યર્મિયા 14 - પવિત્ર બાઇબલ C.L.ભયાનક દુકાળ 1 યર્મિયાને પ્રભુનો દુકાળ વિષેનો સંદેશ મળ્યો, 2 “યહૂદિયા વિલાપ કરે છે, તેનાં નગરો ઝૂરે છે, તેમના લોકો ભૂમિગત થઈ શોક કરે છે અને યરુશાલેમ મદદને માટે પોકાર કરે છે. 3 તેમના અમીરઉમરાવો નોકરોને પાણી લેવા મોકલે છે, તેઓ પાણીના ટાંકા પાસે જાય છે, પણ પાણી મળતું નથી; તેથી તેઓ ખાલી વાસણો સાથે પાછા ફરે છે. હતાશા અને મૂંઝવણમાં તેઓ શરમથી પોતાનાં મુખ ઢાંકે છે. 4 વરસાદ પડયો નથી અને જમીન સુકાઈને ફાટી ગઈ છે, તેથી ખેડૂતો નિરાશ થઈ ગયા છે; અને દુ:ખમાં પોતાનાં મુખ ઢાંકે છે. 5 અરે, ઘાસ ન હોવાથી હરણી પણ બચ્ચાને જન્મ આપીને તેને મેદાનમાં તજી દે છે! 6 જંગલી ગધેડા ઉજ્જડ ટેકરી પર ઊભા રહીને શિયાળવાની માફક હાંફે છે; ઘાસચારાના અભાવે તેમની આંખો નબળી પડી ગઈ છે. 7 લોકો મને પ્રભુને વિનંતી કરે છે: ‘જો કે અમારાં પાપ અમને દોષિત ઠરાવે છે, તોપણ તમારી નામનાને ખાતર અમને મદદ કરો! અમે વારંવાર તમારો ત્યાગ કર્યો છે અને તમારી જ વિરુદ્ધ અમે પાપ કર્યાં છે. 8 હે પ્રભુ, એકલા તમે જ ઇઝરાયલની આશા છો તેમજ અમને આફતમાંથી ઉગારનાર છો. તો પછી તમે દેશમાં વસતા વિદેશી સમાન, અને રાતવાસા માટે રોક્યેલા મુસાફર સમાન કેમ થયા છો? 9 અચાનક મૂંઝવણમાં પડી ગયેલા માણસના જેવા અને અણીને વખતે મદદ ન કરી શકે તેવા સૈનિક જેવા તમે કેમ થયા છો? ના, પ્રભુ ના, તમે તો અમારી મધ્યે જ છો; અમે તમારે નામે ઓળખાઈએ છીએ, અમને તજી દેશો નહિ!” 10 આ લોકો વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે, “આમ જ તેમને મારાથી દૂર ભટકવાનું ગમે છે અને તેથી પોતા પર કાબૂ રાખી શક્તા નથી. તેથી હું પ્રભુ પણ તેમને સ્વીકારતો નથી. પણ હવેથી હું એમના દોષ યાદ રાખીને તેમના પાપને લીધે તેમને સજા કરીશ.” 11 પ્રભુએ મને કહ્યું, “આ લોકોના ભલા માટે મને પ્રાર્થના કરીશ નહિ. 12 તેઓ ઉપવાસ કરે તો પણ હું તેમની વિનંતીઓ સાંભળીશ નહિ, તેઓ દહનબલિ અને ધાન્ય અર્પણ ચડાવે તો હું તે સ્વીકારીશ નહિ. એથી ઊલટું, હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો અંત આણીશ.” 13 પછી મેં કહ્યું, “અરેરે, હે પ્રભુ પરમેશ્વર, બીજા સંદેશવાહકો તેમને કહ્યા કરે છે કે, ‘તમે યુદ્ધ જોશો નહિ અને દુકાળનો ભોગ થઈ પડશો નહિ, કારણ ઈશ્વર તમને આ દેશમાં કાયમી આબાદી બક્ષશે.” 14 પણ પ્રભુએ મને જવાબ આપ્યો, “બીજા સંદેશવાહકો મારે નામે જૂઠો સંદેશ પ્રગટ કરે છે. મેં તેમને મોકલ્યા નથી કે તેમને કોઈ આજ્ઞા આપી નથી. અરે, હું તેમની સાથે બોલ્યો પણ નથી. તેઓ તેમના ઉપદેશમાં ખોટાં સંદર્શનો, નકામી આગાહીઓ અને પોતાના મનની કલ્પનાઓનો ઉપયોગ કરે છે” 15 તેથી પ્રભુ આ પ્રમાણે કહે છે, “જે સંદેશવાહકોને મેં મોકલ્યા નથી છતાં મારે નામે સંદેશ પ્રગટ કરે છે અને આ દેશમાં યુદ્ધ કે દુકાળ આવશે નહિ એવું કહ્યા કરે છે તેમને જ હું યુદ્ધનો અને દુકાળનો ભોગ બનાવી દઈશ. 16 વળી, જે લોકોને તેમણે સંદેશ આપ્યો હતો તેઓ પણ યુદ્ધ અને દુકાળનો ભોગ બનીને યરુશાલેમની શેરીઓમાં ફેંકાશે; તેમને, તેમની પત્નીઓને તેમના પુત્રોને અને પુત્રીઓને કોઈ દફનાવશે પણ નહિ. હું તેમના પર તેમની દુષ્ટતાની સજા ઉતારીશ.” 17 પછી પ્રભુએ મને મારા શોક વિષે લોકોને જણાવવાની આજ્ઞા આપી. મારા લોક સખત રીતે ઘવાયા છે અને તેમને કારી ઘા પડયા છે. તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ સતત વહે છે, અને રાતદિવસ મારું રુદન બંધ પડતું નથી 18 જો હું ખેતરમાં જાઉં, તો ત્યાં યુદ્ધમાં માર્યા ગયેલાઓનાં શબ જોઉં છું. જો નગરમાં પ્રવેશ કરું, તો દુકાળથી પીડાતા લોકોને જોઉં છું. સંદેશવાહકો અને યજ્ઞકારો દેશમાં હાંફળાફાંફળા બનીને ભટકે છે અને શું કરવું તે તેમને સૂઝતું નથી. લોકો પ્રભુને આજીજી કરે છે 19 હે પ્રભુ, શું તમે યહૂદિયાનો સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે? શું તમે સિયોનને તમારા મનથી ધિક્કારો છો? તો પછી ફરી સાજા થવાની આશા જ ન રાખી શકાય એવી અસહ્ય ઈજા શા માટે પહોંચાડો છો? અમે આબાદીની આશા રાખી હતી, પણ કંઈ હિત થયું નહિ; સાજા થવાની આશા હતી, પણ એને બદલે આતંક આવી પડયો! 20 હે પ્રભુ, અમે અમારા અપરાધ કબૂલ કરીએ છીએ, અને અમારા પૂર્વજોનો સમગ્ર દોષ સ્વીકારીએ છીએ. અરે, અમે બધાએ તમારી જ વિરુદ્ધ પાપ કર્યું છે. 21 તમારા નામની ખાતર અમને તરછોડશો નહિ. તમારા ગૌરવી રાજ્યાસન સમાન યરુશાલેમને અપમાનિત કરશો નહિ. અમારી સાથેનો તમારો કરાર યાદ કરો અને એને તોડશો નહિ. 22 શું બીજી પ્રજાઓની નકામી મૂર્તિઓ વર્ષા લાવી શકે? શું આકાશ પોતાની મેળે ઝાપટાં વરસાવી શકે? હે પ્રભુ, એકલા તમે જ એ કરો છો. હે અમારા ઈશ્વર, અમે તમારા પર જ આશા રાખીએ છીએ, કારણ, તમે જ આ બધું કરી શકો છો.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide