ન્યાયાધીશો 8 - પવિત્ર બાઇબલ C.L.મિદ્યાનીઓનો આખરી પરાજય 1 પછી એફ્રાઈમના માણસોએ ગિદિયોનને કહ્યું, “તું મિદ્યાનીઓ સામે લડવા ગયો ત્યારે તેં અમને બોલાવ્યા કેમ નહિ? તું અમારી સાથે એ રીતે કેમ વર્ત્યો?” એ વિષે તેમણે તેને સખત ઠપકો આપ્યો. 2 પણ તેણે તેમને કહ્યું, “તમે જે કર્યું છે તેની સરખામણીમાં મેં જે કર્યું છે તેની કંઈ વિસાત નથી. અબીએઝેરના ગોત્રે દ્રાક્ષવેલાની લણણીમાં ભેગી કરેલી દ્રાક્ષો કરતાં એફ્રાઈમના કુળે જમીન પરથી વીણેલી દ્રાક્ષો વધારે નથી? 3 છેવટે ઈશ્વરની સહાયથી તમે મિદ્યાનીઓના બે સરદારો ઓરેબ અને ઝએબને પકડીને મારી નાખ્યા. એની સરખામણીમાં મેં શું કર્યું છે?” તેની એ વાત સાંભળીને તેમનો ગુસ્સો નરમ પડયો. 4 દરમ્યાનમાં, ગિદિયોન અને તેના ત્રણસો માણસો યર્દન નદીએ આવી પહોંચ્યા અને તેને પાર કરી દીધી. તેઓ સખત થાકી ગયા હતા, છતાં હજુ શત્રુનો પીછો કરી રહ્યા હતા. 5 તેઓ સુક્કોથમાં આવ્યા ત્યારે તેણે તે નગરના માણસોને કહ્યું, “મારા માણસોને કંઈક ખોરાક આપો. તેઓ સખત થાકી ગયા છે, અને હું ઝેબા અને સાલ્મુન્ના રાજાઓનો પીછો કરી રહ્યો છું.” 6 પણ સુક્કોથના આગેવાનોએ કહ્યું, “અમારે શા માટે તારા સૈન્યને ખોરાક આપવો જોઈએ? હજુ તો તેં ઝેબા અને સાલમુન્નાને પકડયા પણ નથી.” 7 તેથી ગિદિયોનને કહ્યું, “ભલે, પણ પ્રભુ જ્યારે ઝેબા અને સાલ્મુન્નાને મારા હાથમાં સોંપી દેશે, ત્યારે હું તમને રણના કાંટાઝાખરાંથી ઝૂડી નાખીને તમારી ચામડી ઉતારી દઈશ.” 8 ગિદિયોન પનુએલ ગયો અને ત્યાંના લોકોને પણ એ જ વિનંતી કરી, અને પનુએલના માણસોએ પણ તેને સુક્કોથના માણસોના જેવો જ જવાબ આપ્યો. 9 તેથી તેણે કહ્યું, “હું સહીસલામત પાછો આવવાનો છું અને આવીશ ત્યારે આ બુરજ તોડી પાડીશ.” 10 ઝેબા અને સાલ્મુન્ના તેમના સૈન્ય સાથે ર્ક્કોરમાં હતા. પૂર્વપ્રદેશની જાતિઓના આખા સૈન્યમાંથી માત્ર પંદરેક હજાર જ બાકી રહ્યા હતા; એક લાખ વીસ હજાર સૈનિકો તો માર્યા ગયા હતા. 11 ગિદિયોન નોબા અને યોગ્બહાહની પૂર્વમાં જે રસ્તો રણપ્રદેશના તંબુવાસીઓ વાપરે છે તે પર થઈને આગળ ગયો અને સૈન્ય પર ઓચિંતો હુમલો કર્યો. 12 ઝેબા અને સાલ્મુન્ના એ બે મિદ્યાની રાજાઓ ભાગ્યા, પણ તેણે તેમનો પીછો કર્યો અને તેમને પકડી પાડયા તથા આખા સૈન્યમાં આતંક ફેલાવી દીધો. 13 હેરસ ઘાટના માર્ગે લડાઈમાં ગિદિયોન પાછો ફરતો હતો, 14 ત્યારે તેણે સુક્કોથના એક જુવાન માણસને પકડીને પૂછપરછ કરી. પેલા જુવાને ગિદિયોનને સુક્કોથના સિત્તોતેર અગ્રણીઓનાં નામ લખી આપ્યાં. 15 પછી ગિદિયોને સુક્કોથના માણસો પાસે જઈને તેમને કહ્યું, “તમે મને મદદ કરવા ના પાડી હતી એ તો યાદ છે ને? મેં ઝેબા અને સાલ્મુન્નાને હજી પકડયા નથી એમ કહીને તમે મારા થાકેલા સૈન્યને ખોરાક આપવા ના પાડી હતી. તો લો, આ રહ્યા એ ઝેબા અને સાલ્મુન્ના!” 16 પછી તેણે રણપ્રદેશના કાંટાઝાંખરા લઈને સુક્કોથના આગેવાનોને મારીને તેમને બરાબર પાઠ ભણાવ્યો. 17 તેણે પનુએલનો બુરજ પણ તોડી પાડયો અને તે નગરના લોકોને મારી નાખ્યા. 18 પછી ગિદિયોને ઝેબા અને સાલ્મુન્નાને પૂછયું, “તમે તાબોરમાં જે માણસોને મારી નાખ્યા તેમનું શું?” તેમણે કહ્યું, “તેઓ તમારા જેવા જ લાગતા હતા. પ્રત્યેક જણ રાજકુમાર જેવો હતો.” 19 ગિદિયોને કહ્યું, “તે મારા ભાઈઓ, મારા સહોદર હતા. હું શપથપૂર્વક કહું છું કે તમે તેમને મારી નાખ્યા નહોત, તો હું તમને મારી નાખત નહિ.” 20 પછી તેણે તેના જયેષ્ઠપુત્ર યેથેરને કહ્યું, “ઊઠ, તેમને મારી નાખ.” પણ એ છોકરાએ પોતાની તલવાર ખેંચી નહિ. તે ખચક્યો; કારણ, તે હજી નાદાન હતો. 21 પછી ઝેબા અને સાલ્મુન્નાએ ગિદિયોનને કહ્યું, “તો તમે પોતે જ ઊઠીને અમને મારી નાખો. એ તો જેવો માણસ તેવું તેનું બળ.” તેથી ગિદિયોને તેમને મારી નાખ્યા અને તેમનાં ઊંટોની ડોક પરથી આભૂષણો લઈ લીધાં. 22 તે પછી ઇઝરાયલીઓએ ગિદિયોનને કહ્યું, “તમે અમને મિદ્યાનીઓથી બચાવ્યા છે. તો હવે તમે અને તમારા પછી તમારા વંશજો અમારા રાજા બનો.” 23 ગિદિયોને જવાબ આપ્યો, “હું અથવા મારો પુત્ર તમારા રાજા બનીશું નહિ. પ્રભુ જ તમારા રાજા બનો.” 24 પછી વિશેષમાં તે બોલ્યો, “તમારી પાસે મારી આટલી માગણી છે. તમે સૌ મને તમે લૂંટમાં મેળવેલાં કુંડળો આપો.” (સોનાનાં કુંડળો પહેરવાં એ ઇશ્માએલીઓનો રિવાજ હતો.) 25 લોકોએ જવાબ આપ્યો, “અમે બહુ રાજીખુશીથી તમને તે આપીશું.” પછી તેમણે એ વસ્ત્ર પાથર્યું અને સૌએ લૂંટમાં મેળવેલાં કુંડળો તેમાં નાખ્યાં. 26 ગિદિયોનને મળેલાં સોનાનાં કુંડળોનું વજન આશરે ઓગણીસ કિલો જેટલું હતું. એમાં આભુષણો, ગળાના હાર, મિદ્યાની રાજાઓનાં જાંબુડી વસ્ત્રો કે ઊંટોની ડોકમાં લટકાવાતા ચંદ્રકોનો સમાવેશ થતો નહોતો. 27 ગિદિયોને સોનામાંથી એફોદ બનાવ્યું અને પોતાના વતન ઓફ્રામાં મૂકાયું. સર્વ ઇઝરાયલીઓએ પ્રભુનો ત્યાગ કર્યો અને એ એફોદની ઉપાસના કરવા ત્યાં જવા લાગ્યા. ગિદિયોન અને તેના કુટુંબ માટે એ ફાંદારૂપ થઈ પડયું. 28 આમ, મિદ્યાનીઓ ઇઝરાયલીઓને તાબે થયા અને ફરી તેમણે માથું ઊંચકાયું નહિ. ગિદિયોન મરણ પામ્યો ત્યાં સુધી દેશમાં ચાલીસ વર્ષ શાંતિ રહી. ગિદિયોનનું અવસાન 29 યોઆશનો પુત્ર યરૂબ્બઆલ એટલે ગિદિયોન પોતાને ઘેર ગયો અને ત્યાં રહ્યો. 30 તેને સિત્તેર પુત્રો હતા, કારણ, તેને ઘણી પત્નીઓ હતી. 31 તેને શખેમમાં પણ એક ઉપપત્ની હતી; તેનાથી પણ તેને એક પુત્ર થયો અને તેણે તેનું નામ અબિમેલેખ પાડયું. 32 યોઆશનો પુત્ર ગિદિયોન ઘણી પાકટ વયે મૃત્યુ પામ્યો અને અબિએઝેરના ગોત્રના નગર ઓફ્રામાં તેને તેના પિતા યોઆશની કબરમાં દફનાવવામાં આવ્યો. 33 ગિદિયોનના મરણ પછી ઇઝરાયલી લોકો ફરીથી ઈશ્વર પ્રત્યે બેવફા નીવડયા અને તેમણે બઆલની મૂર્તિઓની પૂજા કરી. તેમણે બઆલ-બરીથને (કરારનો દેવ) પોતાના દેવ તરીકે માન્યો. 34 તેમને તેમની આસપાસના સર્વ શત્રુઓથી છોડાવનાર તેમના ઈશ્વર પ્રભુની ઉપાસના કરી નહિ. 35 યરૂબ્બઆલ એટલે ગિદિયોને ઇઝરાયલના ભલા માટે કરેલાં કામોને લક્ષમાં લઈ તેમણે તેના કુટુંબ પ્રત્યે કૃતજ્ઞતા દાખવી નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide