યર્મિયા 13 - પવિત્ર બાઇબલ C.L.કમરે બાંધવાના વસ્ત્ર અંગે રૂપકવાર્તા 1 પ્રભુએ મને કહ્યું, “જા અને તારે માટે અળસીરેસાનું કમરે બાંધવાનું વસ્ત્ર ખરીદ અને તેને તારી કમરે બાંધ, પણ તેને પાણીમાં પલળવા દઈશ નહિ. 2 તેથી પ્રભુની આજ્ઞા પ્રમાણે મેં કમરે બાંધવાનું વસ્ત્ર ખરીદયું અને તેને કમરે બાંધ્યું 3-4 ત્યાર પછી ફરીથી મારી પાસે પ્રભુનો સંદેશ આવ્યો. “તેં કમરે બાંધવાનું જે વસ્ત્ર વેચાતું લઈને તારી કમરે બાંધ્યું છે તે લઈને યુફ્રેટિસ નદીએ જા અને ત્યાં તેને ખડકની ફાટમાં સંતાડી દે.” 5 તેથી હું યુફ્રેટિસ નદીએ ગયો અને તેને પ્રભુની આજ્ઞા પ્રમાણે સંતાડી દીધું. 6 ઘણા દિવસ પછી પ્રભુએ મને યુફ્રેટિસ નદીએ જઈને ત્યાં સંતાડેલું કમરે બાંધવાનું વસ્ત્ર પાછું લઈ આવવા કહ્યું. 7 તેથી મેં યુફ્રેટિસ નદીએ જઈને ખોદયું અને જે જગ્યાએ મેં તે સંતાડી રાખ્યું હતું ત્યાંથી તે બહાર કાઢયું. અલબત્ત, કમરે બાંધવાનું એ વસ્ત્ર બગડી જઈને તદ્દન નકામું અને બીનઉપયોગી થઈ ગયું હતું. 8-9 ત્યારે પ્રભુનો સંદેશ મને મળ્યો. “પ્રભુ આ પ્રમાણે કહે છે. આ જ પ્રમાણે હું યહૂદિયાનો અહંકાર અને યરુશાલેમનો અતિશય ગર્વ ઉતારી પાડીશ. 10 કમરે બાંધવાના આ નકામા થઈ ગયેલા વસ્ત્ર જેવી તેમની દશા થશે. કારણ, આ દુષ્ટ લોકો મારો સંદેશ સાંભળવાની જ ના પાડે છે અને એને બદલે, તેમણે પોતાના દયના દુરાગ્રહને અનુસરીને બીજા દેવોની સેવાપૂજા કરી છે. 11 જેમ કમરે બાંધવાનું વસ્ત્ર માણસની કમરે વીંટળાઈ રહે છે તેમ ઇઝરાયલ અને યહૂદિયાની સમગ્ર પ્રજાને મેં મારી કમરે વીંટાળી હતી; જેથી તેઓ મારા લોક બને અને તેઓ મારી કીર્તિ, મારી પ્રશંસા અને મારો મહિમા થાય, પણ તેમણે મારું સાંભળ્યું નહિ.” દ્રાક્ષાસવની સુરાહી સંબંધી રૂપક 12 પ્રભુએ મને કહ્યું, “તું યહૂદિયાના લોકોને આ કહેવત કહેજે, ‘દ્રાક્ષાસવની દરેક સુરાહી ભરેલી થશે.’ તેઓ એમ કહે કે, ‘શું અમે નથી જાણતા કે ‘દરેક સુરાહી દ્રાક્ષાસવથી ભરેલી થશે?’ 13 ત્યારે તું તેમને આ પ્રમાણે કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘આ દેશના સર્વ રહેવાસીઓને એટલે દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓથી માંડીને યજ્ઞકારો, સંદેશવાહકો અને યરુશાલેમના સર્વ નાગરિકોને હું જલદ દ્રાક્ષાસવથી ચકચૂર કરી દઈશ. 14 પછી તે સૌને, પિતાઓ અને પુત્રોને પણ એકબીજા સાથે અથડાવીશ. કોઈપણ જાતની દયા, મમતા કે કરૂણા દાખવ્યા વગર હું તેમનો નાશ કરીશ. હું પ્રભુ પોતે એ કહું છું.” અભિમાન વિષે આખરી ચેતવણી 15 હે લોકો, કાન દઈને સાંભળો, અભિમાન કરશો નહિ, કેમ કે પ્રભુ બોલી રહ્યા છે. 16 અંધકાર છવાય અને અંધારી ટેકરીઓ પર ઠોકર ખાઈને પડો તે પહેલાં, અને તમે પ્રકાશની આશા રાખી હતી પણ એને બદલે તે તેને ઊંડી ગમગીની અને ઘોર અંધકારમાં ફેરવી નાખે તે પહેલાં, તમારા ઈશ્વર પ્રભુને માન આપો. 17 પણ જો તમે સાંભળશો જ નહિ, તો તમારા અહંકારને લીધે મારો જીવ ગુપ્તમાં ઝૂરશે, હું ઊંડાં ડૂસકાં ભરતો રહીશ, અને મારી આંખો ચોધાર આંસુએ રડશે; કારણ, પ્રભુના લોકને બંદી બનાવીને લઈ જવાશે. 18 પ્રભુએ મને કહ્યું “રાજા તથા રાજમાતાને કહે કે, તમારા રાજ્યાસન પરથી ઊતરીને નીચે બેસો, કારણ, તમારા મસ્તક પરથી તમારા સુંદર રાજમુગટ પડી ગયા છે. 19 દક્ષિણે નેગેબ વિસ્તારમાં નગરો ઘેરો ઘાલીને બંધ કરી દેવામાં આવ્યાં છે, અને કોઈ ઘેરો તોડી નાસી છૂટે એમ નથી. યહૂદિયાના સર્વ લોકોને બંદી બનાવી દેશનિકાલ કરવામાં આવ્યા છે; કોઈ કહેતાં કોઈ દેશનિકાલથી બાકી રહ્યું નથી. 20 હે યરુશાલેમ, તારી નજર ઉઠાવીને જો! ઉત્તર તરફથી તારા શત્રુઓ આવી રહ્યા છે. ઘેટાંના ટોળાની જેમ તને જેની સંભાળ સોંપાઈ હતી અને જેનું તને ગૌરવ હતું તે તારા લોક કયાં છે? 21 જેમને તેં તાલીમ આપીને આગેવાન બનાવ્યા હતા તેઓ જ્યારે તારા જ પર અધિકાર ચલાવે ત્યારે તું શું કરીશ? તને પ્રસૂતાના જેવી વેદના નહિ થાય? 22 કદાચ તું પૂછે કે, આ બધું મારા પર કેમ આવી પડયું? તો જાણજે કે તારાં ભયાનક પાપને કારણે તારી નગ્નતા ઉઘાડી કરાઈ છે અને તારા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. 23 શું કોઈ કૂશી પોતાની ચામડીનો કાળો રંગ બદલી શકે? શું ચિત્તો પોતાનાં ટપકાં દૂર કરી શકે? જો એ શકાય બને તો દુષ્ટતા આચરવાને ટેવાયેલા તમે સદાચરણ કરી શકો!” 24 પ્રભુ કહે છે, “હે યરુશાલેમ, જેમ અનાજનું ભૂસું રણના પવનથી ઊડી જાય તેમ હું તારા લોકને વેરવિખેર કરી નાખીશ. 25 આ જ તારો હિસ્સો છે; મેં જ તે ફાળવી આપ્યો છે. કારણ, તારા લોક મને ભૂલી ગયા અને તેમણે જૂઠા દેવો પર ભરોસો મૂક્યો છે. 26 તેથી હું તને નગ્ન કરી દઈશ અને તારી લાજ દેખાશે. 27 કારણ, મેં તારા લોકોનાં શરમજનક કાર્યો જોયાં છે; એટલે કે, તેમનાં વ્યભિચારી કામો, વાસનાભર્યા ખોંખારા તથા ટેકરીઓ પર અને ખેતરોમાં તેમનાં દુષ્કૃત્યો મેં જોયાં છે. તારા લોકોની કેવી દુર્દશા! તેઓ શુદ્ધ થવા ચાહતા નથી. ક્યાં સુધી તારી આવી દશા રહેશે?” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide