ન્યાયાધીશો 2 - પવિત્ર બાઇબલ C.L.બોખીમમાં પ્રભુનો દૂત 1 પ્રભુનો દૂત ગિલ્ગાલમાંથી બોખીમમાં આવ્યો. તેણે ઇઝરાયલીઓને કહ્યું, “હું તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો, અને તમારા પૂર્વજોને મેં સમપૂર્વક આપેલા વચન પ્રમાણેના દેશમાં હું તમને લાવ્યો છું. મેં કહ્યું, ‘તમારી સાથેનો મારો કરાર હું કદી રદ કરીશ નહિ. 2 તમારે આ દેશના રહેવાસીઓ સાથે કોઈ જાતનો કરાર કરવો નહિ. તમારે તેમની વેદીઓ તોડી નાખવી.’ પણ તમે મારા કહ્યા પ્રમાણે કર્યું નથી. તમે શા માટે એવું કર્યું? 3 તેથી હવે હું એમ કહું છું કે તમારી આગળથી હું આ લોકોને હાંકી કાઢીશ નહિ. તેઓ તમારા શત્રુઓ બની રહેશે અને તમે તેમના દેવોની પૂજાના ફાંદામાં સપડાઈ જશો.” 4 પ્રભુના દૂતે એ વાત કહી ત્યારે સર્વ ઇઝરાયલી લોકો પોક મૂકીને રડવા લાગ્યા. 5 તેથી એ સ્થળનું નામ બોખીમ (રડનારા) પડયું. ત્યાં તેમણે પ્રભુને બલિદાનો ચડાવ્યાં. યહોશુઆનું અવસાન 6 યહોશુઆએ ઇઝરાયલીઓને વિદાય કર્યા અને સૌ કોઈ દેશમાં પોતાના હિસ્સાના પ્રદેશનો કબજો મેળવવા ગયા. 7 યહોશુઆ જીવ્યો ત્યાં સુધી ઇઝરાયલના લોકોએ પ્રભુની સેવાભક્તિ કરી, અને તેના અવસાન પછી પણ, પ્રભુએ ઇઝરાયલ માટે કરેલાં સર્વ મહાન કાર્યો જોનારા આગેવાનો જીવ્યા ત્યાં સુધી એમની સેવાભક્તિ ચાલુ રાખી. 8 પ્રભુનો સેવક, નૂનનો પુત્ર યહોશુઆ એક્સો દસ વર્ષનો થઈને અવસાન પામ્યો. 9 તેને ગાઆશ પર્વતની ઉત્તરે એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવેલા તિમ્નાથ-સેરામાં તેના પોતાના હિસ્સાની ભૂમિમાં દફનાવવામાં આવ્યો. 10 એ આખી પેઢીના લોક અવસાન પામી પોતાના પૂર્વજો સાથે મળી ગયા અને તેમના પછી એક નવી પેઢી ઊભી થઈ જે પ્રભુને તથા તેમણે ઇઝરાયલ માટે કરેલાં કાર્યોને જાણતી નહોતી. ઇઝરાયલીઓ પ્રભુની સેવાભક્તિ પડતી મૂકે છે 11 હવે ઇઝરાયલી લોકોએ પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું અને તેમણે બઆલ દેવોની સેવા કરી. 12 તેમણે તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવનાર તેમના પૂર્વજોના ઈશ્વરનો ત્યાગ કર્યો અને અન્ય દેવો એટલે તેમની આસપાસ વસતા લોકોના દેવોની પૂજા કરી. તેઓ તેમની આગળ નમ્યા અને પ્રભુને રોષ ચડાવ્યો. 13 તેમણે પ્રભુની ભક્તિ કરવાનું છોડી દઈને બઆલ દેવો તેમજ આશ્તારોથની પૂજા કરી. 14 તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો; જેથી લૂંટફાટ કરનારા તેમના પર હુમલો કરી તેમને લૂંટી જાય તેમ પ્રભુએ કર્યું. તેમણે તેમની આસપાસ તેમના શત્રુઓને તેમના પર પ્રબળ કર્યા અને ઇઝરાયલીઓ પોતાનું રક્ષણ કરી શક્યા નહિ. 15 તેઓ જ્યારે જ્યારે લડવા જાય ત્યારે ત્યારે પ્રભુએ તેમને શપથપૂર્વક આપેલી ચેતવણી પ્રમાણે તે તેમની વિરુદ્ધમાં રહેતા. આમ, તેઓ મહા સંકટમાં આવી પડયા. 16 પછી પ્રભુએ ઇઝરાયલીઓ માટે ન્યાયાધીશો ઊભા કર્યા અને ન્યાયાધીશોએ તેમને હુમલાખોરોથી બચાવ્યા. 17 પણ ઇઝરાયલીઓએ તેમના કહેવા પર કંઈ લક્ષ આપ્યું નહિ, પણ તેઓ વેશ્યાગમન દ્વારા અન્ય દેવોની પૂજા કરવામાં જોડાયા. તેમના પિતૃઓ તો પ્રભુની આજ્ઞાઓ પાળીને તેમને અનુસર્યા હતા, પણ આ નવી પેઢીના લોકોએ તો બહુ જલદી એમ કરવાનું મૂકી દીધું. 18 પ્રભુ જ્યારે જ્યારે ઇઝરાયલ માટે ન્યાયાધીશ ઊભો કરે ત્યારે પ્રભુ તે ન્યાયાધીશની સાથે રહેતા અને એ ન્યાયાધીશના જીવતાં સુધી પ્રભુ તેમનો તેમના શત્રુઓથી બચાવ કરતા. પ્રભુને તેમના પર દયા આવતી; કારણ, તેઓ તેમના શત્રુઓ તરફનાં દુ:ખ અને જુલમને કારણે નિસાસા નાખતા. 19 પણ એ ન્યાયાધીશનું અવસાન થાય કે લોકો તેમના અગાઉના માર્ગે વળી જતા અને અગાઉની પેઢીના તેમના પૂર્વજો કરતાં તેઓ વિશેષ ભ્રષ્ટ થઈ જતા. તેઓ અન્ય દેવોની સેવાભક્તિ કરતા અને જિદ્દી વલણ દાખવતાં પોતાના દુષ્ટ માર્ગોમાં ચાલુ રહેતા. 20 ત્યારે પ્રભુ ઇઝરાયલ પર કોપાયમાન થઈને તેમને કહેતા, “આ પ્રજાએ મેં તેમના પૂર્વજોને ફરમાવેલા કરારનો ભંગ કર્યો છે; કારણ, તેમણે મારી વાણી પર લક્ષ આપ્યું નથી. 21 યહોશુઆ મૃત્યુ પામ્યો ત્યારે દેશમાં બાકી રહી ગયેલી અન્ય પ્રજાઓને હું હવે હાંકી કાઢીશ નહિ. 22 આ ઇઝરાયલીઓ તેમના પૂર્વજોની માફક મારા માર્ગોમાં ચાલશે કે નહિ તેની ક્સોટી કરવા હું આ પ્રજાઓનો ઉપયોગ કરીશ.” 23 આમ, પ્રભુએ આ અન્ય પ્રજાઓને દેશમાં રહેવા દીધી; તેમણે તેમને યહોશુઆને તાબે કરી નહિ અને યહોશુઆના મૃત્યુ પછી પણ તેમને ત્યાંથી જલદી કાઢી મૂકી નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide