યર્મિયા 16 - પવિત્ર બાઇબલ C.L.યર્મિયાના જીવન માટે ઈશ્વરની યોજના 1 ફરીથી પ્રભુનો સંદેશ મને મળ્યો; 2 “આ સ્થળે તું લગ્ન કરીશ નહિ કે તને બાળકો થાય નહિ. 3 કારણ, આ સ્થળે જન્મેલાં બાળકો અને તેમને જન્મ આપનાર માતાપિતા વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે: 4 “તેઓ જીવલેણ રોગથી મૃત્યુ પામશે. તેમને માટે કોઈ શોક કરશે નહિ કે તેમનું દફન થશે નહિ, પણ તેમનાં શબ જમીન પર ખાતરની જેમ પથરાયાં હશે. તેઓ યુદ્ધથી અને દુકાળથી મરશે અને તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ બનશે.” 5 વળી, પ્રભુએ આ પ્રમાણે કહ્યું, “જે ઘરમાં શોક કરાતો હોય તેમાં પ્રવેશ કરીશ નહિ. તેમના રુદનમાં ભાગ લઈશ નહિ કે સાંત્વન આપીશ નહિ. કારણ, મેં આ લોકો પરથી મારી શાંતિ, મારો અવિચળ પ્રેમ અને મારી કરુણા લઈ લીધાં છે. 6 આ દેશમાં ગરીબતવંગર બધાં મૃત્યુ પામશે. તેમનાં શબ દફનાવાશે નહિ; તેમને માટે કોઈ શોક કરશે નહિ અથવા શોકમાં કોઈ પોતાને ઘાયલ કરશે નહિ કે માથું મુંડાવશે નહિ. 7 સ્નેહીજનના મૃત્યુ પ્રસંગે શોક્તિોને દિલાસો આપવા માટે કોઈ તેમને જમાડશે નહિ, અરે, કોઈનાં માતપિતા મરી ગયાં હોય તોપણ દિલાસાનો પ્યાલો પીવડાવશે નહિ. 8 એ જ પ્રમાણે મિજબાની થતી હોય એ ઘરમાં પણ પ્રવેશ કરીશ નહિ, અને લોકો સાથે બેસી મહેફિલમાં ભાગ લઈશ નહિ. 9 કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું, કે આ સ્થળે તારી નજર સામે, તારી હયાતીમાં જ હું આનંદ અને હર્ષના પોકાર તથા વર અને કન્યાના કિલ્લોલ શાંત પાડી દઈશ. 10 આ બધું તું લોકોને કહેશે ત્યારે લોકો તને પૂછશે કે, ‘શા માટે પ્રભુએ આવી ભયંકર આફતો અમારા પર લાવવાનું નક્કી કર્યું છે? અમારો શો ગુનો છે? અમે અમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ એવું તે શું પાપ કર્યું છે?’ 11 ત્યારે તું તેમને કહેજે: પ્રભુ કહે છે, કે તમારા પૂર્વજો મને તરછોડીને અન્ય દેવોને અનુસર્યા, અને તેમણે તેમની સેવાપૂજા કરી. તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રના શિક્ષણનું પાલન કર્યું નહિ. 12 વળી, તમે લોકોએ તો તમારા પૂર્વજો કરતાં પણ વધારે અધમ કાર્યો કર્યાં! તમે બધા પોતાના દુષ્ટ દયના દુરાગ્રહ અનુસાર વર્તો છો અને મારું સાંભળતા નથી. 13 તેથી હું તમને આ દેશમાંથી તમારા પૂર્વજો કે તમે જાણતા નથી એવા દેશમાં હાંકી કાઢીશ. ત્યાં તમે રાતદિવસ અન્ય દેવોની પૂજા કર્યા કરજો! હું તમારા પર દયા દર્શાવીશ નહિ.” દેશનિકાલથી પાછા ફરવું 14 પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે લોકો ‘ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી છોડાવી લાવનાર જીવંત પ્રભુ’ને નામે સોગંદ લેશે નહિ; 15 પણ એને બદલે, ‘ઇઝરાયલીઓને ઉત્તરના દેશમાંથી અને તેમને જ્યાં વેરવિખેર કર્યા હતા તે બધા દેશોમાંથી પાછા લાવનાર જીવંત પ્રભુને નામે સોગંદ લેશે. કારણ, હું તેમને તેમના વતનમાં એટલે, તેમના પૂર્વજોને આપેલા દેશમાં પાછા લાવીશ.” આવનાર સજા 16 પ્રભુ કહે છે, “આ લોકોને પકડવા હું ઘણા માછીમારોને બોલાવીશ. પછી હું ઘણા શિકારીઓને બોલાવીશ અને તેઓ દરેક પર્વત, ટેકરા કે ખડકનાં પોલાણોમાંથી તેમનો શિકાર કરશે. 17 કેમકે તેમનાં બધાં કાર્યો પર મારી નજર છે અને તેઓ મારાથી છુપાયેલાં નથી કે તેમનો દોષ મારી નજર બહાર નથી. 18 તેથી તેમનાં પાપ અને તેમની દુષ્ટતા માટે હું તેમને બમણી સજા કરીશ. કારણ, તેમણે પોતાની ખૂબ ધૃણાજનક અને નિર્જીવ મૂર્તિઓથી મારા દેશને ભ્રષ્ટ કર્યો છે અને તેમની ધિક્કારપાત્ર વસ્તુઓથી મારી વારસા સમાન ભૂમિને ભરી દીધી છે.” પ્રભુમાં શ્રદ્ધા દર્શાવતી યર્મિયાની પ્રાર્થના 19 હે પ્રભુ, સંકટ સમયે મારું રક્ષણ કરનાર, મને શક્તિ આપનાર અને મને આશ્રય આપનાર તમે જ છો. પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે, “અમારા પૂર્વજો પાસેથી તો અમને વારસામાં જૂઠા દેવો અને નિર્જીવ અને નકામી મૂર્તિઓ જ મળી છે. 20 શું મર્ત્ય માનવી પોતે પોતાને માટે દેવો ઘડી શકે? ના, જો તે એમ કરે તો તે હકીક્તમાં દેવ કહેવાય જ નહિ.” 21 તેથી પ્રભુ કહે છે, “ત્યારે એ પ્રજાઓને એકવાર મારું સામર્થ્ય અને મારી શક્તિ બતાવીશ, અને તેઓ જાણશે કે મારું નામ યાહવે છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide