Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 11 - પવિત્ર બાઇબલ C.L.


કરારભંગનું પરિણામ

1 યર્મિયાને પ્રભુ તરફથી આ સંદેશ મળ્યો.

2 “યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓને મારા કરારની શરતો કહી સંભળાવ.

3 તેમને કહે કે, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે:

4 જે માણસ આ કરારની શરતો પાળતો નથી તેના પર શાપ ઊતરશે. મેં તમારા પૂર્વજોને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા ત્યારે મેં એ કરાર કર્યો હતો અને તેમને કહ્યું હતું, કે જો તેઓ મારી વાણીને અનુસરશે અને મારી એકેએક આજ્ઞા પ્રમાણે વર્તશે તો તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ અને હું તેમને દૂધમધની રેલમછેલવાળો દેશ આપીશ.

5 તમારા પૂર્વજોને આપેલું એ વચન તો મેં પૂરું કર્યું છે.” ત્યારે મેં ઉત્તર આપ્યો, “હે પ્રભુ, આમીન!”

6 પછી પ્રભુએ મને કહ્યું, “યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં મારો સંદેશ પ્રગટ કરીને કહે કે, કરારની શરતો સાંભળો અને તે પાળો.

7 હું તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો ત્યારથી આજ સુધી મેં તેમને વારંવાર આગ્રહથી ચેતવણી આપ્યા કરી છે કે મારી વાણીને આધીન રહો.

8 છતાં તેઓ આધીન થયા નહિ, કે ધ્યાન આપ્યું નહિ, પણ એને બદલે તેઓ સૌ પોતાના દયના દુરાગ્રહને અનુસર્યા. મેં તેમને આજ્ઞા આપી હતી પણ તેમણે કરારની શરતો પાળી નહિ. તેથી એ બધી શરતો મુજબની સજા હું તેમના પર લાવ્યો છું.”

9 પછી પ્રભુએ મને કહ્યું, “યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓએ મારી વિરુદ્ધ કાવતરું ઘડયું છે.

10 તેઓ તેમના પૂર્વજો જેમણે મારો સંદેશ સાંભળવાની ના પાડી તેમનાં પાપો તરફ વળ્યા છે, અને તેમણે અન્ય દેવોને અનુસરીને તેમની પૂજા કરી છે. ઇઝરાયલ અને યહૂદિયા એ બન્‍ને રાજ્યના લોકોએ તેમના પૂર્વજોની સાથે કરેલો મારો કરાર તોડયો છે.

11 તેથી હું પ્રભુ પોતે તેમને જણાવું છું કે, હું તેમના પર આપત્તિ લાવીશ અને તેઓ તેમાંથી બચી શકશે નહિ, તેઓ મને મદદ માટે પોકાર કરશે, પણ હું તેમનું સાંભળીશ નહિ.

12 ત્યાર પછી યહૂદિયાના લોકો અને યરુશાલેમવાસીઓ જેમની આગળ તેઓ ધૂપ બાળતા હતા તે દેવો પાસે જઈને પોકાર કરશે, પરંતુ તેમની આપત્તિને સમયે એ દેવો તેમને જરાય મદદ કરી શકશે નહિ.

13 કારણ, યહૂદિયાનાં જેટલાં નગરો તેટલા તેમના દેવો છે. યરુશાલેમમાં જેટલી શેરીઓ છે તેટલી વેદીઓ તેમણે શરમજનક બઆલ દેવ આગળ ધૂપ બાળવા માટે બાંધી છે.

14 તેથી હે યર્મિયા, તું આ લોક માટે પ્રાર્થના કરીશ નહિ, તેમને માટે આજીજી કે વિનંતી કરીશ નહિ. કારણ, તેઓ મને આપત્તિને સમયે મદદ માટે પોકારશે, પણ હું તેમનું સાંભળીશ નહિ.”

15 પ્રભુ કહે છે. “મારી પ્રિયાને મારા મંદિરમાં આવવાનો શો અધિકાર છે? તેણે તો ભ્રષ્ટ કાર્યો કર્યાં છે. શું તે એમ માને છે કે માનતા માનવાથી કે પ્રાણીઓનાં બલિદાનો ચડાવવાથી તે આપત્તિ રોકી શકશે? શું ભૂંડું કર્યા પછી તે હરખાશે?

16 એક વેળાએ મેં તને ‘લીલુંછમ, સુંદર અને ફળદાયી ઓલિવ વૃક્ષ’ એવું નામ આપ્યું હતું. પણ હવે પ્રચંડ મેઘગર્જના સાથે વીજળી નાખીને હું તેનાં પાંદડાંને સળગાવી દઈશ અને તેની ડાળીઓ ભાંગી નાખીશ.

17 મેં સેનાધિપતિ પ્રભુએ ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોને રોપ્યા હતા, પણ હવે હું તેમના પર આપત્તિ ફરમાવું છું. કારણ, તેમણે બઆલદેવને ધૂપ ચડાવવાની અધમતા આચરીને મને તેમના પર ક્રોધિત કર્યો છે.”


યર્મિયાની હત્યાનું કાવતરું

18 મારા શત્રુઓ મારી વિરુદ્ધ કાવતરું ઘડતા હતા તે વિષે પ્રભુએ મને જાણ કરી ત્યારે જ મને તેમનાં દુષ્કૃત્યોની સમજ પડી.

19 એ પહેલાં તો હું નિર્દોષ ઘેટાને ક્તલ માટે લઈ જવામાં આવે છે તેના જેવો અજાણ હતો. તેઓ મારી જ વિરુદ્ધ પ્રપંચ રચી રહ્યા છે તેની મને ખબર નહોતી. તેઓ કહેતા હતા, “વૃક્ષ ફૂલ્યુંફાલ્યું છે ત્યારે જ તેને કાપી નાખીએ; આપણે તેને આ જીવતાંની દુનિયામાંથી હણી નાખીએ, કે જેથી કોઈ તેનું નામ યાદ કરે નહિ.”

20 ત્યારે મેં પ્રભુને પ્રાર્થના કરી, “હે સેનાધિપતિ પ્રભુ, તમે અદલ ન્યાયાધીશ છો. તમે દયની લાગણીઓ અને અંતરના ઇરાદાને પારખો છો. મેં મારી દાદ તમારી આગળ રજૂ કરી છે. તો હવે આ લોકો પર તમે જે બદલો લેશો તે મને જોવા દો.”

21 અનાથોથના જે લોકો મારું ખૂન કરવા માગતા હતા અને જેમણે મને ધમકી આપી હતી કે, ‘યાહવેને નામે ઉપદેશ કરવાનું ચાલુ રાખીશ તો અમે તને મારી નાખીશું’ તેમને વિષે પ્રભુ કહે છે;

22 હા, સેનાધિપતિ પ્રભુ કહે છે, “હું તેમને સજા કરીશ. તેમના યુવાનો યુદ્ધમાં માર્યા જશે. તેમનાં પુત્રો અને પુત્રીઓ દુકાળને લીધે ભૂખમરાથી મરશે.

23 અલબત્ત, કોઈ જીવતું રહેવા પામશે નહિ; કારણ, અનાથોથના લોકો પર હું નક્કી કરેલા સમયે આપત્તિ લાવીશ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan