ન્યાયાધીશો 15 - પવિત્ર બાઇબલ C.L.1 થોડાએક સમય બાદ ઘઉંની કાપણીની મોસમમાં શિમશોન પોતાની પત્નીને મળવા ગયો. તે તેને માટે એક લવારું લઈ ગયો હતો. તેણે તેના પિતાને કહ્યું, “મારે મારી પત્નીના શયનખંડમાં જવું છે.” 2 પણ તેણે તેને અંદર જવા દીધો નહિ. તેણે શિમશોનને કહ્યું, “મને તો ખરેખર એમ લાગ્યું કે તું તેને ધિક્કારે છે, તેથી મેં તારા મિત્ર સાથે તેનાં લગ્ન કરાવી દીધાં છે. પણ એની નાની બહેન એના કરતાંયે સુંદર છે, એને બદલે, તું તેને લઈ જા.” 3 શિમશોને કહ્યું, “હવે આ વખતે હું પલિસ્તીઓને જે કંઈ ઉપદ્રવ કરું તેની જવાબદારી મારે શિર રહેશે નહિ.” 4 તેથી તેણે જઈને ત્રણસો શિયાળ પકડયાં. તેણે બબ્બે શિયાળ લઈને તેમની પૂંછડીઓ ભેગી બાંધી દીધી અને તેની વચમાં મશાલ ખોસી દીધી. 5 પછી તેણે મશાલો સળગાવીને શિયાળોને પલિસ્તીઓનાં ઘઉંના ખેતરોમાં છૂટાં મૂકી દીધાં. એ રીતે તેણે ખેતરોમાં ઘઉંના પૂળા તેમજ ઊભો પાક સળગાવી મૂક્યો. ઓલિવની વાડીઓ પણ બળી ગઈ. 6 પલિસ્તીઓએ તપાસ કરી કે એવું કામ કોણે કર્યું છે ત્યારે તેમને ખબર પડી કે શિમશોનના સસરાએ શિમશોનની પત્નીનાં લગ્ન તેના મિત્ર સાથે કરાવી દીધાં, તેથી શિમશોને એ કાર્ય કર્યું છે. તેથી પલિસ્તીઓએ જઈને તે સ્ત્રીને તથા તેના પિતાના કુટુંબને સળગાવી માર્યાં. 7 શિમશોને તેમને કહ્યું, “તમે આ રીતે વર્ત્યા છો એમ ને! હું સમ ખાઈને કહું છું કે હું એનો બદલો ન વાળું ત્યાં સુધી જંપીને બેસવાનો નથી.” 8 તે તેમના પર ઝનૂનથી ત્રાટક્યો અને તેમનામાંથી ઘણાનો સંહાર કર્યો. પછી તે ત્યાંથી એટામના ખડકની ગુફામાં જઈને રહ્યો. શિમશોને કરેલો પલિસ્તીઓનો પરાજય 9 પલિસ્તીઓએ યહૂદાના કુળપ્રદેશમાં આવીને છાવણી નાખી અને લેહી નગર પર હુમલો કર્યો. 10 યહૂદાના માણસોએ તેમને પૂછયું, “તમે અમારા પર શા માટે હુમલો કરો છો?” તેમણે જવાબ આપ્યો, “અમે શિમશોનને કેદ કરી લઈ જવા આવ્યા છીએ. તેણે અમારી જેવી દુર્દશા કરી છે તેવી જ અમે તેની કરવા માંગીએ છીએ.” 11 તેથી યહૂદાના આ ત્રણ હજાર માણસોએ એટામના ખડકની ગુફાએ જઈને શિમશોનને કહ્યું, “તને ખબર નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? તો તેં અમને આ શું કર્યું?” તેણે જવાબ આપ્યો, “જેવું તેમણે મને કર્યું, તેવું જ મેં તેમને કર્યું છે.” 12 તેમણે તેને કહ્યું, “અમે અહીં તને બાંધીને લઈ જવા આવ્યા છીએ, જેથી અમે તને તેમના હાથમાં સોંપી દઈએ.” શિમશોને કહ્યું, “તમે મને વચન આપો કે તમે પોતે મને મારી નાખશો નહિ.” 13 તેમણે કહ્યું, “ભલે, અમે માત્ર તને બાંધીને તેમના હાથમાં સોંપી દઈશું. અમે તને મારી નાખીશું નહિ.” તેથી તેઓ તેને નવા દોરડાંથી બાંધીને એ ખડકેથી લઈ આવ્યા. 14 જ્યારે તેઓ લેહી પહોંચ્યા, ત્યારે પલિસ્તીઓ તેની સામે હોકારો કરતા અને દોડતા આવ્યા. એકાએક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો અને તેના હાથે અને બાવડે બાંધેલાં દોરડાં જાણે બળેલા અળસીરેસાનાં દોરડાં હોય તેમ તેણે તે તોડી નાખ્યાં. 15 પછી તેને તાજેતરમાં મરી ગયેલા એક ગધેડાનું જડબું મળી આવ્યું. તેણે તે ઉપાડીને તેનાથી હજાર માણસોને મારી નાખ્યા. 16 તેથી શિમશોને ગીત ગાયું, “ગધેડાના જડબાથી મેં માર્યા હજાર! ગધેડાના જડબાથી ઢગલા કર્યા અપાર! 17 તે પછી તેણે તે જડબું ફેંકી દીધું. જ્યાં આ બનાવ બન્યો તે સ્થળનું નામ રામાથ-લેહી (જડબાની ટેકરી) પડયું. 18 પછી શિમશોન ખૂબ જ તરસ્યો થયો. તેથી તેણે પ્રભુને વિનંતી કરીને કહ્યું, “તમે મને આ મોટો વિજય આપ્યો છે; અને હવે હું તરસ્યે માર્યો જઈને આ પરપ્રજા પલિસ્તીઓના હાથમાં પડીશ?” 19 ત્યારે ઈશ્વરે ત્યાં લેહીમાં એક ખાડો પાડયો અને તેમાંથી પાણી નીકળી આવ્યું. શિમશોને તે પાણી પીધું ત્યારે તેને સ્ફૂર્તિ આવી અને તે સ્વસ્થ થવા લાગ્યો. તેથી તે ઝરણાનું નામ એન હાક્કારે (પોકારનારનું ઝરણું) પડયું. આજે પણ તે ત્યાં લેહીમાં હયાત છે. 20 પલિસ્તીઓ દેશ પર શાસન ચલાવતા હતા ત્યારે શિમશોને વીસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ તરીકે આગેવાની આપી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide