યર્મિયા 10 - પવિત્ર બાઇબલ C.L.મૂર્તિપૂજા અને સાચી ભક્તિ 1 હે ઇઝરાયલના લોકો, તમારે માટેનો પ્રભુનો સંદેશ સાંભળો. 2 પ્રભુ આ પ્રમાણે કહે છે: બીજી પ્રજાઓના રીતરિવાજો શીખશો નહિ, બીજા દેશોમાં લોકો ભલે ભયભીત થાય, પણ તમે આકાશમાંના અસામાન્ય દેખાવોથી ગભરાશો નહિ. 3 એ લોકોની મૂર્તિપૂજાની વિધિઓ નકામી છે. જંગલમાંથી લાકડું કાપી લાવવામાં આવે છે, કારીગર તે લાકડા પર ઓજારોથી કોતરકામ કરે છે, 4 પછી તેને સોનાચાંદીથી શણગારવામાં આવે છે; વળી તે ગબડી ન પડે માટે હથોડા વડે ખીલાથી જડવામાં આવે છે. 5 આવી મૂર્તિઓ, ક્કડીની વાડીમાં મૂકેલા ચાડિયા જેવી છે; તેઓ બોલી શક્તી નથી; તેમને ઊંચકીને લઈ જવી પડે છે, કારણ, તેઓ ચાલી શક્તી નથી. તેમનાથી ગભરાશો નહિ; કારણ, તેઓ કંઈ નુક્સાન કરી શક્તી નથી, કે કંઈ ભલું પણ કરી શક્તી નથી! 6 હે યાહવે, તમારા સમાન કોઈ નથી; તમે મહાન છો; 7 તમારું નામ મહાન અને સામર્થ્યવાન છે. તમે બધી પ્રજાઓના રાજા છો. કોણ તમારા પ્રત્યે ભક્તિભાવ ન દાખવે? સાચે જ, એ તમારો અધિકાર છે. સર્વ પ્રજાઓના જ્ઞાનીઓમાં અને તેમનાં સર્વ રાજ્યોમાં તમારા જેવું કોઈ જ નથી. 8 તેઓ બધા જ અક્કલહીન અને મૂર્ખ છે; તેઓ લાકડાંની મૂર્તિઓ પાસેથી શું શીખી શકે? 9 લોકો તાર્શીશથી ચાંદી અને ઉફાઝથી સોનું લાવે છે, કારીગર મૂર્તિઓને ઘડે છે, અને સોની તેમને મઢે છે, તેમને જાંબલી તથા રાતાં વસ્ત્રો પહેરાવવામાં આવે છે; એ બધી મૂર્તિઓ તો કારીગરોએ બનાવેલી છે, 10 પરંતુ યાહવે તો સાચા ઈશ્વર છે; તે જીવંત ઈશ્વર છે, અને સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી ધ્રૂજે છે અને વિદેશી પ્રજાઓ તેમનો રોષ સહી શક્તી નથી. 11 તમારે એ લોકોને કહેવું કે જેમણે આકાશ તથા પૃથ્વી સર્જ્યા નથી એવા એ દેવો પૃથ્વી પરથી અને આકાશ તળેથી નષ્ટ થઈ જશે. ઈશ્વર પ્રતિ સ્તુતિગીત 12 ઈશ્વરે પોતાના સામર્થ્યથી પૃથ્વીની રચના કરી, પોતાના જ્ઞાનથી તેને સંસ્થાપિત કરી, અને પોતાની પ્રજ્ઞાથી આકાશને વિસ્તાર્યું. 13 જ્યારે તે આજ્ઞા કરે છે, ત્યારે આકાશી ધુમ્મટ ઉપરનાં પાણી ગર્જના કરે છે, તે પૃથ્વીની ક્ષિતિજો પરથી વાદળાં ઊંચે ચઢાવે છે, વરસાદના તોફાનમાં વીજળી ચમકાવે છે, અને પોતાના ભંડારમાંથી પવનો મોકલે છે. 14 એ જોઈને માનવીઓ અવાકા બની જાય છે, અને મૂર્તિ ઘડનાર કારીગરો શરમાઈ જાય છે, કારણ કે, પ્રતિમાઓ ખોટી અને નિર્જીવ છે. 15 તેઓ વ્યર્થ અને ભ્રામક છે. પ્રભુ તેમને સજા કરશે ત્યારે તેમનો નાશ થશે. 16 યાકોબના હિસ્સા સમાન ઈશ્વર તેમના જેવા નથી; તે તો સકળ સૃષ્ટિના સર્જનહાર છે અને તેમણે ઇઝરાયલ પ્રજાને પોતાના વારસ તરીકે નીમી છે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. ભાવિ દેશનિકાલ: વિલાપ અને પ્રાર્થના 17 હે યરુશાલેમના લોકો, તમે ઘેરી લેવાયા છો, તમારાં પોટલાં ઉઠાવો અને દેશમાંથી ભાગો! 18 ઓ દેશના રહેવાસીઓ, પ્રભુ તમને ગોફણના ગોળાની જેમ ફંગોળી દેશે. તમને કચડી નાખવામાં આવશે, અને તે તમને નીચોવીને નાખી દેશે. પ્રભુ આ પ્રમાણે કહે છે. 19 દેશ આખો પોકારે છે: “અરેરે, મને અસહ્ય ઘા લાગ્યો છે, આ તો અસાય જખમ છે! મેં તો ધાર્યું હતું કે, હું એની વેદના વેઠી લઈશ! 20 મારો તંબૂ ઉજ્જડ બન્યો છે, અને તેનાં દોરડાં તોડી નાખવામાં આવ્યાં છે. મારાં બધાં સંતાનો મને છોડીને જતા રહ્યાં છે, અને તેમાંનું કોઈ રહ્યું નથી. મારો તંબૂ બાંધવા માટે અને પડદા લટકાવવા માટે કોઈ રહ્યું નથી.” 21 મેં કહ્યું, “અમારા રાજર્ક્તાઓ તો મૂર્ખ પાલકો છે. તેમણે પ્રભુની સલાહ શોધી નથી. તેથી તેઓ નિષ્ફળ ગયા છે, અને તેમના સર્વ લોકો વેરવિખેર થયા છે. 22 અરે, સાંભળો; સમાચાર આવ્યા છે, ઉત્તર તરફના દેશમાંથી મોટો કોલાહલ સંભળાય છે; યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી દેવા અને તેમને શિયાળોનો વાસ બનાવી દેવા લશ્કર આવી રહ્યું છે! 23 હે પ્રભુ, હું જાણું છું કે મર્ત્ય માનવીનું ભાવિ તેના નિયંત્રણમાં નથી; તેનામાં પોતાનો જીવનમાર્ગ નક્કી કરવાની ક્ષમતા નથી. 24 હે પ્રભુ, તમારા ન્યાયના ધોરણે અમને શિક્ષા ભલે કરો, પણ ક્રોધથી નહિ, નહિ તો અમે નેસ્તનાબૂદ થઈ જઈશું. 25 પરંતુ જે પ્રજાઓ તમને માનતી નથી, અને તમારે નામે ભક્તિ કરતી નથી તેમના પર તમારો રોષ ઠાલવો. કારણ, તેઓ યાકોબના વંશજોને ભરખી ગયા છે; અરે, ભરખી જઈને તેમને તદ્દન ખતમ કરી નાખ્યા છે, તેમનો વિનાશ કર્યો છે અને તેમના રહેઠાણને ઉજ્જડ કર્યું છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide