ન્યાયાધીશો 18 - પવિત્ર બાઇબલ C.L.મિખા અને દાનનું કુળ 1 એ સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો. એ દિવસોમાં દાનનું કુળ વસવાટ માટે પોતાને ફાળે આવતા પ્રદેશની શોધમાં હતું. કારણ, ઇઝરાયલનાં અન્ય કુળોની સાથે તેમને પોતાના હિસ્સા પેટે કોઈ પ્રદેશ મળ્યો નહોતો. 2 તેથી દાનના કુળના લોકોએ કુળના સર્વ કુટુંબોમાંથી પાંચ શૂરવીર માણસોને પસંદ કર્યા અને સોરા તથા એશ્તાઓલ નગરોથી તેમને દેશનું સંશોધન કરી બાતમી મેળવી લાવવાની સૂચના આપી મોકલ્યા. તેઓ એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આવી પહોંચ્યા અને મિખાને ત્યાં ઊતર્યા. 3 તેઓ ત્યાં હતા ત્યારે તેમણે જુવાન લેવીની બોલી પારખી લીધી, અને તેમણે તેની પાસે જઈને પૂછયું, “તને અહીં કોણ લાવ્યું? તું અહીં શું કરે છે? તને અહીં શું મળે છે?” 4 તેણે જવાબ આપ્યો, “મારે મિખા સાથે વ્યવસ્થા થયેલી છે. યજ્ઞકાર તરીકે સેવા કરવાના બદલામાં તે મને પગાર ચૂકવે છે.” 5 તેમણે તેને પૂછયું, “મહેરબાની કરી ઈશ્વરને પૂછી જો કે અમારી મુસાફરી સફળ થશે કે નહિ.” 6 યજ્ઞકારે જવાબ આપ્યો, “તમે ચિંતા રાખ્યા વિના જાઓ. પ્રભુ તમને મુસાફરીમાં દોરવણી આપશે.” 7 તેથી પેલા પાંચ માણસો ત્યાંથી નીકળીને લાઈશ નગરમાં ગયા. તેમણે ત્યાં જઈને જોયું તો ત્યાંના લોકો સિદોનીઓની જેમ નિશ્ર્વિંતપણે રહેતા હતા. તેઓ શાંતિપ્રિય અને નિશ્ર્વિંત હતા અને કોઈની સાથે તેમને વિખવાદ નહોતો, કારણ, દેશ સમૃદ્ધ હોવાથી તેમને કશાની ખોટ નહોતી. તેઓ સિદોનીઓથી ઘણે દૂર વસતા હતા અને તેમને બીજા લોકો સાથે કોઈ વ્યવહાર નહોતો. 8 એ પાંચ માણસો સોરા અને એશ્તાઓલમાં પાછા ફર્યા ત્યારે તેમના દેશબાંધવોએ તેમને પૂછયું કે, “તમે શી તપાસ કરી લાવ્યા છો?” 9 તેમણે જવાબ આપ્યો, “ચાલો, આપણે લાઈશ પર હુમલો કરીએ. અમે દેશ જોયો છે અને તે ઘણો સમૃદ્ધ છે. અહીં આમને આમ બેસી રહેશો નહિ. ઊઠો, ઉતાવળે ઊપડો અને તેને જીતી લો! 10 તમે ત્યાં પહોંચશો ત્યારે તમને ખબર પડશે કે લોકો જરાય શંકાશીલ નથી. એ તો મોટો દેશ છે અને ત્યાં કશાની ખોટ નથી. ઈશ્વરે તમને તે સોંપી દીધો છે.” 11 તેથી દાનના કુળમાંથી છસો માણસો સોરા અને એશ્તાઓલથી યુદ્ધને માટે સજ્જ થઈને નીકળ્યા. 12 તેમણે યહૂદિયાના કિયાર્થ-યઆરીમની પશ્ર્વિમે જઈને છાવણી કરી. એટલા માટે આજે પણ એ સ્થળ ‘માહનેહ-દાન’ (દાનની છાવણી) તરીકે ઓળખાય છે. 13 ત્યાંથી આગળ વધીને તેઓ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મિખાને ઘેર આવ્યા. 14 પછી લાઈશની આસપાસના પ્રદેશમાં જાસૂસી કરવા ગયેલા પેલા પાંચ માણસોએ તેમના સાથીદારોને કહ્યું, “અહીં એક ઘરમાં ચાંદીએ મઢેલી એક લાકડાની કોતરેલી મૂર્તિ છે એ તમે જાણો છો? ત્યાં બીજી મૂર્તિઓ તથા એફોદ પણ છે. એમનું આપણે શું કરવું? એ વિષે તમારો શો મત છે?” 15 પછી જુવાન લેવી જ્યાં રહેતો હતો ત્યાં, એટલે મિખાના ઘરમાં તેઓ ગયા અને લેવીને ખબરઅંતર પૂછયા. 16 દરમ્યાનમાં, દાનના કુળના યુદ્ધને માટે સજ્જ થયેલા પેલા છસો માણસો તો દરવાજે જ ઊભા હતા. 17 પાંચ માણસો તો સીધા ઘરમાં પેસી ગયા અને ચાંદીએ મઢેલી લાકડાની કોતરેલી મૂર્તિ, અન્ય મૂર્તિઓ તથા એફોદ લઈ આવ્યા. પેલો યજ્ઞકાર તો દરવાજે છસો શસ્ત્રસજિત માણસો સાથે જ ઊભો હતો. 18 પેલા માણસોએ મિખાના ઘરમાં જઈને ચાંદીમઢિત લાકડાની કોતરેલી મૂર્તિઓ તથા એફોદ લઈ લીધાં ત્યારે યજ્ઞકારે કહ્યું, “તમે આ શું કરો છો?” 19 તેમણે તેને કહ્યું, “શાંત રહે, એક શબ્દ પણ બોલીશ નહિ. અમારી સાથે આવીને અમારો ગુરુ તથા યજ્ઞકાર બન. એક માણસના જ કુટુંબના યજ્ઞકાર બનવા કરતાં ઇઝરાયલીઓના એક આખા કુળના યજ્ઞકાર થવું તારે માટે સારું નથી?” 20 એનાથી યજ્ઞકાર મનમાં ખુશ થઈ ગયો. તેથી તે એફોદ, કોતરેલી મૂર્તિ અને અન્ય મૂર્તિઓ લઈને તેમની સાથે ગયો. 21 તેઓ ત્યાંથી પાછા વળીને ઊપડયા અને તેમનાં બાળકો, ઢોરઢાંક અને સર્વ સંપત્તિ મોખરે રાખવામાં આવ્યાં હતાં. 22 મિખાના ઘરથી તેઓ મુસાફરી કરતાં કરતાં થોડે દૂર નીકળી ગયા ત્યારે મિખાએ તેના પડોશીઓને લડવાને માટે બોલાવ્યા. તેમણે દાનના કુળના લોકોને પકડી પાડયા, 23 અને તેમને પડકાર્યા. દાનના વંશજોએ પાછા વળીને મિખાને પૂછયું, “શું છે? આ ટોળું લઈને કેમ આવ્યો છે?” 24 મિખાએ જવાબ આપ્યો, “તમે મારા યજ્ઞકારને અને મારા બનાવેલા દેવોને તો લઈ ચાલ્યા છો, પછી મારી પાસે રહ્યું શું? અને છતાં તમે પાછા એમ પૂછો છો કે, ‘શું છે?” 25 દાનના વંશજોએ તેને કહ્યું, “હવે બકવાટ બંધ કર, નહિ તો આ લોકોનો પિત્તો જશે તો હુમલો કરીને તને અને તારા આખા કુટુંબને જાનથી મારી નાખશે.” 26 એમ બોલીને દાનવંશીઓએ આગળ ચાલવા માંડયું. મિખાએ જોયું કે તેઓ તેના કરતાં વધારે બળવાન છે ત્યારે તે પાછો વળીને ઘેર આવ્યો. 27 દાનવંશીઓ મિખાએ બનાવેલા દેવોને તથા તેના યજ્ઞકારને લઈ ગયા ત્યાર પછી તેમણે લાઈશ પર એટલે તેના શાંતિપ્રિય અને નિશ્ર્વિંત લોકો પર હુમલો કર્યો. તેમણે તે નગરમાં ક્તલ ચલાવી અને તેને આગ ચાંપી. 28 તેમની વહારે આવનાર કોઈ નહોતું. કારણ, તે સિદોનથી ઘણે દૂર હતું અને બીજા લોકો સાથે તેમને કંઈ વ્યવહાર નહોતો. બેથ-રહોબ જે ખીણમાં હતું તે જ ખીણમાં તે નગર હતું. દાનવંશીઓએ તે નગરને ફરી બાંધ્યું અને ત્યાં જ વસવાટ કર્યો. 29 ઇઝરાયલના પુત્ર, પોતાના પૂર્વજ દાનના નામ પરથી તેમણે તેનું નામ દાન પાડયું, તેનું મૂળ નામ તો લાઈશ હતું. 30 દાનવંશીઓએ પૂજા કરવા માટે એક મૂર્તિ સ્થાપી અને મોશેના પુત્ર ગેર્શોમનો પુત્ર યોનાથાન દાનવંશીઓના યજ્ઞકાર તરીકે સેવા આપતો હતો. લોકોનો દેશનિકાલ થયો તે સમય સુધી યોનાથાનના વંશજો દાનવંશીઓના યજ્ઞકાર તરીકે કામ કરતા રહ્યા. 31 પ્રભુનો મુલાકાતમંડપ શિલોમાં રહ્યો ત્યાં સુધી મિખાની મૂર્તિ ત્યાં દાનમાં કાયમ રહી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide