ન્યાયાધીશો 14 - પવિત્ર બાઇબલ C.L.શિમશોન અને તિમ્નાનગરની સુંદરી 1 એક દિવસે શિમશોન તિમ્ના ગયો. ત્યાં તેણે એક પલિસ્તી કન્યા જોઈ. 2 શિમશોને ઘેર જઈને પોતાનાં માતપિતાને કહ્યું, “તિમ્નામાં મેં એક પલિસ્તી છોકરી જોઈ છે. તેની સાથે મારું લગ્ન કરાવો.” 3 પણ તેનાં માતપિતાએ તેને પૂછયું, “તારે પત્ની મેળવવા માટે એ પરપ્રજાના પલિસ્તીઓ પાસે શા માટે જવું જોઈએ? તને આપણાં જ કુળમાંથી કે આપણા બધા લોકોમાંથી છોકરી મળતી નથી?” પણ શિમશોને તેના પિતાને કહ્યું, “મારે તો એની જ સાથે લગ્ન કરવું છે. મને તે ગમી ગઈ છે.” 4 તેનાં માતપિતાને ખબર નહોતી કે પ્રભુ જ શિમશોનને એ માટે પ્રેરણા કરી રહ્યા હતા; કારણ, પ્રભુને પલિસ્તીઓ સામે લડવા માટે કંઈક કારણ જોઈતું હતું. એ સમયે પલિસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા. 5 આમ, શિમશોન અને તેનાં માતપિતા તિમ્ના ગયાં. તેઓ દ્રાક્ષવાડીઓમાં થઈને પસાર થતાં હતાં ત્યારે એક જુવાન સિંહ શિમશોન પર ત્રાડ પાડીને ત્રાટક્યો. 6 પણ અચાનક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો, અને શિમશોને હાથમાં કોઈ હથિયાર ન હોવા છતાં એક લવારાની જેમ તે સિંહને ચીરી નાખ્યો. પણ તેણે તેનાં માતપિતાને એ વિશે કહ્યું નહિ. 7 પછી તેણે પેલી કન્યા પાસે જઈને વાત કરી અને તે તેને બહુ ગમી. 8 થોડા સમય બાદ તે તેની સાથે લગ્ન કરવા ગયો. પોતે મારી નાખેલા પેલા સિંહને જોવા તે રસ્તેથી ફંટાઈને ગયો અને જોયું તો સિંહના ખોળિયામાં મધમાખીઓનું ટોળું તથા મધ હતાં. 9 તેણે પોતાના હાથે મધપૂડો તોડી લીધો અને રસ્તે ચાલતાં ચાલતાં ખાવા લાગ્યો. પછી પોતાના માતપિતા પાસે જઈને તેમને પણ થોડુંક મધ આપ્યું. તેમણે તે ખાધું, પણ તેણે તે મધ મરેલા સિંહના ખોળિયામાંથી લીધું હતું તે તેણે તેમને કહ્યું નહિ. 10 તેના પિતા છોકરીને ઘેર ગયા, અને શિમશોને ત્યાં મિજબાની આપી. જુવાનોમાં એવું કરવાનો રિવાજ હતો. 11 પલિસ્તીઓએ તેને જોયો, ત્યારે તેની સાથે રહેવા ત્રીસ જુવાનોને મોકલ્યા. 12-13 શિમશોને તેમને કહ્યું, “હું તમને એક ઉખાણું કહીશ. લગ્નની મિજબાનીના સાત દિવસ પૂરા થયા પહેલાં તમે મને તેનો અર્થ કહેશો તો તમારામાંથી ત્રીસે જણને હું મુલાયમ અળસીરેસાનાં ત્રીસ ઝભ્ભા અને ત્રીસ જોડ વસ્ત્રો આપીશ. પણ જો તમે મને એનો અર્થ ન કહી શકો તો તમારે મને ત્રીસ ઝભ્ભા અને ત્રીસ જોડ વસ્ત્રો આપવાં પડશે.” તેમણે કહ્યું, “અમને ઉખાણું તો કહી સંભળાવ.” 14 તે બોલ્યો, “ખાનારમાંથી ખોરાક નીકળ્યો; બળવાનમાંથી મીઠાશ નીકળી.” ત્રણ દિવસ થઈ ગયા પણ તેમને ઉખાણાનો ઉકેલ મળ્યો નહિ. 15 ચોથે દિવસે તેમણે શિમશોનની પત્નીને કહ્યું, “તારા પતિને પટાવીને ઉખાણાનો અર્થ જાણી લઈને અમને જણાવ. જો તું અર્થ નહિ જણાવે, તો અમે તને અને તારા પિતાના કુટુંબને સળગાવી મારીશું. તમે તો અમને લૂંટી લેવા નિમંત્રણ આપ્યું છે, એમ ને?” 16 તેથી શિમશોનની પત્નીએ તેની આગળ રડતાં રડતાં કહ્યું, “તને મારા પર પ્રેમ નથી; બલ્કે તું મને ધિક્કારે છે. તેં મારા દેશબધુંઓને ઉખાણું કહ્યું છે, પણ મને તેનો અર્થ જણાવ્યો નથી.” તેણે કહ્યું, “જો, મેં મારાં માતપિતાને ય તેનો અર્થ કહ્યો નથી; તો પછી તને શા માટે કહું?” 17 મિજબાનીના સાતેય દિવસ દરમ્યાન તે તેને માટે રડતી રહી. છેવટે સાતમે દિવસે તેના દુરાગ્રહને વશ થઈ તેણે તેને અર્થ કહી દીધો. પછી તેણે તે પલિસ્તીઓને જણાવ્યો. 18 તેથી સાતમે દિવસે સૂર્યાસ્ત પહેલાં નગરનાં માણસોએ તેને કહ્યું, “મીઠું શું છે મધ કરતાં? બળિયું શું છે સિંહ કરતાં?” શિમશોને જવાબ આપ્યો, “તમે મારી ગાયથી ખેડયું ન હોત, તો તમને તેના ઉકેલની ખબર પડી ન હોત.” 19 એકાએક પ્રભુનો આત્મા શિમશોન પર આવ્યો અને તેણે આશ્કલોનમાં જઈને ત્રીસ માણસોને મારી નાખીને તેમનાં વસ્ત્ર લૂંટી લીધાં અને ઉખાણાનો ઉકેલ બતાવનાર જુવાનોને આપ્યાં. જે કંઈ બન્યું તેને લીધે તે ક્રોધથી ધૂંઆપૂંઆં થઈ ગયો, પછી તે પોતાના પિતાને ઘેર જતો રહ્યો. 20 વળી, તેની પત્નીને પણ તેના અણવર સાથે પરણાવી દેવાઈ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide