Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 21 - પવિત્ર બાઇબલ C.L.


બિન્યામીનીઓ માટે સ્ત્રીઓનો પ્રશ્ર્ન

1 ઇઝરાયલીઓ મિસ્પામાં એકત્ર થયા હતા ત્યારે તેમણે આવા સોગન ખાધા હતા: “આપણામાંથી કોઈપણ પોતાની પુત્રીનાં લગ્ન કોઈ બિન્યામીની સાથે થવા દેશે નહિ.”

2 તેથી હવે ઇઝરાયલી લોકો બેથેલમાં જઈને સાંજ સુધી પ્રભુની સમક્ષ બેઠા. તેમણે મોટે સાદે કરુણ આક્રંદ કર્યું.

3 “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, આવું શા માટે બન્યું? ઇઝરાયલમાંથી બિન્યામીનનું કુળ નાબૂદ થઈ જવામાં છે.”

4 બીજે દિવસે લોકો વહેલી સવારે ઊઠયા અને ત્યાં એક વેદી બાંધી. તેમણે સંગતબલિ તથા પૂર્ણ દહનબલિ ચડાવ્યા.

5 તેમણે તપાસ કરતાં કહ્યું, “ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી કોઈ એવું છે કે જે મિસ્પામાં પ્રભુ સમક્ષની સભામાં હાજર રહ્યું નહોતું?” (મિસ્પામાં આવે નહિ તેમને મારી નાખવાના તેમણે સોગન ખાધા હતા.)

6 ઇઝરાયલીઓ તેમના ભાઈઓ બિન્યામીનના લોકો માટે બહુ દુ:ખી થયા. તેમણે કહ્યું, “આજે ઇઝરાયલનું એક કુળ નાબૂદ થઈ જાય છે.

7 બિન્યામીનના બચી ગયેલા લોકો માટે આપણે પત્નીઓ ક્યાંથી લાવી આપીશું? આપણે કોઈ પોતાની પુત્રીનું તેમની સાથે લગ્ન નહિ કરાવીએ એવા સોગન આપણે પ્રભુ સમક્ષ ખાધા હતા.”

8 ઇઝરાયલનાં કુળોમાંથી મિસ્પામાં પ્રભુ સમક્ષની સભા માટે છાવણીમાં ન ગયું હોય એવું કોઈ છે કે કેમ તેની તેમણે તપાસ કરી તો માલૂમ પડયું કે યાબેશ-ગિલ્યાદમાંથી ત્યાં કોઈ આવ્યું નહોતું;

9 સૈન્યની ગણતરી કરવામાં આવી ત્યારે યાબેશ-ગિલ્યાદમાંથી કોઈ કહેતાં કોઈ નહોતું.

10 તેથી સભાએ તેમનામાંથી બાર હજાર શૂરવીરોને આવો આદેશ આપ્યો, “જાઓ, યાબેશ-ગિલ્યાદ જઈને સ્ત્રીઓ અને બાળકો સહિત સૌનો સંહાર કરો.

11 સર્વપુરુષો અને જેમણે પુરુષ સંગ કર્યો હોય એવી સર્વ સ્ત્રીઓને મારી નાખો.”

12 યાબેશ-ગિલ્યાદમાંથી તેમને ચારસો જુવાન કુંવારિકાઓ મળી આવી, તેથી તેઓ તેમને કનાન દેશમાં આવેલા શીલોમાં લઈ આવ્યા.

13 પછી આખી સભાએ ‘રિમ્મોન ખડક’માં રહેલા બિન્યામીનીઓને સલાહશાંતિ માટે સંદેશો મોકલ્યો.

14 બિન્યામીનીઓ પાછા ફર્યા અને તેમના સાથી ઇઝરાયલીઓએ યાબેશ-ગિલ્યાદમાં જીવતી રહેવા દીધેલી કન્યાઓ તેમને આપી. પણ એટલી કન્યાઓ તેમને માટે પૂરતી નહોતી.

15 લોકો બિન્યામીનીઓને લીધે દુ:ખી થયા; કારણ, પ્રભુએ ઇઝરાયલનાં કુળોની એક્તા તોડી નાખી હતી.

16 તેથી સભાના આગેવાનોએ કહ્યું, “બિન્યામીનના કુળના બચી ગયેલા લોકો માટે આપણે ક્યાંથી પત્નીઓ પૂરી પાડીએ? કારણ, બિન્યામીનની સ્ત્રીઓનો તો નાશ થઈ ગયો છે.

17 ઇઝરાયલમાંથી એક કુળ નાબૂદ તો ન જ થવું જોઈએ. બિન્યામીનના કુળનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે કોઈ રસ્તો કાઢવો જોઈએ.

18 આપણે તો પોતાની પુત્રીઓનાં લગ્ન તેમની સાથે કરાવી શક્તા નથી. કારણ, આપણામાંથી કોઈ પોતાની પુત્રીનાં લગ્ન કોઈ બિન્યામીની સાથે કરાવે તો તેવી વ્યક્તિ માટે આપણે શાપ ઉચ્ચાર્યો છે.”

19 પછી તેમણે વિચાર કર્યો, “હવે નજીકના સમયમાં જ શીલોમાં પ્રભુનું વાર્ષિક પર્વ આવી રહ્યું છે.” (શીલો તો બેથેલની ઉત્તરે, લબાનોનની દક્ષિણે અને બેથેલ તથા શખેમ વચ્ચેના રસ્તાની પૂર્વ તરફ આવેલું છે.

20 તેમણે બિન્યામીનીઓને કહ્યું, “તમે જઈને દ્રાક્ષવાડીઓમાં સંતાઈ રહેજો,

21 અને ધ્યાન રાખતા રહેજો. પર્વ દરમ્યાન શીલોની કન્યાઓ નૃત્ય કરવા બહાર આવે ત્યારે તમે દ્રાક્ષવાડીઓમાંથી બહાર નીકળી આવજો. તમારામાંથી પ્રત્યેક જણ એ કન્યાઓમાંથી તમારે માટે બિન્યામીનના પ્રદેશમાં લઈ જજો.”

22 તેમના પિતાઓ કે ભાઈઓ આવીને વિરોધ કરે તો તમે તેમને આમ કહેજો, “મહેરબાની કરીને તમે અમને એ કન્યાઓને રાખવા દો. અમે કંઈ યુદ્ધમાં તેમને ઉપાડી લાવ્યા નથી. તમે અમને એ કન્યાઓ આપી નથી એટલે, તમારા પર તમારા સોગનનો ભંગ થવાનો પણ દોષ રહેતો નથી.”

23 બિન્યામીનીઓએ એ જ પ્રમાણે કર્યું. એટલે, પોતે જેટલા હતા તેટલી સંખ્યામાં તેમની કન્યાઓનું અપહરણ કરી લઈ ગયા. પછી તેઓ પોતાના કુળપ્રદેશમાં ગયા, તેમનાં નગરો ફરી બાંધ્યાં, અને ત્યાં રહ્યાં.

24 વળી, બાકીના ઇઝરાયલીઓ પણ પોતાના કુળમાં, પોતાના ગોત્રમાં અને પોતાના વતનમાં પાછા ગયા.

25 એ સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. દરેક જણ પોતાની દૃષ્ટિએ યોગ્ય લાગે તેમ કરતો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan