Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 1 - પવિત્ર બાઇબલ C.L.


યર્મિયાને ઈશ્વરનું આમંત્રણ

1 આ યર્મિયાના સંદેશા છે. તે યજ્ઞકાર કુટુંબના હિલ્કિયાનો પુત્ર હતો અને બિન્યામીનના કુળપ્રદેશના અનાથોથ નગરમાં વસતો હતો.

2 યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના રાજ્યકાળને તેરમે વર્ષે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો હતો.

3 યોશિયાનો પુત્ર યહોયાકીમ રાજા હતો ત્યારે ફરીથી તેને પ્રભુનો સંદેશ મળ્યો. ત્યાર પછી યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યકાળના અગિયારમા વર્ષ સુધી તેને પ્રભુના સંદેશાઓ મળતા રહ્યા. એ વર્ષના પાંચમા મહિનામાં યરૂશાલેમના લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

4 પ્રભુએ મને કહ્યું.

5 “ગર્ભસ્થાનમાં મેં તને ઘડયો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો, અને તારો જન્મ થયો તે પહેલાં મેં તને મારે માટે અલગ કર્યો હતો, અને પ્રજાઓના સંદેશવાહક તરીકે તારી નિમણૂક કરી હતી.”

6 મેં ઉત્તર આપ્યો, “ઓ પ્રભુ પરમેશ્વર, મને ઉપદેશ કરતાં આવડતું નથી, હું તો હજી કિશોર જ છું.”

7 પણ પ્રભુએ મને કહ્યું, “હું હજી કિશોર જ છું, એમ ન કહે; પણ જે જે લોકો વચ્ચે હું તને મોકલું ત્યાં તારે જવાનું છે અને હું તને જે જે ફરમાવું તે બધું તારે તેમને કહેવાનું છે.

8 તેમનાથી બીશ નહીં; કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે છું. હું પ્રભુ પોતે એ બોલ્યો છું.”

9 પછી પ્રભુએ પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કરતા મને કહ્યું, “જો મારો સંદેશ મેં તારા મુખમાં મૂક્યો છે.

10 આજે હું તને પ્રજાઓ અને રાષ્ટ્રોને ઉખેડી નાખવા તથા તોડી પાડવા, વિનાશ કરવા તથા ઉથલાવી નાખવા અને બાંધવા તથા રોપવાના કાર્ય પર અધિકાર આપું છું.”


બે દર્શનો

11 પ્રભુએ મને પૂછયું, “યર્મિયા, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “બદામના વૃક્ષની ડાળી.”

12 પ્રભુએ કહ્યું, “તેં બરાબર જોયું છે. હું મારો સંદેશ પરિપૂર્ણ કરવા માટે સજાગ છું.”

13 પછી પ્રભુએ મને બીજીવાર પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું ઉત્તર દિશામાં એક ઉકળતું વાસણ જોઉં છું અને તે આ બાજુ દક્ષિણ તરફ ઢળી રહ્યું છે.”

14 પ્રભુએ મને કહ્યું, “ઉત્તર તરફથી આ દેશના સર્વ રહેવાસીઓ પર વિનાશ આવી પડશે.

15 કારણ, હું ઉત્તરના બધા દેશોને બોલાવું છું. તેમના રાજાઓ યરુશાલેમના દરવાજાઓએ, તેના કોટની ચારે તરફ અને યહૂદિયાનાં નગરોની સામે પોતપોતાનું રાજ્યાસન સ્થાપશે.

16 મારા લોકના પાપને લીધે હું તેમને સજા કરીશ. કારણ, તેમણે મારો ત્યાગ કરીને અન્ય દેવો સમક્ષ ધૂપ ચડાવ્યો છે અને પોતાના હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે.

17 યર્મિયા, તારી કમર કાસીને તૈયાર થઈ જા. ઊઠ, હું તને ફરમાવું તે પ્રમાણે તેમને ઉપદેશ કર. તેમનાથી ગભરાઈશ નહિ, નહિ તો હું તેમની સમક્ષ તને ગભરાવી મૂકીશ. આખા દેશના બધા લોકો એટલે યહૂદિયાના રાજાઓ, અધિકારીઓ, યજ્ઞકારો અને જમીનદારો તારી સામે પડશે, પણ તેમનો સામનો કરવા માટે હું તને આજે સામર્થ્ય આપું છું.

18 તું તેમની સામે કિલ્લેબંધ નગર, લોખંડી સ્તંભ અને તાંબાના કોટ જેવો થઈ પડીશ.

19 તેઓ તારી સાથે લડાઈ કરશે પણ તને હરાવી શકશે નહીં, કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે હોઈશ” હું પ્રભુ એ પોતે બોલ્યો છું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan