Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 5 - પવિત્ર બાઇબલ C.L.


દબોરા અને બારાકનું ગીત

1 તે દિવસે દબોરા અને અબિનોઆમના પુત્ર બારાકે આ ગીત ગાયું:

2 ઇઝરાયલી યોદ્ધાઓ લડી લેવાને કૃતનિશ્ર્વયી હતા. લોકો સ્વેચ્છાપૂર્વક લડાઈમાં સામેલ થયા. પ્રભુની સ્તુતિ થાઓ!

3 હે રાજાઓ સાંભળો! હે શાસકો, લક્ષ આપો! હું પ્રભુ સમક્ષ ગીત ગાઈશ, હું ઇઝરાયલના ઈશ્વર પ્રભુ માટે સંગીતના સૂર વગાડીશ.

4 હે પ્રભુ, તમે જ્યારે સેઈરના પર્વતોમાંથી આવ્યા, અને જ્યારે અદોમના પ્રદેશમાંથી નીકળી આવ્યા, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી વરસાદ તૂટી પડયો; વાદળાંમાંથી મુશળધાર વરસાદ વરસ્યો.

5 સિનાઈના પ્રભુ સમક્ષ, હા, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સમક્ષ પર્વતો કંપ્યા.

6 આનાથના પુત્ર શામ્ગારના સમયમાં, અને યાએલના સમયમાં વણઝારો દેશમાં થઈને જતી નહિ, અને મુસાફરો આડાઅવળા માર્ગે થઈને જતા.

7 હે દબોરા, તારો ઉદય થયો તે પહેલાં, તું ઇઝરાયલની માતા સમી જાહેર થઈ તે પહેલાં ઇઝરાયલનાં નગરો ઉજ્જડ પડયાં હતાં. એ ખાલીખમ ઊભાં હતાં.

8 ઇઝરાયલીઓએ નવા દેવો પસંદ કર્યા ત્યારે નગરોના દરવાજાઓ આગળ યુદ્ધ ખેલાતાં હતાં. તે વખતે ઇઝરાયલના ચાલીસ હજાર લોકોમાંથી કોઈનીય પાસે ઢાલ કે બરછી દેખાતી હતી?

9 ઇઝરાયલના સેનાધિકારીઓ પર, સ્વેચ્છાપૂર્વક લડાઈમાં જોડાયેલા લોકો પર મારું દિલ લાગ્યું છે. પ્રભુની સ્તુતિ હો!

10 સફેદ ગધેડા પર સવારી કરનારાઓ, સવારી કરતાં કિંમતી જીન પર બેસનારાઓ, તેમ જ હમેશાં પગપાળા જ ચાલનારાઓ, તમે સૌ એ વિજયની વાતો કરો.

11 જળાશયો આગળ બેસીને લૂંટ વહેંચી લેનારાઓનો અવાજ સાંભળો! તેઓ પ્રભુના વિજયોનું, ઇઝરાયલના લોકોના વિજયોનું રટણ કરે છે. પછી પ્રભુના લોક તેમના નગરના દરવાજા તરફ કૂચ કરી જાય છે.

12 જાગ! દબોરા, જાગ! જાગ, જાગીને ગીત ગાવા માંડ. અબિનોઆમના પુત્ર, ઊઠ, ઊભો થા! તારા બંદીવાનોને દોરી જા!

13 ત્યારે તો જેઓ વફાદાર છે તેઓ તેમના આગેવાનો પાસે આવ્યા. પ્રભુના લોક લડાઈ માટે તૈયાર થઈને તેમની પાસે આવ્યા.

14 અમાલેકમાં જેમની જડ હોય એવા કેટલાક એફ્રાઈમમાંથી આવ્યા. તારી પાછળ બિન્યામીનના કુળના લોકોની હરોળ હતી. માખીરમાંથી સેનાધિપતિઓ આવ્યા, ઝબુલૂનમાંથી અમલદારો આવ્યા.

15 ઇસ્સાખારના આગેવાનો દબોરા સાથે આવ્યા; ઇસ્સાખારના કુળના લોકો આવ્યા, અને બારાક પણ આવ્યો. તેઓ તેની પાછળ ખીણમાં ગયા. પણ રૂબેનના કુળમાં ભારે મનોમંથન થયું અને તેઓ આવવાનો નિર્ણય કરી શક્યા નહિ.

16 તમે ઘેટાંની પાછળ કેમ ફરતા રહ્યા? ઘેટાંપાળકો ટોળાંને સીટી વગાડી બોલાવે તે સાંભળવા? સાચે જ રૂબેનના કુળમાં ભારે મનોમંથન થયું અને તેઓ આવવાનો નિર્ણય કરી શક્યા નહિ.

17 ગિલ્યાદના લોકો યર્દનની પૂર્વમાં રહ્યા અને દાનનું કુળ વહાણો પાસે જ રહ્યું. આશેરનું કુળ દરિયાકિનારે રહ્યું; તેઓ કિનારાના પ્રદેશમાં જ રહ્યા.

18 પણ ઝબૂલૂનના લોકો જીવને સાટે ઝઝૂમ્યા; તો નાફતાલીના લોકોએ પણ રણમેદાનમાં ઉચ્ચસ્થાનોમાં ઝુકાવ્યું.

19 મગિદ્દોના ઝરણા પાસે તાઅનાખ આગળ રાજાઓ આવ્યા અને લડયા. કનાનના રાજાઓ લડયા. પણ તેઓ કંઈ રૂપું લૂંટી ગયા નહિ.

20 આકાશમાંથી તારાઓ લડયા, હા, પોતાની કક્ષામાં ધૂમતા તારાઓ સીસરા વિરુદ્ધ લડયા.

21 કિશોનના પૂરે, ધસમસતી કિશોન નદીના પૂરમાં તેઓ તણાઈ ગયા. હું આગળ ધપીશ; મારી પૂરી શક્તિથી આગળ ધપીશ.

22 પછી તબડક તબડક કરતા ઘોડા, પોતાની ખરીઓથી જમીનને ખૂંદતા ઘોડા આવ્યા.

23 પ્રભુના દૂતે કહ્યું, “મેરોઝને શાપ દો. તેના રહેવાસીઓને શાપ પર શાપ દો. તેઓ પ્રભુના પક્ષમાં, તેમને માટે તેમના સૈનિકો તરીકે લડવાને આવ્યા નહિ.”

24 બધી સ્ત્રીઓમાં હેબેર કેનીની પત્ની યાએલ વિશેષ આશીર્વાદિત છે. તંબુઓમાં રહેતી બધી સ્ત્રીઓમાં તે વિશેષ આશીર્વાદિત છે.

25 સીસરાએ તેની પાસે પાણી માગ્યું, પણ તેણે તેને દૂધ પાયું; સુંદર કટોરામાં તે તેને માટે દહીં લાવી.

26 તેણે એક હાથમાં તંબુની મેખ લીધી, તો બીજા હાથમાં કારીગરનો હથોડો લીધો; તેણે સીસરા પર ઘા કર્યો અને તેની ખોપરી કચડી નાખી; તેણે તેના માથાને આરપાર વીંધી નાખ્યું.

27 તે તેના પગ આગળ ઢળી પડયો, તે પડયો તેવો જ મરી ગયો; તે તેના પગ આગળ ઢળી પડયો, જ્યાં પડયો ત્યાં જ મરી ગયો.

28 સીસરાની માતા બારીમાંથી ડોકિયું કરે છે. તે જાળીવાળી બારી પાછળથી બૂમ પાડે છે. તેણે પૂછયું, “તેના રથને આવતાં કેમ વિલંબ થાય છે? તેના રથોનો ગડગડાટ સાંભળવામાં વિલંબ કેમ થાય છે?”

29 તેની શાણી દાસીઓએ તેને જવાબ આપ્યો; બલ્કે તે પોતેય મનમાં કહી રહી છે:

30 “તેઓ લૂંટ એકઠી કરવા અને વહેંચી લેવા રોકાયા હશે. દરેક સૈનિકને ભાગે એક કે બબ્બે કન્યા આવી હશે; સીસરા માટે રંગીન અને ભરતકામવાળાં વસ્ત્રોની લૂંટ મળી હશે! રાણીના ગળા માટે ભરતકામ કરેલા એક બે દુપટ્ટા મળ્યા હશે!”

31 હે પ્રભુ, તમારા સર્વ શત્રુઓ એ જ રીતે માર્યા જાય, પણ તમારા ભક્તો ઊગતા સૂર્યની જેમ પ્રકાશતા જાઓ! પછી દેશમાં ચાલીસ વર્ષ સુધી શાંતિ રહી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan