ન્યાયાધીશો 17 - પવિત્ર બાઇબલ C.L.મિખાની મૂર્તિઓ 1 હવે મિખા નામે એક માણસ એફ્રાઈમના પહાડી પ્રદેશમાં વસતો હતો. 2 તેણે પોતાની માતાને કહ્યું, “તારા ચાંદીના અગિયારસો સિક્કા ચોરાઈ ગયા ત્યારે તેં તે ચોરી જનારને મારા સાંભળતાં શાપ દીધો હતો. હવે આ રહ્યા એ પૈસા. મેં જ તે લીધા હતા.” તેની માતાએ કહ્યું, “બેટા, પ્રભુ તને આશિષ આપો!” 3 તેણે તે પૈસા પોતાની માતાને પાછા આપી દીધા, એટલે તેની મા બોલી, “મારા પુત્ર પર શાપ ન ઊતરે તે માટે લાકડાની કોતરેલી અને ધાતુની મઢેલી મૂર્તિ બનાવવા હું આ ચાંદી પ્રભુને સમર્પિત કરું છું. તો હવે હું તને આ ચાંદીના સિક્કા પાછા આપી દઇશ.” 4 આમ, તેણે તે પૈસા તેની માને પાછા આપ્યા. તેની માએ તેમાંથી બસો ચાંદીના સિક્કા લઈને સોનીને આપ્યા. સોનીએ લાકડામાંથી કોતરેલી મૂર્તિને ચાંદીથી મઢી લીધી. તેને મિખાના ઘરમાં મૂકવામાં આવી. 5 આ માણસ મિખાની પાસે તેનું આગલું પૂજાસ્થાન હતું. તેણે કેટલીક મૂર્તિઓ અને એફોદ બનાવીને તેના યજ્ઞકાર તરીકે પોતાના એક પુત્રની પ્રતિષ્ઠા કરી. 6 એ સમયે ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, પ્રત્યેક માણસ પોતાને યોગ્ય લાગે તેમ કરતો. 7 એ સમયે યહૂદિયાના બેથલેહેમ નગરમાં એક લેવી વસતો હતો. 8 વસવાનું કોઈ બીજું સ્થળ શોધી લેવા તે બેથલેહેમથી નીકળ્યો. મુસાફરી કરતાં કરતાં તે એફ્રાઈમના પહાડીપ્રદેશમાં મિખાને ત્યાં આવ્યો. 9 મિખાએ તેને પૂછયું, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો, “હું યહૂદિયાના બેથલેહેમ નગરમાંથી આવેલો લેવી છું. હું વસવા માટેનું કોઈ સ્થાન શોધું છું.” 10 મિખાએ કહ્યું, “મારી સાથે રહી યજ્ઞકાર થા. હું તને વર્ષે ચાંદીના દસ સિક્કા, થોડાં વસ્ત્ર અને ખાવાનું આપીશ. 11 લેવી મિખા સાથે રહેવા માટે સંમત થયો અને તે તેના એક પુત્ર જેવો બની ગયો. 12 મિખાએ યજ્ઞકાર તરીકે તેની પ્રતિષ્ઠા કરી, અને તે મિખાના ઘરમાં રહ્યો. 13 મિખા બોલ્યો, “હવે મારા યજ્ઞકાર તરીકે લેવીવંશી માણસ હોવાથી પ્રભુ મારે માટે બધું યથાયોગ્ય કરશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide