કોઈ વસે નહિ એવા પ્રદેશમાં અમને દોરી લાવનાર પ્રભુ ક્યાં છે?

7 વળી, હું તમને ફળદ્રુપ પ્રદેશમાં લાવ્યો કે જેથી તમે મબલક પાક અને અન્ય ઊપજ ભોગવો, પણ તમે તો અહીં આવીને મારી ભૂમિને ભ્રષ્ટ કરી છે અને મેં તમને વારસા તરીકે આપેલ દેશને ઘૃણાપાત્ર બનાવ્યો છે.

8 યજ્ઞકારોએ દોરવણી માટે કદી પૃચ્છા કરી નથી કે પ્રભુ ક્યાં છે; નિયમશાસ્ત્રના શિખવનારાઓએય મને ઓળખ્યો નહિ; અધિકારીઓએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું. સંદેશવાહકોએ બઆલને નામે ઉપદેશ કર્યો અને વ્યર્થ મૂર્તિઓની પૂજા કરી.


પોતાના લોકની સામે પ્રભુનો આક્ષેપ

9 તેથી હું પ્રભુ જાતે મારા લોકની વિરુદ્ધ આક્ષેપ મૂકું છું; હું તેમનાં સંતાનોને અને વંશજોને પણ તે જણાવીશ.

10 પશ્ર્વિમમાં કિત્તીમ ટાપુઓમાં જઈને જુઓ, પૂર્વમાં કેદારના પ્રદેશમાં જઈને ઝીણવટભરી તપાસ કરો; તમને ખબર પડશે કે પહેલાં આવું કદી જ બન્યું નથી.

11 એટલે, કોઈ પ્રજાએ તેમના દેવો, પછી ભલેને તે સાચા દેવ ન હોય, પણ બદલ્યા નથી. પરંતુ મારા લોકે મારે બદલે, એટલે ઇઝરાયલના ગૌરવી ઈશ્વરને બદલે નકામા દેવો સ્વીકાર્યા છે.

12 ઓ આકાશો, એ જોઈને આઘાત અને આશ્ર્વર્ય પામો; અવાકા બની જાઓ અને ભયથી ધ્રૂજી ઊઠો! હું પ્રભુ પોતે આ બોલું છું.

13 કારણ, મારા લોકે બે મહાપાપ કર્યાં છે: તેમણે મને, જીવનદાયક ઝરાને તજી દીધો છે અને પોતાને માટે જેમાં પાણી ટકે નહિ એવા કાણાં ટાંકાં ખોદ્યા છે.


ઇઝરાયલના ધર્મત્યાગનું પરિણામ

14 ઇઝરાયલ ગુલામ નથી કે તેનો જન્મ ગુલામીમાં થયો નથી, તો પછી તે દુશ્મનોનો શિકાર કેમ થઈ પડયો છે?

15 તેઓ તેની સામે સિંહોની જેમ ધૂરકે છે અને તેમણે તેની ભૂમિને ઉજ્જડ બનાવી દીધી છે તેનાં નગરો ખંડેર અને વસતીહીન બનાવી દીધાં છે.

16 મેમ્ફીસ અને તાહપન્હેસના લોકોએ તેની ખોપરી ભાંગી નાખી છે.

17 હે ઇઝરાયલ, મેં જાતે જ તારી આ દશા કરી છે. હું તને માર્ગમાં દોરતો હતો ત્યારે તેં મને, તારા ઈશ્વર પ્રભુને તજી દીધો.

18 હવે ઇજિપ્ત જઈને નાઈલ નદીનું પાણી પીવાથી તને શું લાભ થવાનો છે? આશ્શૂર દેશમાં જઈને યુફ્રેટિસ નદીનું પાણી પીવાથી તને શો લાભ થવાનો છે?

19 તારી પોતાની દુષ્ટતા તને સજા કરશે અને તારી બેવફાઈનાં કામો જ તારો હિસાબ લેશે; મારો, એટલે તારા ઈશ્વર પ્રભુનો ત્યાગ કરવો અને મારા પ્રત્યેની નિષ્ઠા તોડવી એ કેવું દુષ્કર અને ભૂંડું છે એની તને ખબર પડશે. હું સેનાધિપતિ પ્રભુ એ બોલું છું.”


પ્રભુની ભક્તિ કરવાનો ઇઝરાયલનો ઈનકાર

20 પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, પ્રાચીનકાળથી તેં તારા પરની મારા નિયમની ઝૂંસરી ભાંગી નાખી અને મારા કરારનાં બંધન તોડી નાખ્યા અને મારી સેવાભક્તિ કરવાનો નકાર કર્યો છે. દરેક ઊંચી ટેકરી અને લીલા વૃક્ષ નીચે તેં વેશ્યાની જેમ વ્યભિચાર કર્યો છે.

21 મેં તને ઉત્તમ દ્રાક્ષાવેલાની શુદ્ધ કલમની જેમ રોપી હતી, પણ હવે તો તું સડીને દુર્ગંધ મારતા વેલા જેવી બની ગઈ છે.

22 જો તું પોતાને સોડાખારથી અને પુષ્કળ સાબુથી ધૂએ તો પણ તારા દોષના ડાઘ મને દેખાય છે. હું પ્રભુ પોતે આ કહું છું.

23 તું કેવી રીતે કહી શકે કે હું ભ્રષ્ટ થઈ નથી અથવા મેં બઆલદેવોની પૂજા કરી નથી? ખીણપ્રદેશમાં તારો વર્તાવ કેવો હતો અને ત્યાં તેં જે કામો કર્યાં તે સંભાર. તું તો ઋતુમાં આવેલી જંગલી ઊંટડીની જેમ આમતેમ દોડે છે.

24 અને તું વેરાનપ્રદેશમાં ઊછરેલી જંગલી ગધેડી જેવી છે; તે કામાતુર થઈને વાયુ ચૂસીને છીંકારા મારે છે; તે વિમળ હોય ત્યારે તેને કોણ રોકી શકે? અલબત્ત, ગધેડાઓએ તેને શોધવાની તસ્દી લેવી પડતી નથી; તેની સંવનન ઋતુમાં તે તેમને સહેલાઈથી મળી આવે છે.

25 મેં કહ્યું, ‘ઇઝરાયલ, જૂઠા દેવો પાછળ દોડીને તારા પગ ઘસી ન કાઢ અને તારું ગળુ સુકવી ન નાખ’ પણ તે કહ્યું, ‘એ બની શકે તેમ નથી; મને પારકા દેવો ગમે છે, અને હું તેમની પાછળ જઈશ.” ઇઝરાયલ સજાપાત્ર છે

26 પ્રભુ કહે છે, “જેમ ચોર પકડાઈ જાય ત્યારે તે ભોંઠો પડે છે, તેમ ઇઝરાયલના બધા લોકો, તેમના રાજવીઓ, અધિકારીઓ, તેમના યજ્ઞકારો અને તેમના સંદેશવાહકો શરમિંદા થશે.

27 વૃક્ષના થડને પિતા અને પથ્થરના થાંભલાને માતા કહેનાર તમે બધા લજ્જિત થશો. તમે તો મારાથી વિમુખ થયા છો અને મારી તરફ તમારી પીઠ ફેરવી છે; છતાં મુશ્કેલીમાં આવી પડશો ત્યારે પાછા તમે કહેશો ‘આવો, અમને બચાવો.’

28 તો પછી તમે પોતે બનાવેલા તમારા દેવો ક્યાં છે? જો તેઓ સમર્થ હોય તો આફતને સમયે આવીને તમને બચાવે; કારણ, હે યહૂદિયા, જેટલાં તારાં નગરો છે એટલા જ તારા દેવો છે.”

29 હું પ્રભુ પૂછું છું: “તું મારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરે છે? કારણ, તમે બધાએ તો મારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે.

30 મેં તારાં સંતાનોને શિક્ષા કરી તે વ્યર્થ થઈ છે; તેમણે મારી શિક્ષા ગણકારી નથી. ભૂખ્યા સિંહની જેમ તમારી જ તલવારોએ તમારા સંદેશવાહકોનો સંહાર કર્યો છે.

31 “અરે, ઇઝરાયલના લોકો, મારો સંદેશો ધ્યનથી સાંભળો. શું હું તમારે માટે ઉજ્જડ રણપ્રદેશ કે ઘોર અંધકારના પ્રદેશ સમાન છું? તો પછી તમે મારા લોક શા માટે એમ કહો છો કે ‘અમે તો મુક્ત છીએ; અને અમે કદી તમારી પાસે પાછા ફરીશું નહિ?’

32 શું કોઈ યુવતી પોતાનાં ઘરેણાં અથવા કન્યા પોતાના લગ્નનાં આભૂષણો વીસરી જાય ખરી? પરંતુ મારા લોકો અગણિત દિવસો સુધી મને વીસરી ગયા છે!

33 પ્રેમીઓની પાછળ કેવી રીતે પડવું તે તું બરાબર જાણે છે! તેં તો દુષ્ટ સ્ત્રીઓને પણ તારા પાપી માર્ગો શીખવ્યા છે.

34 “તારાં વસ્ત્રો ગરીબ અને ભોળા લોકોના રક્તથી ખરડાયેલા છે; તારા ઘરમાં કંઈક ચોરી કરતા પકડાઈ ગયેલા એ લોકો નહોતા!

35 આ બધું હોવા છતાં તું કહે છે ‘હું નિર્દોષ છું; એટલે તો મારા પર પ્રભુનો કોપ ઊતર્યો નથી.’ પણ તેં પાપ કર્યું છે એવું તું સ્વીકારતી નથી માટે હું પ્રભુ તને સજા કરીશ.

36 બીજા દેશોના દેવો પાછળ ભટકી જઈને તેં પોતાને લજ્જિત કરી છે. આશ્શૂર દેશની જેમ ઇજિપ્ત પણ તને લજ્જિત કરશે.

37 ઇજિપ્ત દેશમાંથી પણ તું નિરાશામાં માથે હાથ દઈને નીકળી જઈશ. કારણ, જેમના પર તેં આધાર રાખ્યો હતો, તેમને મેં પ્રભુએ તજી દીધા છે; તેમનાથી તારું હિત થશે નહિ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan