Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 19 - પવિત્ર બાઇબલ C.L.


ભાંગેલો કૂજો

1 પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “જા, અને કુંભાર પાસેથી એક કૂજો ખરીદ કર અને પછી લોકોના કેટલાક આગેવાનો અને કેટલાક પીઢ યજ્ઞકારોને સાથે લઈને

2 ઠીકરાંના દરવાજે થઈને હિન્‍નોમની ખીણે જા, અને હું તને જે સંદેશ આપું તે ત્યાં પ્રગટ કરજે.

3 તું કહેજે, હે યહૂદિયાના રાજાઓ અને યરુશાલેમ- વાસીઓ, પ્રભુનો સંદેશ સાંભળો! ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું આ સ્થળ પર એવી વિપત્તિ લાવીશ કે જે કોઈ તે વિષે સાંભળશે તેના કાન ઝણઝણશે.

4 કારણ, એ લોકોએ મારો ત્યાગ કર્યો છે અને તેઓ તથા તેમના પૂર્વજો તથા યહૂદિયાના રાજાઓ જાણતા નહોતા એવા અન્ય દેવોને ધૂપ ચડાવીને આ સ્થાનને ભ્રષ્ટ કર્યું છે. તેમણે આ સ્થળને નિર્દોષ લોકોના રક્તથી ભરી દીધું છે.

5 કારણ, તેમણે ત્યાં બઆલદેવની પૂજાને માટે ઉચ્ચસ્થાન બાંધ્યું છે અને તેમના પર પોતાના પુત્રોનું બઆલદેવને અગ્નિમાં બલિદાન ચઢાવ્યું છે. જો કે આ પ્રમાણે કરવાની મેં તેમને આજ્ઞા આપી નથી કે કદી એવો વિચાર સરખો મારા મનમાં આવ્યો નથી.

6 તેથી હું પ્રભુ કહું છું કે એવો સમય આવશે. જ્યારે આ સ્થળ ‘તોફેથ’ કે ‘હિન્‍નોમની ખીણ’ નહિ, પણ ‘ક્તલની ખીણ’ કહેવાશે.

7 આ સ્થળે યહૂદિયા અને યરુશાલેમના લોકોની યોજનાઓને હું ભાંગીને ભૂક્કો બનાવી દઈશ. હું તેમનો તેમના શત્રુઓની તલવારથી સંહાર થવા દઈશ અને તેમનો જીવ શોધનારાઓને હાથે તેમને ખતમ કરીશ. હું તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ થવા આપીશ.

8 અને હું આ નગરનો એવો કરુણ અંજામ લાવીશ કે તેની પાસેથી પસાર થનાર લોકો તેની દશા જોઈને આઘાત પામશે અને હાહાકાર કરશે;

9 એમનો જીવ લેવા માટે શત્રુઓ તેમના નગરની આસપાસ ઘેરો ઘાલીને તેમને એવી ભીંસમાં લાવશે કે અંદરના ઘેરાઈ ગયેલા લોકો એક બીજાનો અરે, પોતાનાં પુત્રો અને પુત્રીઓનો પણ ભક્ષ કરશે.”

10-11 પછી પ્રભુએ મને મારી સાથે આવેલા માણસોના દેખતાં તે કૂજો ફોડી નાખવા, અને તેમને આ સંદેશ આપવા કહ્યું. સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “કુંભારનો કૂજો ભાંગી નાખ્યા પછી સાંધી શક્તો નથી: એ જ પ્રમાણે હું આ નગરને તથા આ લોકોને તોડી નાખીશ, અને જરા પણ જગા ખાલી ન રહે ત્યાં સુધી તેઓ તોફેથમાં શબો દફનાવશે.

12 વળી, હું પ્રભુ કહું છું કે, આ નગર અને તેના વતનીઓની દશા હું તોફેથ જેવી કરીશ.

13 યરુશાલેમના નિવાસો અને યહૂદિયાના રાજાઓના મહેલો તથા જે ઘરોનાં ધાબાઓ પર આકાશનાં નક્ષત્રોને ધૂપ બાળ્યો છે તથા અન્ય દેવોને દ્રાક્ષાસવના પેયાર્પણ રેડયાં છે તે બધાં તોફેથના કબ્રસ્તાન જેવા થઈ જશે.”

14 પછી પ્રભુએ યર્મિયાને તોફેથમાં જ્યાં સંદેશ પ્રગટ કરવા મોકલ્યો હતો ત્યાંથી તે પાછો આવ્યો; અને તેણે પ્રભુના મંદિરમાં ઊભા રહીને બધા લોકોને જણાવ્યું.

15 ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “આ નગર અને તેની આસપાસનાં સર્વ નગરો પર હું મારા કહ્યા પ્રમાણે નાશ લાવીશ. કારણ, તેમણે જક્કી બનીને મારો સંદેશ સાંભળ્યો નથી.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan