Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 18 - પવિત્ર બાઇબલ C.L.


કુંભારને ઘેર યર્મિયા

1 પ્રભુ પાસેથી યર્મિયાને સંદેશ મળ્યો; તેમાં તેમણે તેને કહ્યું,

2-3 “કુંભારને ઘેર જા; ત્યાં હું તને મારો સંદેશ આપીશ;” તેથી હું કુંભારને ઘેર ગયો. કુંભાર તો તેના ચાકડા પર કામ કરી રહ્યો હતો.

4 માટીમાંથી જે વાસણ તે ઘડતો હતો તે તેના હાથમાં બગડી ગયું ત્યારે તેણે માટી લઈને ફરીથી પોતાને મનપસંદ પાત્ર ઘડયું.

5-6 પછી પ્રભુનો સંદેશ મને મળ્યો અને તેમણે કહ્યું, “હે ઇઝરાયલના લોકો, આ કુંભાર જેમ માટી સાથે વર્ત્યો તેમ તમારી સાથે વર્તવાનો મને અધિકાર નથી? હું પ્રભુ એ પૂછું છું. હે ઇઝરાયલના લોકો, માટી જેમ કુંભારના હાથમાં છે તેમ તમે મારા હાથમાં છો!

7 કોઈ વાર હું કોઈ પ્રજાને કે રાષ્ટ્રને ઉખેડી નાખવાની, તોડી પાડવાની કે વિનાશ કરવાની ચેતવણી આપું,

8 પણ જો તે પ્રજા આપેલી ચેતવણી પ્રમાણે પોતાનાં દુષ્ટ આચરણ તજી દે તો હું તેના પર જે આફત લાવવાનો હતો તે વિચાર હું પડતો મૂકીશ.

9 એ જ પ્રમાણે કોઈ વાર કોઈ પ્રજા કે રાષ્ટ્રને સ્થાપિત કે દઢ કરવાનો ઈરાદો રાખું,

10 પણ તે પ્રજા મને આધીન ન થતાં મને નારાજ કરે તો તેમનું ભલું કરવાનો તે વિચાર હું માંડી વાળીશ.

11 તેથી યહૂદિયાના લોકોને તથા યરુશાલેમ- વાસીઓને કહે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: હું તમારી વિરુદ્ધ એક આફત લાવવાની પેરવી કરું છું અને તમારી વિરુદ્ધ યોજના ઘડું છું. તેથી તમે દરેક પોતાનું દુષ્ટ આચરણ તજી દો અને તમારું સમગ્ર વર્તન અને તમારાં કાર્યો સુધારો.”

12 પણ લોકોએ જવાબ આપ્યો, “તેમ કરવાનો હવે કોઈ અર્થ નથી. અમે તો અમારી યોજનાઓ પ્રમાણે વર્તીશું અને અમે દરેક પોતપોતાના જક્કી દયના દુરાગ્રહ પ્રમાણે આચરણ કરીશું.


ઇઝરાયલનું અસ્વાભાવિક વર્તન અને તેનાં પરિણામો

13 તેથી પ્રભુ આ પ્રમાણે કહે છે, “બીજી પ્રજાઓને પૂછી તો જુઓ, કે કોઈએ આવું કદી સાંભળ્યું છે! કન્યા સમાન મારી ઇઝરાયલની પ્રજાએ અતિશય આઘાતજનક કાર્ય કર્યું છે.

14 લબાનોન પર્વતનાં ખડકાળ શિખરો શું કદી બરફ વગરનાં રહે? તેમાંથી વહેતાં ઠંડાં જળનાં ઝરણાં શું કદી સૂકાઈ જાય?

15 તેમ છતાં મારા લોક મને વીસરી ગયા છે અને તેઓ વ્યર્થ મૂર્તિઓને ધૂપ ચડાવે છે. તેમણે સાચા માર્ગ પર ચાલવામાં ઠોકર ખાધી છે, અને પ્રાચીન માર્ગ તજીને આડા અને ક્ચા માર્ગે વળ્યા છે!”

16 તેમણે આ ભૂમિની હાલત ભયંકર કરી મૂકી છે; તેને જોઈને ફિટકાર ઊપજે છે. તેની પાસેથી પસાર થનાર હાહાકાર મચાવે છે અને આઘાત પામીને માથું ધૂણાવે છે.

17 પૂર્વના પવનથી જેમ ધૂળ ઊડી જાય, તેમ હું તેમના શત્રુઓ આગળ તેમને વેરવિખેર કરી નાખીશ. તેમના પર આફત આવી પડશે ત્યારે હું તેમના તરફ મારું મુખ નહિ, પણ મારી પીઠ ફેરવીશ.”


યર્મિયાની હત્યાનું કાવતરું

18 પછી લોકોએ કહ્યું, “ચાલો, યર્મિયા વિરુદ્ધ ઘાટ ઘડીએ કેમ કે યજ્ઞકાર પાસેથી શિક્ષણ, જ્ઞાનીઓ પાસેથી સલાહ અને સંદેશવાહકો પાસેથી પ્રભુનો સંદેશ ખૂટવાંનાં નથી. ચાલો, તેના પર આરોપ મૂકીએ, અને તેના બોલવા પ્રત્યે કંઈ ધ્યાન ન આપીએ.”

19 તેથી મેં પ્રાર્થના કરી “હે પ્રભુ, મારો પોકાર સાંભળો, અને મારા પર આરોપ મૂકનારની વાણી પણ સાંભળો.

20 શું ભલાનો બદલો ભૂંડાઈથી અપાય તે વાજબી છે? છતાં તેમણે મારો જીવ લેવા ખાડો ખોદ્ધો છે! તમારી સમક્ષ ઊભા રહીને તમે તેમના પર તમારો રોષ ન ઠાલવો, પણ તેમનું ભલું કરો એવી પ્રાર્થના મેં તેમના હક્કમાં કરી હતી, તે સંભારો.

21 તેથી હવે તેમના પુત્રોને ભૂખમરાથી મરવા દો, તેમને તલવારથી ક્તલ થવા ફંગોળી દો, તેમની પત્ની સંતાનહીન અને વિધવા બનવા દો, તેમના પુરુષોને રોગચાળાનો ભોગ થવા દો, અને તેમના યુવાનોને યુદ્ધમાં તલવારથી માર્યા જવા દો.

22 તમે મોકલેલા લૂંટારાઓ તેમના પર અચાનક ત્રાટકે, ત્યારે તેમના ઘરોમાંથી ભયાનક ચીસોના અવાજ ગાજી ઊઠો; કારણ, મને સપડાવવા માટે તેમણે ખાડો ખોદ્યો છે, અને મને ફસાવવા માટે જાળ બિછાવી છે.

23 પણ હે પ્રભુ, મને મારી નાખવાનું તેમનું કાવતરું તમે બરાબર જાણો છો; માટે તેમના અપરાધોની ક્ષમા કરશો નહિ, અથવા તમારી નજર આગળથી તેમનાં પાપ ભૂંસી નાખશો નહિ. તમારી સમક્ષ તેમને ઊંધા પછાડો, અને તમે ક્રોધમાં હો ત્યારે જ તેમને સજા કરો!”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan