ન્યાયાધીશો 3 - પવિત્ર બાઇબલ C.L.દેશમાં બાકી રહેલી અન્ય પ્રજાઓ 1 કનાન દેશની લડાઈઓનો જેમને અનુભવ થયો નહોતો તેવા ઇઝરાયલીઓની ક્સોટી કરવા માટે પ્રભુએ દેશમાં કેટલીક અન્ય પ્રજાઓને યથાવત્ રહેવા દીધી. 2 ઇઝરાયલીઓની પ્રત્યેક પેઢીના લોકો અને તેમાંય વિશેષે કરીને જેઓ પહેલાં ક્યારેય યુદ્ધમાં ગયા ન હોય તેમને તેમણે લડાઈનો અનુભવ આપવા માટે એ પ્રજાઓને રહેવા દીધી. 3 દેશમાં બાકી રહેલી પ્રજાઓમાં પલિસ્તીઓનાં પાંચ નગરોના લોકો, કનાનીઓ, સિદોનીઓ અને બઆલ- હેર્મોન પર્વતથી છેક હમાથના ઘાટ સુધી લબાનોનના પર્વતપ્રદેશમાં રહેતા હિવ્વીઓ હતા. 4 પ્રભુએ મોશે દ્વારા ઇઝરાયલીઓના પૂર્વજોને આપેલી આજ્ઞાઓનું ઇઝરાયલીઓ પાલન કરશે કે નહિ તે જાણવા તેમની ક્સોટી કરવા માટે એ પ્રજાઓ હતી. 5 એ રીતે ઇઝરાયલી લોકો કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓમાં વસ્યા. 6 તેમણે તેમની સાથે લગ્નસંબંધો બાંયા અને તેમના દેવોની પૂજા કરી. ઓથ્નીએલ 7 ઇઝરાયલીઓએ પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું; તેઓ તેમના ઈશ્વર પ્રભુને વીસરી ગયા અને બઆલ તથા અશેરાની મૂર્તિઓની પૂજા કરી. 8 તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેમણે તેમને મેસોપોટેમિયાના રાજા કૂશાન-રિશઆથાઈમને સ્વાધીન કરી દીધા, અને તેઓ આઠ વર્ષ સુધી તેના તાબામાં રહ્યા. 9 પછી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમને મુક્ત કરવાને પ્રભુએ એક માણસ ઊભો કર્યો. એ માણસ તો કાલેબના નાના ભાઈ કનાઝનો પુત્ર ઓથ્નીએલ હતો. 10 તેના પર પ્રભુનો આત્મા આવ્યો અને તે ઇઝરાયલનો ન્યાયાધીશ બન્યો. ઓથ્નીએલ લડાઈ કરવા ગયો. પ્રભુએ તેને મેસોપોટેમિયાના રાજા પર વિજય પમાડયો. 11 દેશમાં ચાલીસ વર્ષ સુધી શાંતિ રહી. પછી કનાઝનો પુત્ર ઓથ્નીએલ મૃત્યુ પામ્યો. એહૂદ 12 ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. ઇઝરાયલીઓના દુરાચરણને લીધે પ્રભુએ ઇઝરાયલ કરતાં મોઆબના રાજા એગ્લોનને વધુ સબળ કર્યો. 13 એગ્લોને આમ્મોની અને અમાલેકીઓનો સાથ મેળવીને ઇઝરાયલીઓ પર ચડાઈ કરીને ખજૂરીઓનું નગર યરીખો જીતી લીધું. 14 અઢાર વર્ષ સુધી ઇઝરાયલીઓ એગ્લોનના તાબામાં રહ્યા. 15 પછી ઇઝરાયલીઓએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમણે તેમને છોડાવવા એક માણસને ઊભો કર્યો. એ તો બિન્યામીનના કુળના ગેરાનો પુત્ર એહૂદ હતો; તે ડાબોડી હતો. ઇઝરાયલના લોકોએ એહૂદને ભેટસોગાદો સાથે મોઆબના રાજા એગ્લોન પાસે મોકલ્યો. 16 એહૂદે પોતાને માટે લગભગ દોઢ ફૂટ લાંબી એવી એક બેધારી તલવાર બનાવી. તેણે તેને પોતાની જમણી બાજુએ વસ્ત્રોની નીચે બાંધી લીધી હતી. 17 પછી તેણે એગ્લોન માટે ભેટસોગાદો લીધી. એગ્લોન તો બહુ જાડો હતો. 18 એહૂદે તેને ભેટસોગાદ આપ્યા પછી તરત જ એ ભેટસોગાદ ઊંચકનારા માણસોને પાછા ઘેર જવા કહ્યું. 19 પણ એહૂદ પોતે તો ગિલ્ગાલમાં પથ્થરોમાં કંડારેલી મૂર્તિઓના સ્થળેથી એગ્લોન પાસે પાછો ફર્યો. તેણે તેને કહ્યું, “મહારાજા, મારે તમને એક ગુપ્ત સંદેશ કહેવો છે.” તેથી રાજાએ તેની તહેનાતમાં સેવા કરનારા સૌને કહ્યું, “અમને એકાંત આપો.” તેથી તેઓ સૌ બહાર ચાલ્યા ગયા. 20 રાજા ઉપલે માળે ઠંડકવાળી ઓરડીમાં બેઠો હતો ત્યારે એહૂદે તેની પાસે જઈને કહ્યું, “મારી પાસે તમારે માટે ઈશ્વર તરફથી સંદેશો છે.” તેથી રાજા ઊભો થયો. 21 એહૂદે પોતાનો ડાબો હાથ લંબાવીને પોતાની જમણી બાજુમાંથી તલવાર કાઢી રાજાના પેટમાં ભોંકી દીધી. 22 આખી તલવાર તેના હાથા સાથે ધૂસી ગઈ અને તેના પર ચરબી ફરી વળી. એહૂદે રાજાના પેટમાંથી તેને ખેંચી કાઢી નહિ. તલવાર પછવાડે ફૂટી નીકળી હતી. 23 પછી એહૂદ બહાર પરસાળમાં જતો રહ્યો અને પોતાની પાછળ ઓરડીનાં બારણાં બંધ કરી દઈ તેના પર કળ ચડાવી દીધી. 24 પછી એહૂદ ચાલ્યો ગયો. રાજાના નોકરોએ આવીને જોયું તો બારણા પર કળ ચડાવી દીધેલી હતી; પણ તેમણે ધાર્યું કે રાજા ઠંડકવાળી ઓરડીમાં હાજતે ગયા હશે. 25 તેમણે તેની લાંબો સમય રાહ જોઈ, એટલે સુધી કે તેઓ અકળાઈ ગયા; પણ તેણે તે ઓરડીનું બારણું ખોલ્યું નહિ. છેવટે તેમણે ચાવી લઈને બારણું ખોલી નાખ્યું, તો ત્યાં તેમનો માલિક ભોંય પર મરેલો પડયો હતો. 26 તેઓ રાહ જોતા હતા એવામાં એહૂદ દૂર નીકળી ગયો. તે પથ્થરોમાં કંડારેલી મૂર્તિઓનું સ્થળ વટાવીને સેઈરા સુધી પહોંચી ગયો. 27 એફ્રાઈમના પહાડી- પ્રદેશમાં તે આવી પહોંચ્યો એટલે ઇઝરાયલીઓને લડાઈમાં જવાની હાકલ પાડતાં તેણે રણશિંગડું વગાડયું; પછી તે તેમને લઈને પહાડીપ્રદેશમાંથી નીચે આવ્યો. 28 તેણે તેમને કહ્યું, “મારી પાછળ આવો! પ્રભુએ તમને તમારા શત્રુ મોઆબીઓ પર વિજય પમાડયો છે. તેથી તેઓ એહૂદની પાછળ પાછળ ગયા, અને મોઆબીઓ નદી ઓળંગીને આવે એવા યર્દનના બધા આરા કબજે કરી લીધા અને કોઈને નદી પાર ઊતરવા દીધો નહિ.” 29 તે દિવસે તેમણે સશક્ત અને શૂરવીર એવા દસ હજાર મોઆબી સૈનિકોનો સંહાર કર્યો; એકેયને છટકી જવા દીધો નહિ. 30 એ દિવસે ઇઝરાયલીઓએ મોઆબીઓને હરાવ્યા, અને એંસી વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. શામ્ગાર 31 તે પછીનો ન્યાયાધીશ આનાથનો પુત્ર શામ્ગાર હતો. તેણે એક પરોણીથી છસો પલિસ્તીઓને મારી નાખીને ઇઝરાયલનો બચાવ કર્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide