ન્યાયાધીશો 4 - પવિત્ર બાઇબલ C.L.દબોરા અને બારાક 1 એહૂદના અવસાન પછી ઇઝરાયલી લોકોએ પ્રભુની દૃષ્ટિમાં ફરીથી દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. 2 તેથી પ્રભુએ તેમને હાસોર નગરમાં રાજ કરતા કનાની રાજા યાબીનને સ્વાધીન કરી દીધા. એનો સેનાપતિ વિદેશીઓના હરોશેથનો રહેવાસી સીસરા હતો. 3 યાબીન પાસે લોખંડના નવસો રથ હતા અને તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલ પર ભારે જુલમ ગુજાર્યો. પછી ઇઝરાયલી લોકોએ સહાયને માટે પ્રભુને પોકાર કર્યો. 4 હવે લાપીદોથની પત્ની દબોરા એક સંદેશવાહિકા હતી અને તે સમયે તે ઇઝરાયલીઓની ન્યાયાધીશ હતી. 5 એફ્રાઈમના પહાડીપ્રદેશમાં રામા અને બેથેલની વચ્ચે ‘દબોરાની ખજૂરી’ તરીકે ઓળખાતા વૃક્ષ નીચે તે બેસતી અને ઇઝરાયલી લોકો તેની પાસે ત્યાં ચુકાદા માટે જતા. 6 એક દિવસે તેણે નાફતાલીના કુળપ્રદેશમાં આવેલા કેદેશ નગરમાંથી અબિનોઆમના પુત્ર બારાકને બોલાવડાવીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ તને આવી આજ્ઞા ફરમાવી છે: “નાફતાલી અને ઝબુલૂનનાં કુળોમાંથી દસ હજાર માણસોને તારી સાથે લઈને તાબોર પર્વત જા. 7 હું યાબીનના સેનાપતિ સીસરાને તારી સામે લડવા કિશોન નદી આગળ લાવીશ. તેની પાસે તેના રથો અને સૈન્ય હશે, પણ હું તને તેના પર વિજય પમાડીશ.” 8 બારાકે જવાબ આપ્યો, “જો તમે મારી સાથે આવો તો જ હું જઉં; પણ તમે ન આવો, તો હું જવાનો નથી.” 9 દબોરાએ કહ્યું, “ભલે, હું તારી સાથે આવીશ, પણ તને વિજયનો જરાયે જશ મળશે નહિ; કારણ, પ્રભુ એક સ્ત્રીના હાથમાં સીસરાને સોંપી દેશે.” આમ દબોરા બારાક સાથે કેદેશ જવા ઊપડી. 10 બારાકે ઝબુલૂન અને નાફતાલીનાં કુળોને કેદેશમાં બોલાવ્યા અને તેની આગેવાની નીચે દસ હજાર માણસો ગયા. દબોરા પણ તેની સાથે ગઈ. 11 દરમ્યાનમાં, હેબેર કેનીએ કેદેશની નજીક સાઅનાન્નીમાં આવેલા એલોનવૃક્ષ નીચે પોતાનો તંબુ માર્યો. આમ, તે અન્ય કેનીઓ એટલે મોશેના સાળા હોબાબના વંશજોથી દૂર જતો રહ્યો. 12 સીસરાને ખબર મળી કે અબિનોઆમના પુત્ર બારાકે તાબોર પર્વત પર પડાવ નાખ્યો છે. 13 તેથી તેણે પોતાના નવસો લોખંડના રથો તથા પોતાના માણસોને બોલાવી મંગાવીને તેમને વિદેશીઓના હરોશેથથી કિશોન નદીએ મોકલ્યા. 14 પછી દબોરાએ બારાકને કહ્યું, “જા, પ્રભુ તારા અગ્રેસર બન્યા છે. આજે તે સીસરાને તારે સ્વાધીન કરી દેશે.” તેથી બારાક અને તેની સરદારી હેઠળ દસ હજાર માણસો તાબોર પર્વત પરથી નીચે ઊતર્યા. 15 બારાકનો ધસારો થતાં જ પ્રભુએ સીસરાને તથા તેના સર્વ રથો સહિતના સૈન્યમાં આતંક ફેલાવી દીધો. સીસરા પોતાના રથમાંથી ઊતરી પડયો અને દોડતો દોડતો નાસી છૂટયો. 16 બારાકે છેક વિદેશીઓના હરોશેથ સુધી રથો તેમજ સૈન્યનો પીછો કર્યો અને સીસરાના આખા સૈન્યનો સંહાર થયો; એકેય બચ્યો નહિ. 17 સીસરા દોડતાં દોડતાં હેબેર કેનીની પત્ની યાએલના તંબુએ નાસી ગયો; કારણ, હાસોરના રાજા યાબીન અને હેબેરના કુટુંબ વચ્ચે સલાહસંપ હતો. 18 યાએલ સીસરાને મળવા બહાર ગઈ અને તેણે તેને કહ્યું, “મહાશય, મારા તંબુમાં આવો, ગભરાશો નહિ.” તેથી તે અંદર ગયો અને તેણે તેને એક ધાબળા વડે ઢાંકી દીધો. 19 તેણે તેને કહ્યું, “મહેરબાની કરી મને થોડું પાણી પીવડાવ; કારણ, મને તરસ લાગી છે.” તેણે ચામડાની મશકમાંથી તેને દૂધ પાયું અને ફરી પાછો સંતાડી દીધો. 20 પછી તેણે તેને કહ્યું, “તંબુના પ્રવેશદ્વાર આગળ ઊભી રહે, અને કોઈ આવીને પૂછે કે, ‘અહીં કોઈ છે?’ તો ના પાડજે.” 21 સીસરા એટલો થાકી ગયો હતો કે તે ઘસઘસાટ ઊંઘી ગયો. પછી યાએલ એક હથોડો અને તંબુનો ખીલો લઈને ચૂપકીદીથી તેની પાસે ગઈ અને ખીલો તેની ખોપરીની આરપાર જમીન સુધી ઠોકી દીધો, એટલે તે મરી ગયો. 22 જ્યારે બારાક સીસરાને શોધતો શોધતો આવ્યો ત્યારે યાએલ તેને મળવાને બહાર ગઈ અને તેને કહ્યું, “અંદર આવો, જેને તમે શોધો છો તે માણસ હું તમને બતાવીશ.” તેથી તે તેની સાથે અંદર તંબુમાં ગયો તો સીસરા જમીન પર મરેલો પડયો હતો અને તંબુનો ખીલો તેની ખોપરીની આરપાર ઠોકેલો હતો. 23 એ દિવસે પ્રભુએ કનાની રાજા યાબીન પર ઇઝરાયલીઓને વિજય પમાડયો. 24 ઇઝરાયલીઓ યાબીન વિરુદ્ધ વધુ ને વધુ પ્રબળ થતા ગયા અને છેવટે તેમણે તેનો નાશ કર્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide