યર્મિયા 17 - પવિત્ર બાઇબલ C.L.યહૂદિયાનો અપરાધ અને સજા 1 પ્રભુ કહે છે, “હે યહૂદિયાના લોકો, તમારાં પાપ લોઢાની કલમથી અને હીરાકણીથી લખાયાં છે અને તમારા દયપટ પર અને તમારી વેદીના ખૂણા પર કોતરાયેલાં છે. 2-3 અશેરા દેવીને માટે દરેક લીલા વૃક્ષ નીચે, ટેકરાઓની ટોચે અને પર્વતોનાં શિખરો પર સ્થાપેલ તમારી વેદીઓ અને પ્રતીકોની તમે પૂજા કરો છો.** સમગ્ર દેશમાં તમે આચરેલા પાપને લીધે તમારી બધી ધનસંપત્તિ અને તમારો ખજાનો હું શત્રુઓને લૂંટી લેવા દઈશ. 4 મેં તમને વારસા તરીકે આપેલ દેશ તમારે તજી દેવો પડશે અને અજાણ્યા દેશમાં હું તમારી પાસે તમારા શત્રુઓની સેવા કરાવીશ. કારણ, તમે મારો કોપાગ્નિ સળગાવ્યો છે અને તે સતત સળગતો રહેશે.” ભરોસો કોના પર: માનવ કે ઈશ્વર? 5 પ્રભુ કહે છે, “પ્રભુથી વિમુખ થઈને મર્ત્ય માણસ પર ભરોસો રાખનાર અને મનુષ્યના બળ પર જ આધાર રાખનાર શાપિત થશે. 6 તે રણપ્રદેશમાંનાં સૂકાં ઝાંખરાં સમાન છે. તે જાણે કે સૂકા અને નિર્જળ પ્રદેશમાં ખારાપાટ અને નિર્જન પ્રદેશમાં વસે છે. તેથી જ્યારે આબાદી આવે ત્યારે તેને કંઈ લાભ થતો નથી. 7 પરંતુ પ્રભુ પર ભરોસો રાખનાર, અને પ્રભુ પર આધાર રાખનાર આશીર્વાદિત છે. 8 તે વ્યક્તિ પાણીની નજીક રોપાયેલા વૃક્ષ જેવી છે; તેનાં મૂળ ઝરણાં તરફ પહોંચે છે; તાપ પડે તેનો તેને ડર નથી; કારણ, તેનાં પાંદડાં લીલાંછમ રહે છે. તેને અનાવૃષ્ટિની પણ ચિંતા નથી! તે તો ફળ આપ્યે જ જાય છે. ઈશ્વર માણસનું હૃદય પારખે છે. 9 માનવી હૃદય સૌથી કપટી અને અતિશય ભ્રષ્ટ છે. તેને કોણ પારખી શકે? 10 પણ હું પ્રભુ દયને તપાસું છું, અને અંત:કરણને પારખું છું, જેથી દરેક વ્યક્તિને તેનાં આચરણ પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપું.” અન્યાયથી પ્રાપ્ત કરેલું ધન 11 અન્યાયથી ધન પ્રાપ્ત કરનાર પોતે નહિ મૂકેલ ઈંડાં સેવનાર કોયલ સમાન છે. બચ્ચાં મોટા થઈને ખોટી માને તજી દે તેમ જીવનની અધવચમાં જ તેનું ધન ચાલ્યું જશે, અને લોકોની દષ્ટિમાં તે આખરે મૂર્ખ ગણાશે! ઇઝરાયલની આશા રાજ્યાસન પર બિરાજમાન પ્રભુ 12 આપણું મંદિર ગૌરવવંત રાજ્યાસન સમાન છે, આરંભથી જ તેને ઉન્નતસ્થાને સ્થાપવામાં આવેલું છે. 13 હે પ્રભુ, તમે ઇઝરાયલની આશા છો. તમારો ત્યાગ કરનારા સર્વ લજ્જિત થશે. તમારાથી દૂર જનારા અધોલોકમાં નોંધાઈ જશે; કારણ, એ લોકોએ જીવનઝરણા સમાન પ્રભુનો ત્યાગ કર્યો છે. યર્મિયા પ્રભુની મદદ માગે છે 14 “હે પ્રભુ, મને સાજો કરો તો હું સાજો થઈશ. મને ઉગારો, તો હું ઉગરી જઈશ; કેમકે હું માત્ર તમારી જ સ્તુતિ કરું છું. 15 લોકો મને પૂછયા કરે છે કે, ‘પ્રભુએ અમારી વિરુદ્ધ મોકલેલા સંદેશનું શું થયું? તો હવે તે પૂરો થવા દો!’ 16 હે પ્રભુ, મેં તમને તેમના પર આપત્તિ મોકલવા આગ્રહ સેવ્યો નથી અથવા તેમને માટે સંકટનો સમય આવે તેવું ઇચ્છયું નથી. મારા મુખના શબ્દો તમે જાણો છો; તે તમારી સમક્ષ ખુલ્લા છે. 17 તમે પોતે જ મારે માટે ભયરૂપ બનશો નહિ; આફતને સમયે તમે જ મારું શરણસ્થાન છો. 18 મારો પીછો કરનારા ભલે શરમાય, પણ હું લજ્જિત ન થાઉ; તેઓ ભલે ભયભીત થાય, પણ હું ભયભીત ન થાઉ. તેમના પર આફત મોકલી આપો, અને તેમનો સદંતર નાશ કરો. સાબ્બાથ વિષે શિક્ષણ 19 પ્રભુએ મને આ પ્રમાણે કહ્યું, “હે યર્મિયા, યહૂદિયાના રાજાઓ જ્યાંથી નગરમાં પ્રવેશ કરે છે અને બહાર જાય છે તે ‘જનતાના દરવાજે’ અને પછી યરુશાલેમના બીજા બધા દરવાજે જઈને મારો સંદેશ પ્રગટ કર. 20 યહૂદિયાના રાજાઓ અને યહૂદિયાના બધા લોકો અને આ દરવાજાઓમાં પ્રવેશ કરનાર યરુશાલેમ- વાસીઓને મારો સંદેશ સંભળાવ. 21 હું પ્રભુ આ પ્રમાણે કહું છું: જો તમને તમારો જીવ વહાલો હોય તો સાબ્બાથદિને કોઈ બોજ ઊંચકશો નહિ અને યરુશાલેમના દરવાજાઓમાં થઈને સાબ્બાથદિને કશું અંદર લાવશો નહિ. 22 એ જ પ્રમાણે તમારા ઘરોમાંથી સાબ્બાથદિને કશું બહાર લઈ જશો નહિ અને કોઈ રોજિંદું કામ કરશો નહિ. પણ સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળો. તમારા પૂર્વજોને પણ મેં આ વિષે આજ્ઞા આપી હતી; 23 પરંતુ તેમણે મારું માન્યું નહિ અને તે પ્રત્યે ધ્યાન આપ્યું નહિ; તેને બદલે, પોતાના જક્કીપણામાં તેમણે મારી વાણી સાંભળી નહિ કે મારી શિખામણ માની નહિ. 24 હું પ્રભુ કહું છું કે જો તમે મારી વાત ખરેખર સાંભળો અને સાબ્બાથદિને આ નગરના દરવાજાઓમાંથી કોઈ માલસામાનની હેરફેર કરો નહિ, પણ સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળો અને તેમાં કોઈ રોજિંદું કામ ન કરો, 25 તો આ નગરના દરવાજાઓમાં થઈને દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓ રથ અને ઘોડાઓ પર સવાર થઈને પસાર થશે. તેઓ તથા તેમના અધિકારીઓ યહૂદિયાના લોકો અને યરુશાલેમના નિવાસીઓ સહિત આ દરવાજાઓમાં થઈને આવજા કરશે અને યરુશાલેમ સદા વસેલું રહેશે. 26 યહૂદિયાનાં નગરોમાંથી, યરુશાલેમની આસપાસના વિસ્તારોમાંથી, બિન્યામીનના પ્રદેશમાંથી, નીચાણના પ્રદેશમાંથી તેમજ ઉચ્ચ પહાડી પ્રદેશમાંથી અને દક્ષિણના નેગેબ પ્રદેશમાંથી લોકો આવશે. તેઓ મારા મંદિરમાં દહનબલિ તથા બલિદાનો, ધાન્યઅર્પણો, ધૂપ તથા આભારબલિ લાવશે. 27 પણ જો તમે મારું સાંભળશો નહિ, એટલે કે સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળશો નહિ અને તે દિવસે બોજ ઊંચકશો તથા યરુશાલેમના દરવાજાઓમાં થઈને માલસામાનની હેરફેર કરશો તો હું એ દરવાજાઓને આગ ચાંપી દઈશ અને તે આગમાં યરુશાલેમના મહેલો સળગી જશે અને તે આગ બુઝાવી શકાશે નહિ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide