યર્મિયા 15 - પવિત્ર બાઇબલ C.L.યહૂદિયાના લોકોની દુર્દશા 1 પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ. 2 જો તેઓ એમ પૂછે કે ‘અમારે ક્યાં જવાનું છે?’ તો તેમને કહેજે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેઓ રોગચાળાથી મરવાના છે તેઓ રોગચાળા તરફ જશે, જેઓ યુદ્ધમાં મરવાના છે તેઓ યુદ્ધ તરફ જશે, જેઓ દુકાળમાં મરવાના છે તેઓ દુકાળ તરફ જશે, અને જેઓ દેશનિકાલ માટે નિર્માણ થયા છે તેઓ દેશનિકાલ થશે. 3 મેં તેમને માટે ચાર બાબતો નક્કી કરી છે: સંહારને માટે તલવાર, શબ તાણી જવા કૂતરાં, અને તેમનો ભક્ષ કરવા અને નાશ કરવા ગીધડાં અને જંગલી પશુઓ. 4 હિઝકિયાના પુત્ર અને યહૂદિયાના રાજા મનાશ્શાએ યરુશાલેમમાં આચરેલાં અધમ કૃત્યોને લીધે હું તેમની એવી દુર્દશા કરીશ કે તેમને જોઈને દુનિયાની બધી પ્રજાઓ હાહાકાર કરશે. હું પ્રભુ એ બોલ્યો છું.” 5 પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, તમારા પર કોણ દયા દાખવશે? તમારે માટે કોણ વિલાપ કરશે? તમારી ખબર પૂછવા કોણ ઊભું રહેશે? 6 તમે મને તજી દીધો છે, અને મારાથી વિમુખ થઈ ઉત્તરોત્તર વિશેષ દૂર થતા રહ્યા છો. તેથી તમારા પ્રત્યે દયા દર્શાવતાં હું કંટાળી ગયો, અને મેં મારા હાથના પ્રહારથી તમારો નાશ કર્યો છે. 7 તમે તમારાં અધમ આચરણ તજયાં નહિ, તેથી મેં તમને ઊપણીને દેશનાં નગરોમાં ભૂસાની જેમ વેરી નાખ્યા, અને તમારાં સંતાનોથી તમારો વિયોગ કરાવ્યો. મેં જ મારા લોકનો વિનાશ કર્યો છે. 8 મેં જ તમારા દેશમાં દરિયાની રેતીના કણ કરતાં વધારે વિધવાઓ બનાવી છે. મેં તમારા જુવાનોને તેમની ભરજુવાનીમાં મારી નાખ્યા છે, અને તેમની માતાઓને વિલાપ કરાવ્યો છે; એમ મેં તેમના પર અચાનક વેદના અને આતંક મોકલ્યાં છે. 9 સાત સાત સંતાન ગુમાવનાર માતા મૂર્છા ખાઈને પડી છે; તેનો શ્વાસ રુંધાય છે. તેને માટે દિવસ રાત્રિ સમાન થઈ પડયો છે, તે વ્યથિત અને વ્યાકુળ છે અને હજુ પણ તમારામાંથી બાકી રહી ગયેલાં જનોને હું શત્રુની તલવારને સ્વાધીન કરીશ. હું પ્રભુ એ બોલ્યો છું.” યર્મિયાનું મનોમંથન 10 અરે, હું કેવો દુર્ભાગી માણસ છું! મારી માતાએ મને કેમ જન્મ આપ્યો? આખા દેશમાં સૌને માટે હું ફરિયાદ કરનાર અને દાવો માંડનાર બન્યો છું. મેં કોઈના પૈસા ઉછીના લીધા નથી કે કોઈને ઉછીના દીધા નથી, છતાં બધા મને શાપ દે છે! 11 હે પ્રભુ, જો મેં તેમના ભલા માટે તમારી સેવા કરી ન હોય, અને તેમને શત્રુઓથી બચાવવા માટે તમને વિનંતી ન કરી હોય, જો તેમના આફત અને દુ:ખના સમયે મેં તમને પ્રાર્થના ન કરી હોય, તો એ બધા શાપ મારા પર ઊતરો. 12 શું કોઈ લોખંડ તોડી શકે અથવા ઉત્તરનું તાંબા મિશ્રિત લોખંડ તોડી શકે? 13 પ્રભુએ મને કહ્યું, “સમગ્ર દેશમાં કરાતાં પાપોને કારણે મારા લોકની સંપત્તિ અને ધન લૂંટવા હું શત્રુઓને મોકલીશ. 14 તેઓ જાણતા નથી એવા દેશમાં તેમને તેમના શત્રુઓની ગુલામી કરવા મોકલીશ; કારણ, મારો કોપ અગ્નિની જેમ સતત બળ્યા કરશે.” 15 પછી મેં કહ્યું, “હે પ્રભુ, તમે બધું જ જાણો છો; મને સંભારો અને મારી મદદે આવો, મારા પર જુલમ કરનારાઓ પર બદલો લો. તેઓ મને ખતમ કરી નાખે ત્યાં સુધી તેમના પ્રત્યે ધીરજ ન દાખવો. યાદ રાખો કે, તમારે લીધે હું આ અપમાન સહું છું. 16 તમારા સંદેશાઓ મને મળ્યા અને મેં તેમને ખોરાકની જેમ ખાધા; અને તે મારે માટે હર્ષ અને આનંદરૂપ થઈ પડયા. હે યાહવે, સેનાધિપતિ ઈશ્વર, હું તમારે નામે ઓળખાતો તમારો સેવક છું. 17 આનંદકિલ્લોલ કરતી ટોળકી સાથે હું મજા માણવા બેઠો નથી, હું તો એકલો જ બેઠો; કારણ, તમે મને તમારા હાથથી જકડી રાખ્યો, અને તેમના પ્રત્યેના તમારા રોષે ભરાયો હતો. 18 શા માટે મારી વેદનાનો અંત આવતો નથી? શા માટે મારા ઘા અસાય બન્યા છે અને રુઝાતા નથી? અરેરે, તમે મારે માટે ઉનાળામાં સૂકાઈ જવાથી છેતરતા ઝરણા સમાન કેમ બન્યા છો?” 19 એ વિષે પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપ્યો, “જો તું પાછો ફરીશ તો હું તને મારી સેવામાં પુન: સ્થાપીશ અને તું મારી સમક્ષ સેવા કરીશ. જો તું માત્ર મારો મૂલ્યવાન સંદેશ પ્રગટ કરીશ, અને તેમાં નિરર્થક બાબતોની ભેળસેળ કરીશ નહિ, તો તું મારો પ્રવક્તા બનીશ. લોકોને તારી પાસે આવવા દે, પણ તું જાતે તેમની પાસે જઈશ નહિ. 20 તો આ લોકો માટે હું તને તાંબાની અભેદ્ય દીવાલ જેવો બનાવીશ. તેઓ ભલે તારા પર આક્રમણ કરે પણ તેઓ તને હરાવી શકશે નહિ, કારણ, તને મદદ કરવાને તથા ઉગારી લેવાને, હું તારી સાથે છું. હું પ્રભુ આ બોલું છું. 21 દુષ્ટ લોકોના સકંજામાંથી હું તને છીનવી લઈશ અને ઘાતકી લોકોની પકડમાંથી હું તને મુક્ત કરીશ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide