Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 9 - પવિત્ર બાઇબલ C.L.


અબિમેલેખ

1 યરૂબ્બઆલ એટલે ગિદિયોનનો પુત્ર અબિમેલેખ શખેમમાં તેના મામાઓ પાસે ગયો. તેણે તેમને તથા તેની માતાના પિતાના કુટુંબના ગોત્રના સર્વ માણસોને કહ્યું,

2 “તમે શખેમના સર્વ નગરજનોને અંગત રીતે પૂછી જુઓ કે, ‘તમે શું પસંદ કરશો? યરૂબ્બઆલના સિત્તેરેય પુત્રો તમારા પર રાજ કરે તે કે પછી એક જ વ્યક્તિ તમારા પર રાજ કરે તે?’ આટલું યાદ રાખજો કે હું તમારા હાડમાંસનો છું.”

3 તેની માતાના સંબંધીઓએ શખેમના માણસોને એ વિષે વાત કરી, અને શખેમના માણસોએ અબિમેલેખને અનુસરવાનું વલણ દાખવ્યું, કારણ, તે તેમનો સગો હતો.

4 તેમણે તેને બઆલ-બરીથના મંદિરમાંથી ચાંદીના સિત્તેર સિક્કા આપ્યા અને એ નાણાં વડે તેણે નવરા અને હરામખોર લોકોની ટોળી ભાડે રાખી અને તેઓ તેને અનુસર્યા.

5 તે પોતાના પિતાને ઘેર ઓફ્રા ગયો, અને ત્યાં તેણે પોતાના સિત્તેર ભાઈઓ, યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્રોને એક જ પથ્થર પર મારી નાખ્યા. પણ યરૂબ્બઆલનો સૌથી નાનો પુત્ર યોથામ બચી ગયો, કારણ કે તે સંતાઈ ગયો હતો.

6 પછી શખેમ અને બેથ-મિલ્લોના સર્વ લોકો એકઠા થઈને શખેમમાં પવિત્રસ્તંભ પાસેના એલોનવૃક્ષ આગળ ગયા, અને ત્યાં તેમણે અબિમેલેખને રાજા બનાવ્યો.

7 યોથામે જ્યારે તે જાણ્યું ત્યારે તે જઈને ગરીઝીમ પર્વત પર ઊભો રહ્યો અને તેમને મોટે ઘાંટે કહ્યું, “ઓ શખેમના માણસો, મારું સાંભળો, અને ઈશ્વર તમારું પણ સાંભળશે!

8 એક વાર વૃક્ષો કોઈનો અભિષેક કરીને તેને પોતાના રાજા તરીકે પસંદ કરવા ગયાં. તેમણે ઓલિવવૃક્ષને કહ્યું, ‘તું અમારો રાજા થા.’

9 ઓલિવવૃક્ષે જવાબ આપ્યો, ‘જેનાથી દેવોનું અને માણસોનું સન્માન થાય છે એવા મારા તેલને પેદા કરવાનું પડતું મૂકીને હું વૃક્ષો પર શાસન ચલાવવા આવું?’

10 પછી વૃક્ષોએ અંજીરીને કહ્યું, ‘તું આવીને અમારો રાજા બન.’

11 પણ અંજીરીએ જવાબ આપ્યો, ‘મારાં સારાં મીઠાં ફળ પેદા કરવાનું પડતું મૂકીને હું તમારા પર શાસન ચલાવવા આવું?’

12 તેથી વૃક્ષોએ દ્રાક્ષવેલાને કહ્યું, ‘તું આવીને અમારો રાજા બન.’

13 પણ દ્રાક્ષવેલાએ જવાબ આપ્યો, ‘દેવો અને માણસોને આનંદ પમાડનાર મારો દ્રાક્ષાસવ પેદા કરવાનું પડતું મૂકીને હું તમારા પર શાસન ચલાવવા આવું?’

14 તેથી બધાં વૃક્ષોએ છેવટે કાંટાના છોડને કહ્યું, ‘તું આવીને અમારો રાજા બન.’

15 કાંટાના છોડે તેમને જવાબ આપ્યો, ‘જો તમે ખરેખર તમારા રાજા તરીકે અભિષેક કરવા માગતા હો, તો આવીને મારી છાયાનો આશ્રય લો. પણ જો તમે નહિ કરો, તો મારી કાંટાળી ડાળીઓમાંથી અગ્નિ ફાટી નીકળશે અને લબાનોનનાં ગંધતરુ બાળી નાખશે.”

16 યોથામે વિશેષ બોલતાં કહ્યું, “તો હવે તમે કહો કે તમે આબિમેલેખને રાજા બનાવવામાં ખરેખરી પ્રામાણિક્તા અને નિખાલસતા દાખવી છે? યરૂબ્બઆલનાં કાર્યોને છાજે એ રીતે તેમની યાદગીરીના માનમાં તમે તેમના કુટુંબ પ્રત્યે યોગ્ય રીતે વર્ત્યા છો?

17 તેમણે તમારે માટે યુદ્ધ ખેલ્યાં હતાં તે યાદ કરો. તમને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવવા તો તેમણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો.

18 પણ આજે તો તમે મારા પિતાના કુટુંબની વિરુદ્ધ થઈ ગયા છો. તમે તેમના પુત્રોને, સિત્તેર માણસોને એક જ પથ્થર પર મારી નાખ્યા. એ પણ એટલા જ માટે કે તેમનો પુત્ર અબિમેલેખ, એક દાસીથી જન્મેલો તેમનો એ પુત્ર તમારો સગો થાય છે, અને તમે તેને શખેમનો રાજા બનાવ્યો છે.

19 તેથી આજે તમે યરૂબ્બઆલ તથા તેના પરિવાર પ્રત્યે સાચી પ્રામાણિક્તા અને નિખાલસતાથી વર્ત્યા હો તો અબિમેલેખ તમને અને તમે અબિમેલેખને સુખરૂપ નીવડો.

20 પણ જો એ રીતે વર્ત્યા ન હો તો અબિમેલેખમાંથી અગ્નિ ફાટી નીકળો અને શખેમ તથા બેથ-મિલ્લોના લોકોને બાળીને ભસ્મ કરી નાખો. શખેમ અને બેથ-મિલ્લોના લોકોમાંથી અગ્નિ ફાટી નીકળો અને અબિમેલેખને ભસ્મ કરી નાખો.”

21 પછી પોતાના ભાઈ અબિમેલેખથી ગભરાતો હોવાથી યોથામ ભાગી છૂટયો અને જઈને બએરમાં રહ્યો.

22 અબિમેલેખે ઇઝરાયલ પર ત્રણ વર્ષ રાજ કર્યું.

23 પછી ઈશ્વરે અબિમેલેખ અને શખેમના માણસો વચ્ચે વેર કરાવનાર દુષ્ટાત્મા મોકલ્યો, એટલે તેમણે અબિમેલેખ સામે બંડ પોકાર્યું.

24 અબિમેલેખે યરૂબ્બઆલના સિત્તેર પુત્રોને મારી નાખ્યા હતા અને શખેમના માણસોએ તેને એમાં સાથ આપ્યો હતો; અને તેથી તેમની પાસેથી એ ખૂનનો બદલો લેવાય માટે એમ બન્યું.

25 શખેમના માણસોએ પર્વતના શિખરો પર અબિમેલેખ વિરુદ્ધ માણસો સંતાડી રાખ્યા હતા અને તેઓ રસ્તે જતા આવતા સૌને લૂંટી લેતા. અબિમેલેખને એ વાતની ખબર પડી.

26 એબેદનો પુત્ર ગાઆલ તેના ભાઈઓ સહિત શખેમમાં આવ્યો અને શખેમના માણસોએ તેના પર ભરોસો મૂક્યો.

27 તેઓ સૌ પોતપોતાની દ્રાક્ષવાડીમાં જઈને દ્રાક્ષો વીણી લાવ્યા, તેમાંથી દ્રાક્ષાસવ બનાવ્યો અને પછી ઉત્સવ મનાવ્યો. તેઓ તેમના દેવના મંદિરમાં ગયા અને ત્યાં તેમણે ખાઈપીને અબિમેલેખની મજાક ઉડાવી.

28 ગાઆલે કહ્યું, “આપણે શખેમના માણસો કેવા છીએ? અબિમેલેખ કોણ છે કે આપણે તેની ગુલામી કરીએ? એ તો યરૂબ્બઆલનો પુત્ર છે અને તેનો અધિકારી ઝબૂલ તો તેના હુકમ પ્રમાણે શાસન ચલાવનાર છે. આપણે શા માટે તેની તાબેદારી કરીએ? તમારા ગોત્રના પ્રણેતા તમારા પૂર્વજ હામોરને વફાદાર રહો!

29 હું આ લોકોનો અગ્રેસર હોત તો મેં ક્યારનોય અબિમેલેખને પૂરો કરી દીધો હોત. મેં તેને કહ્યું હોત, ‘તારા સૈન્યને સંગીન બનાવ અને લડવા આવી જા!”

30 ગાઆલ જે બોલ્યો તે સાંભળીને શહેરનો શાસક ઝબૂલ ક્રોધે ભરાયો.

31 તેણે અબિમેલેખ પાસે અરુમાહમા આમ કહેવા સંદેશકો મોકલ્યા, “એબેદનો પુત્ર ગાઆલ અને તેના ભાઈઓ શખેમમાં આવ્યા છે અને નગરલોકને તમારી વિરુદ્ધ ઉશ્કેરે છે.

32 તેથી હવે તમે તથા તમારા માણસો રાતોરાત આવીને ખેતરોમાં સંતાઈ રહો.

33 આવતી કાલે સવારે ઊઠીને નગર પર ઓચિંતો હુમલો કરો. પછી ગાઆલ અને તેના માણસો તમારી સામે બહાર ધસી આવે ત્યારે લાગ મળે તેમ તેમના પર તૂટી પડજો.”

34 તેથી અબિમેલેખ અને તેના માણસો રાતોરાત ઉપડયા અને શખેમની બહાર ચાર જૂથમાં સંતાઈ રહ્યા.

35 જ્યારે અબિમેલેખ અને તેના માણસોએ જોયું કે ગાઆલ બહાર આવીને નગરના દરવાજે ઊભો છે ત્યારે જ્યાં તેઓ સંતાઈ રહ્યા હતા ત્યાંથી ઊભા થયા.

36 ગાઆલે તેમને જોઈને ઝબૂલને કહ્યું, “જુઓ, જુઓ, પર્વતની ટોચ પરથી માણસો ઊતરી રહ્યા છે!” ઝબૂલે જવાબ આપ્યો, “એ માણસો નથી. એ તો પર્વતો પર માત્ર માણસોના જેવા પડછાયા છે.”

37 ગાઆલે ફરી કહ્યું, “જુઓ, મયવર્તી પર્વતમાળામાંથી માણસો ઊતરી આવે છે અને બીજું એક જૂથ જ્યોતિષોના એલોનવૃક્ષને રસ્તે આવી રહ્યું છે!”

38 ત્યારે ઝબૂલે તેને કહ્યું, “તારી બધી બડાશની વાતો ક્યાં ગઈ? આપણે અબિમેલેખની તાબેદારી શા માટે કરવી એવું કહેનાર તું પોતે જ હતો. તું જેમની મજાક ઉડાવતો હતો એ જ આ માણસો છે. જા, હવે બહાર જઈને તેમની સાથે લડાઈ કર.”

39 ગાઆલ નગરના માણસોને લઈને બહાર નીકળ્યો અને અબિમેલેખ સાથે યુદ્ધમાં ઝઝૂમ્યો.

40 અબિમેલેખે ગાઆલનો પીછો કર્યો અને ગાઆલ નાસી છૂટયો. છેક નગરના પ્રવેશદ્વાર સુધી ઘણા લોકો ઘવાઈને પડયા.

41 અબિમેલેખ અરુમાહમાં રહેતો હતો અને ઝબૂલે ગાઆલ તથા તેના ભાઈઓને શખેમમાંથી હાંકી કાઢયા, એટલે તેઓ ત્યાં રહી શક્યા નહિ.

42 બીજે દિવસે અબિમેલેખને ખબર પડી કે શખેમના લોકો બહાર નીકળી ખેતરોમાં જવાની પેરવી કરી રહ્યા છે. તેથી તેણે તેના માણસોને ત્રણ ટુકડીમાં વહેંચી દીધા, અને ખેતરોમાં રાહ જોતાં સંતાડી રાખ્યા.

43 લોકોને નગર બહાર આવતા જોઈને તે તેમને મારી નાખવા સંતાવાની જગ્યાએથી નીકળી આવ્યો.

44 અબિમેલેખ અને તેની ટુકડીના માણસો નગરના પ્રવેશદ્વારનો કબજો લેવા પહોંચી ગયા, જ્યારે બાકીની બીજી બે ટુકડીઓએ ખેતરોમાં લોકો પર ત્રાટકીને તેમનો સંહાર કર્યો.

45 લડાઈ આખો દિવસ ચાલી. અબિમેલેખે નગરને સર કર્યું, તેના લોકોને મારી નાખ્યા, તેને તોડી પાડયું અને તે જમીન પર મીઠું પાથરી દીધું.

46 શખેમના કિલ્લામાં સર્વ આગેવાનોએ એ સાંભળ્યું ત્યારે તેઓ એલ-બરીથના મંદિરના ભોંયરામાં ભરાઈ ગયા.

47 અબિમેલેખને ખબર મળી કે શખેમના કિલ્લાના માણસો ત્યાં ભોંયરામાં એકઠા થયા છે.

48 તેથી તે પોતાના માણસોને લઈને સાલ્મોન પર્વત પર ગયો. ત્યાં તેણે એક કુહાડો લઈને વૃક્ષની ડાળ કાપી; પછી તેણે તે પોતાને ખભે ઊંચકી લીધી. તેણે પોતાના માણસો પણ એ જ પ્રમાણે સત્વરે કરવા જણાવ્યું.

49 તેથી પ્રત્યેક જણે એક એક ડાળ કાપી લીધી; પછી તેઓ અબિમેલેખ પાછળ ગયા અને પેલા ભોંયરા આગળ લાકડાં ખડકીને તેને આગ ચાંપી. માણસોને તો ભોંયરામાં હતાં. કિલ્લાનાં બધાં એટલે, હજારેક સ્ત્રી-પુરુષો બળીને મરી ગયાં.

50 પછી અબિમેલેખ તેબેસ ગયો અને તેને ઘેરો ઘાલીને સર કર્યું.

51 ત્યાં એક મજબૂત બુરજ હતો, અને આગેવાનો સહિત સઘળાં સ્ત્રીપુરુષો તે બુરજમાં દોડી ગયાં. તેમણે અંદરથી બારણું વાસી દીધું અને બુરજના ધાબા પર જતા રહ્યાં.

52 અબિમેલેખે એ બુરજ પર હુમલો કર્યો અને બુરજને આગ લગાડવા તે તેના બારણા નજીક ગયો.

53 પણ એક સ્ત્રીએ તેના માથા પર ઘંટીનો પથ્થર નાખીને તેની ખોપરી ફોડી નાખી.

54 તરત જ તેણે પોતાના શસ્ત્રવાહકને બોલાવીને કહ્યું, “તારી તલવાર તાણીને મને મારી નાખ. મને એક સ્ત્રીએ મારી નાખ્યો એવું કહેવાય તેમ હું ઇચ્છતો નથી.” તેથી પેલો શસ્ત્રવાહક તેના પર તૂટી પડયો અને તે મરી ગયો.

55 અબિમેલેખ માર્યો ગયો છે એવું જાણતાની સાથે સૌ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ગયા.

56 પોતાના સિત્તેર ભાઈઓનો સંહાર કરીને અબિમેલેખે પોતાના પિતા વિરુદ્ધ કરેલા ગુના માટે ઈશ્વરે તેને એવો બદલો આપ્યો.

57 યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્ર યોથામે આપેલા શાપમાં તેણે કહ્યું હતું તે મુજબ ઈશ્વરે શખેમના લોકોને પણ તેમની દુષ્ટતાનો બદલો આપ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan