Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 7 - પવિત્ર બાઇબલ C.L.


ગિદિયોને મિદ્યાનીઓને હરાવ્યા

1 એક દિવસે યરૂબ્બઆલ, એટલે ગિદિયોન તથા તેના માણસો વહેલી સવારે ઊઠયા અને હારોદના ઝરા પાસે છાવણી નાખી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વત પાસે તેમની ઉત્તર તરફ ખીણમાં હતી.

2 પ્રભુએ ગિદિયોનને કહ્યું, “મિદ્યાનીઓને તમારે સ્વાધીન કરી દેવા માટે તારી પાસેના માણસો વધારે પડતા છે. કદાચ, ઇઝરાયલીઓ મનમાં ફૂલાશ મારે કે તેમણે જાતે વિજય હાંસલ કર્યો છે અને એનો જરા પણ યશ મને ન આપે.

3 લોકોમાં જાહેરાત કર, ‘જે કોઈ ભયથી થરથરતો હોય તે ગિલ્યાદ પર્વત છોડીને પાછો જાય.” બાવીસ હજાર પાછા ગયા, પણ દસ હજાર રોકાયા.

4 પછી ગિદિયોને પ્રભુને કહ્યું, “હજી તારી પાસે ઘણા માણસો છે. તું તેમને જળાશય પાસે લઈ જા અને ત્યાં હું તારે માટે માણસોને અલગ તારવીશ. જે માણસના સંબંધી હું કહું કે તે તારી સાથે જાય તે જાય અને જે માણસના સંબંધી હું કહું કે તે તારી સાથે ન જાય તે ન જાય.”

5 ગિદિયોન તેના માણસોને જળાશયે લઈ ગયો, અને પ્રભુએ તેને કહ્યું, “કૂતરાની જેમ જીભથી લખલખાવીને પાણી પીનારા અને ધૂંટણિયે પડીને પાણી પીનારા એવા બન્‍ને પ્રકારના લોકોને જુદા પાડ.”

6 હાથના ખોબેખોબે પાણી લઈ લખલખાવીને પાણી પીનારા ત્રણસો માણસો હતા. બાકીના બીજા બધા ધૂંટણિયે પડીને પાણી પીનારા હતા.

7 પ્રભુએ ગિદિયોનને કહ્યું, “લખલખાવીને પાણી પીનારા આ ત્રણસો માણસો દ્વારા હું તમારો બચાવ કરીશ અને તમને મિદ્યાનીઓ પર જય પમાડીશ. બાકીના બીજા સૌને ઘેર જવા જણાવ.”

8 તેથી ગિદિયોને બાકીના સર્વ ઇઝરાયલીઓને ઘેર મોકલી આપ્યા, પણ પુરવઠો અને રણશિંગડાં રાખનારા માત્ર પેલા ત્રણસોને રાખ્યા. મિદ્યાનીઓની છાવણી તેમની નીચે ખીણમાં હતી.

9 તે રાત્રે પ્રભુએ ગિદિયોનને આદેશ આપ્યો, “ ઊઠ, જઈને તેમની છાવણી પર તૂટી પડ; હું તને તેના પર વિજય પમાડીશ.

10 પણ તું હુમલો કરતાં ગભરાતો હોય તો તારા નોકર પુરાને લઈને તે છાવણીમાં જા.

11 તેમની વાતો સાંભળીને તને હુમલો કરવાની હિંમત આવશે.” તેથી ગિદિયોન પોતાના નોકર પુરાને લઈને શત્રુની છાવણીના છેડે ગયો.

12 મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના લોકો તીડોનાં ટોળાંની જેમ ખીણમાં પડયા હતા. તેમની પાસે સમુદ્ર કિનારાની રેતીના રજકણોની જેમ સંખ્યાબંધ ઊંટો હતાં.

13 ગિદિયોન ત્યાં પહોંચ્યો તો તેણે એક માણસને તેના મિત્રને સ્વપ્ન કહેતો સાંભળ્યો. તે કહેતો હતો, “મારા સ્વપ્નમાં મેં જવની રોટલીના ટુકડાને ગબડીને આપણી છાવણી પર આવતો અને તેનાથી એક તંબુ પર પ્રહાર થતો જોયો. તંબુ તૂટી પડયો અને જમીનદોસ્ત થઈ ગયો.”

14 તેના મિત્રે જવાબ આપ્યો, “એ તો ઇઝરાયલીઓની, યોઆશના પુત્ર ગિદિયોનની તલવાર છે! એ વિના એનો બીજો કોઈ અર્થ હોઈ શકે નહિ. ઈશ્વરે તેને મિદ્યાનીઓ અને સમસ્ત સૈન્ય પર વિજય પમાડયો છે.”

15 પેલા માણસનું સ્વપ્ન તથા તેનો અર્થ સાંભળીને ગિદિયોને ધૂંટણે પડીને ઈશ્વરની આરાધના કરી. પછી ઇઝરાયલી છાવણીમાં પાછા જઈને તેણે કહ્યું, “ઊઠો, પ્રભુ તમને મિદ્યાનીઓના સૈન્ય પર વિજય આપે છે!”

16 તેણે એ ત્રણસો માણસોની ત્રણ ટુકડીઓ પાડી દીધી અને પ્રત્યેકને રણશિંગડું અને જેમાં દીવા મૂક્યા હોય તેવા ઘડા આપ્યા.

17 તેણે તેમને કહ્યું, “હું છાવણીને છેડે પહોંચું ત્યારે મારી તરફ જોતા રહેજો અને હું જેમ કરું તેમ કરજો.”

18 મારી ટુકડી અને હું અમે અમારાં રણશિંગડાં ફૂંકીએ ત્યારે તમે પણ તમારાં રણશિંગડાં છાવણી આસપાસ વગાડજો અને ‘પ્રભુ માટે તથા ગિદિયોન માટે’ એવો પોકાર પાડજો.

19 મધરાત પહેલાં પહેરો બદલાયો તે પછી થોડા જ સમય બાદ ગિદિયોન અને તેના સો માણસો છાવણીના છેડે આવી પહોંચ્યા. પછી તેમણે રણશિંગડાં વગાડયાં, અને પોતાના હાથમાંના ઘડા ફોડી નાખ્યા.

20 બીજી બે ટુકડીઓએ પણ તે જ પ્રમાણે કર્યું. તેઓ સૌએ તેમના ડાબા હાથમાં દીવા અને જમણા હાથમાં રણશિંગડાં રાખીને પોકાર કર્યો, “પ્રભુને માટે અને ગિદિયોનને માટે તલવાર!”

21 છાવણીની આસપાસ પ્રત્યેક જણ પોતાના સ્થાને ઊભો હતો, અને શત્રુનું સમસ્ત સૈન્ય બૂમ પાડતાં પાડતાં નાસભાગ કરવા લાગ્યું.

22 ગિદિયોનના માણસો તેમનાં ત્રણસો રણશિંગડાં વગાડી રહ્યા હતા ત્યારે પ્રભુએ શત્રુની ટુકડીઓને પોતાની તલવારો ચલાવી એકબીજા પર હુમલો કરતી કરી દીધી. તેઓ સારેથાન તરફ છેક બેથ-સિટ્ટા સુધી અને ત્યાંથી છેક ટાબ્બાથ નજીક આવેલા આબેલ-મહોલા નગર સુધી નાઠા.

23 ત્યારે નાફતાલી, આશેર અને મનાશ્શાના બન્‍ને પ્રદેશોમાં લોકોને બોલાવવામાં આવ્યા અને તેમણે આવીને મિદ્યાનીઓનો પીછો કર્યો.

24 ગિદિયોને એફ્રાઈમના આખા પહાડીપ્રદેશમાં સંદેશકો દ્વારા આવું કહેણ મોકલ્યું: ‘આવીને મિદ્યાનીઓ સામે યુદ્ધ કરો. છેક બેથ-બારા સુધી યર્દન નદી અને તેના વહેળાઓને આંતરીને મિદ્યાનીઓને નદી ઓળંગીને જતા રહેતા અટકાવો.” એફ્રાઈમના માણસોને એકઠા કરવામાં આવ્યા અને તેમણે છેક બેથ-બારા સુધી યર્દન નદી અને તેના વહેળાઓ ઓળંગવાના આરા આંતરી લીધા.

25 તેમણે મિદ્યાનીઓના બે સરદારો, ઓરેબ અને ઝએબને પકડયા. ઓરેબને તેમણે ઓરેબ ખડક આગળ અને ઝએબને ઝએબના દ્રાક્ષાકુંડ આગળ મારી નાખ્યા. તેમણે મિદ્યાનીઓનો પીછો કરવાનું ચાલુ રાખ્યું અને ઓરેબ અને ઝએબનાં મસ્તક ગિદિયોનની પાસે લાવ્યા. ગિદિયોન ત્યારે યર્દનની પૂર્વ તરફ હતો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan