ન્યાયાધીશો 6 - પવિત્ર બાઇબલ C.L.ગિદિયોન 1 ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું, તેથી તેમણે તેમને સાત વર્ષ સુધી મિદ્યાનીઓને તાબે કરી દીધા. 2 મિદ્યાનીઓના વધતા જતા જોરજુલમથી બચવા ઇઝરાયલીઓ પહાડોનાં કોતરો, ગુફાઓ અને ગઢોમાં સંતાઈ રહેતા. 3 જ્યારે જ્યારે ઇઝરાયલીઓ વાવણી કરે ત્યારે ત્યારે મિદ્યાનીઓ પોતાની સાથે અમાલેકીઓ અને અન્ય પૂર્વપ્રદેશની જાતિઓને લઈને ચડી આવતા અને તેમના પર હુમલો કરતા. 4 તેઓ દેશમાં પડાવ નાખતા અને દક્ષિણમાં છેક ગાઝાના વિસ્તાર સુધી પાકનો નાશ કરતા. તેઓ ઘેટાંબકરાં, ઢોરઢાંક અને ગધેડાં બધું લઈ જતા અને ઇઝરાયલીઓના જીવનનિર્વાહ માટે કશું બાકી રાખતા નહિ. 5 તેઓ પોતાનાં ઢોરઢાંક અને તંબુઓ સહિત તીડની જેમ ટોળાબંધ આવતા. તેમનાં ઊંટો અગણિત હતાં. તેઓ આવીને દેશને ખેદાનમેદાન કરી નાખતા. 6 મિદ્યાનીઓને લીધે ઇઝરાયલીઓ કંગાલાવસ્થામાં આવી પડયા. તેથી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો. 7 જ્યારે ઇઝરાયલી લોકોએ સહાય માટે પ્રભુને પોકાર કર્યો, 8 ત્યારે પ્રભુએ તેમની પાસે એક સંદેશવાહક મોકલ્યો; જે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પાસેથી તેમને માટે આવો સંદેશ લાવ્યો: “મેં તમને ઇજિપ્તમાંથી, ગુલામીના ઘરમાંથી કાઢી લાવીને બચાવ્યા. 9 મેં તમને ઇજિપ્તીઓ અને તમારા પર જુલમ કરનારાઓથી છોડાવ્યા. મેં આ દેશની જાતિઓને તમારી આગળથી હાંકી કાઢીને તેમનો પ્રદેશ આપ્યો. 10 મેં તમને જણાવ્યું હતું કે હું તમારો ઈશ્વર પ્રભુ છું અને જેમના દેશમાં તમે વસો છો એ અમોરીના દેવોની તમે ઉપાસના કરશો નહિ. પણ તમે મારું સાંભળ્યું નહિ.” 11 પછી પ્રભુનો દૂત ઓફ્રા ગામે આવ્યો અને અબીએઝેરના ગોત્રમાં યોઆશના મસ્તગીવૃક્ષ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે તે રીતે દ્રાક્ષાકુંડમાં ઘઉં ઝૂડતો હતો. 12 પ્રભુના દૂતે તેને ત્યાં દર્શન દઈને કહ્યું, “હે શૂરવીર યોદ્ધા, પ્રભુ તારી સાથે છે.” 13 ગિદિયોને તેને કહ્યું, “હે મહાશય, પ્રભુ અમારી સાથે છે તો અમારે માથે આ બધું કેમ આવી પડયું છે? અમારા પૂર્વજો અમને કહેતા તેમ પ્રભુ તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા ત્યારે તેમણે જે સર્વ અદ્ભુત કામો કર્યાં તે ક્યાં છે? પ્રભુએ અમને તરછોડી દીધા છે અને અમને મિદ્યાનીઓને સ્વાધીન કર્યા છે.” 14 ત્યારે પ્રભુએ તેને આદેશ આપ્યો, “તારા પૂરા બળમાં જા, અને મિદ્યાનીઓના હાથમાંથી ઇઝરાયલીઓને છોડાવી લે. હું પોતે તને મોકલું છું.” 15 ગિદિયોને જવાબ આપ્યો, “પણ પ્રભુ હું કેવી રીતે ઇઝરાયલને છોડાવું? મનાશ્શાના કુળમાં મારું ગોત્ર સૌથી નબળું છે અને મારા પિતાના કુટુંબમાં પણ હું વિસાત વિનાનો છું.” 16 પ્રભુએ જવાબ આપ્યો, “તું એમ કરી શકીશ; કારણ, હું તારી સાથે છું. એક માણસને મારતો હોય તેમ તું બહુ સહેલાઈથી મિદ્યાનીઓનો કચ્ચરઘાણ વાળી દઈશ.” 17 ગિદિયોને જવાબ આપ્યો, “જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો તમે પોતે પ્રભુ છો એની કોઈક સાબિતી આપો. 18 હું તમારે માટે અર્પણ લઈ આવું ત્યાં સુધી કૃપા કરી અહીંથી જતા નહિ.” 19 તેણે કહ્યું, “તું પાછો આવે ત્યાં સુધી હું રોકાઈશ.” તેથી ગિદિયોન પોતાના ઘરમાં ગયો અને એક લવારું રાંયું અને દસ કિલો લોટમાંથી ખમીરરહિત રોટલી બનાવી. તેણે માંસ એક ટોપલીમાં મૂકાયું અને એક વાસણમાં રસો લીધો. પછી મસ્તગીવૃક્ષ નીચે જઈને તેણે તે બધું પ્રભુના દૂતને અર્પ્યું. 20 પ્રભુના દૂતે તેને કહ્યું, “માંસ તથા રોટલી આ ખડક પર મૂક અને તેમના પર રસો રેડી દે.” ગિદિયોને તે પ્રમાણે કર્યું. 21 પછી પ્રભુના દૂતે પોતાના હાથમાંની લાકડી લંબાવીને તેના છેડાથી માંસ અને રોટલીને સ્પર્શ કર્યો. તરત જ ખડકમાંથી અગ્નિએ નીકળીને માંસ તથા રોટલીને ભસ્મ કરી દીધાં. પછી પ્રભુનો દૂત અદૃશ્ય થઈ ગયો. 22 ત્યારે ગિદિયોનને ખબર પડી કે તેણે પ્રભુના દૂતને સાક્ષાત્ જોયો હતો. તે બોલી ઊઠયો, “અરેરે, પ્રભુ પરમેશ્વર, મારું આવી બન્યું! કારણ, મેં તમારા દૂતને મોઢામોઢ જોયા છે.” 23 પણ પ્રભુએ તેને કહ્યું, “તને શાંતિ થાઓ. તું ગભરાઈશ નહિ. તું માર્યો જવાનો નથી.” 24 ગિદિયોને ત્યાં પ્રભુને માટે એક વેદી બાંધી અને તેનું નામ ‘યાહવે-શાલોમ’ (પ્રભુ જ શાંતિ) પાડયું. આજે પણ તે અબીએઝેર ગોત્રના ઓફ્રા ગામે ઊભી છે. 25 એ જ રાત્રે પ્રભુએ ગિદિયોનને કહ્યું, “તારા પિતાનો આખલો તેજ અન્ય સાત વર્ષની વયનો આખલો લે. બઆલ માટે બાંધેલી તારા પિતાની વેદી તોડી પાડ અને તેની બાજુમાં ઊભો કરેલો અશેરાદેવીનો સ્તંભ કાપી નાખ. 26 આ ટેકરા પર તારા ઈશ્વર પ્રભુને માટે નમૂના મુજબની વેદી બાંધ. પછી તે કાપી નાખેલા અશેરાદેવીના સ્તંભનો બળતણના લાકડાં તરીકે ઉપયોગ કરી પેલા બીજા આખલાનું બાંધેલી વેદી પર પૂર્ણ દહનબલિ ચડાવ.” 27 તેથી ગિદિયોને પોતાના નોકરોમાંથી દસને લીધા અને પ્રભુએ તેને કહ્યું હતું તે પ્રમાણે કર્યું. પોતાના કુટુંબ અને નગરના લોકોથી તે ખૂબ ગભરાતો હોવાથી તેણે તે કામ દિવસે નહિ કરતાં રાત્રે કર્યું. 28 બીજે દિવસે વહેલી સવારે નગરના લોકો ઊઠયા તો બઆલની વેદી તોડી પાડેલી હતી, અશેરાનો સ્તંભ કાપી નાખેલો હતો અને ત્યાં બાંધેલી વેદી પર બીજા આખલાનું દહન કરવામાં આવ્યું હતું. 29 તેઓ એકબીજાને પૂછવા લાગ્યા, “કોણે આ કર્યું?” તપાસ કરતાં તેમને ખબર પડી કે યોઆશના પુત્ર ગિદિયોને એ કામ કર્યું હતું. 30 પછી તેમણે યોઆશને કહ્યું, “તારા પુત્રને અહીં બહાર કાઢી લાવ કે અમે તેને મારી નાખીએ. તેણે બઆલની વેદી તોડી પાડી છે અને તેની બાજુમાંનો અશેરાનો સ્તંભ કાપી નાખ્યો છે.” 31 પણ યોઆશે પોતાની સામે ઊભેલા લોકોને કહ્યું, “તમે બઆલના પક્ષમાં દલીલ કરો છો? તમે તેનો બચાવ કરવા માગો છો? એના પક્ષે દલીલ કરનાર જે કોઈ હોય તેને આવતી કાલ સવાર પહેલાં મારી નાખવામાં આવશે. બઆલ દેવ હોય તો તે પોતાનો બચાવ કરે. એની વેદી તો તોડી પાડવામાં આવી છે.” 32 ત્યારથી ગિદિયોન યરૂબ્બઆલ (બઆલ હિમાયત કરે) તરીકે ઓળખાયો કારણ, યોઆશે કહ્યું, “બઆલ પોતે પોતાની હિમાયત કરે; વેદી તો એની તોડી પાડવામાં આવી છે.” 33 તે પછી મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના સર્વ લોકોએ ભેગા મળીને યર્દન ઓળંગી અને યિભએલની ખીણમાં પડાવ નાખ્યો. 34 પ્રભુના આત્માએ ગિદિયોનને પોતાના કબજામાં લીધો, એટલે તેણે રણશિંગડું ફૂંકીને અબીએઝેરના ગોત્રના માણસોને પોતાની પાછળ આવવા લલકાર કર્યો. 35 વળી, તેણે મનાશ્શાના બન્ને પ્રદેશમાં બધે સંદેશકો મોકલીને તેમને તેની પાછળ જવા અનુરોધ કર્યો. તેણે આશેર, ઝબુલૂન અને નાફતાલીનાં કુળો પાસે પણ સંદેશકો મોકલ્યા, અને તેઓ આવીને તેની સાથે જોડાયા. 36 પછી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમે કહો છો કે તમે મારા દ્વારા ઇઝરાયલનો બચાવ કરવાના છો. 37 તો હું અમારા અનાજના ખળામાં થોડું ઊન મૂકું છું. જો સવારે માત્ર ઊનમાં જ ઝાકળ હોય, પણ જમીન પર નહિ, તો હું જાણીશ કે તમે મારા દ્વારા ઇઝરાયલને છોડાવવાના છો.” 38 અને તે જ પ્રમાણે થયું. બીજે દિવસે વહેલી સવારે ગિદિયોને ઊનને નીચોવ્યું તો તેમાંથી પ્યાલાભર ઝાકળનું પાણી નીકળ્યું. 39 પછી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “મહેરબાની કરી મારા પર ગુસ્સે થશો નહિ. એક વધુ વાર મને કહેવા દો. ઊન વડે બીજી એક વધુ ક્સોટી મને કરવા દો. આ વખતે ઊન કોરું રહે અને ભૂમિ ભીની થાય.” 40 તે રાત્રે ઈશ્વરે એવું જ કર્યું. બીજી સવારે ઊન કોરું હતું, પણ ભૂમિ તો ઝાકળથી ભીની થયેલી હતી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide