Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 13 - પવિત્ર બાઇબલ C.L.


શિમશોનનો જન્મ

1 ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું, અને તેમણે તેમને ચાલીસ વર્ષ સુધી પલિસ્તીઓને તાબે કરી દીધા.

2 એ સમયે સોરા નગરનો માનોઆહ નામે એક માણસ હતો. તે દાનના કુળનો હતો. તેની પત્ની વંધ્યા હતી, અને તેને બાળકો નહોતાં.

3 પ્રભુના દૂતે તેને દર્શન દઈને કહ્યું, “તું વંધ્યા છે અને તને સંતાન થતાં નથી; પણ થોડા જ સમયમાં તું ગર્ભવતી થશે અને તને પુત્ર જનમશે.

4 તું દ્રાક્ષાસવ કે કેફી પીણું પીશ નહિં અથવા મના કરેલો ખોરાક ખાઈશ નહિ.

5 તારો પુત્ર જન્મે તે પછી તારે એના માથાના વાળ કદી કાપવા નહિ. કારણ, તે છોકરો ગર્ભાધાનથી જ નાઝીરી તરીકે સમર્પિત થશે. તે ઇઝરાયલને પલિસ્તીઓના હાથમાંથી છોડાવવામાં અગ્રભાગ ભજવશે.”

6 પછી સ્ત્રીએ જઈને તેના પતિને કહ્યું, “મારી પાસે એક દૈવી પુરુષ આવ્યો હતો, તેનો ચહેરો ઈશ્વરના દૂતના ચહેરા જેવો ખૂબ પ્રભાવશાળી હતો. તે ક્યાંથી આવ્યો હતો તે મેં તેને પૂછયું નહિ, તેમ તેણે મને તેનું નામ પણ કહ્યું નહિ.

7 પણ તેણે મને એવું કહ્યું કે, ‘તું ગર્ભવતી થઈશ અને તને પુત્ર જનમશે. હવેથી તું દ્રાક્ષાસવ કે કેફી પીણું પીશ નહિ અથવા મના કરેલો ખોરાક ખાઈશ નહિ, કારણ, છોકરો તેના ગર્ભાધાનથી મરણપર્યંત નાઝીરી તરીકે સમર્પિત છે.

8 પછી માનોઆહે પ્રભુને પ્રાર્થના કરી, “હે પ્રભુ, તમે જે દૈવી પુરુષને મોકલ્યો હતો તેને કૃપા કરીને ફરીથી અમારી પાસે મોકલો જેથી છોકરો જન્મે ત્યારે અમારે તેને માટે શું શું કરવું તે તે અમને જણાવે.”

9 ઈશ્વરે માનોઆહની વિનંતી સાંભળી અને માનોઆહની પત્ની ખેતરમાં બેઠી હતી ત્યારે ઈશ્વરનો દૂત તેની પાસે ગયો. તે વખતે તેનો પતિ માનોઆહ તેની સાથે નહોતો.

10 તેથી તે તરત જ દોડી ગઈ અને તેને કહ્યું, “પેલો પુરુષ જે મને પહેલાં દેખાયો હતો તેણે મને ફરીથી દર્શન દીધું છે.”

11 માનોઆહ ઊઠીને તેની પત્નીની પાછળ પાછળ ગયો. તેણે પેલા માણસ પાસે જઈને તેને પૂછયું, “મારી પત્ની સાથે વાત કરનાર માણસ તમે જ છો?” તેણે જવાબ આપ્યો, “હા.”

12 ત્યારે માનોઆહે કહ્યું, “તો હવે તમારાં વચનો ફળીભૂત થાય ત્યારે છોકરાએ શું શું કરવાનું છે? તેણે કેવા પ્રકારનું જીવન જીવવાનું છે?”

13 પ્રભુના દૂતે જવાબ આપ્યો, “મેં તારી પત્નીને જે જે કહ્યું છે તેનું તે ચોક્સાઈથી પાલન કરે.

14 તેણે દ્રાક્ષવેલાની નીપજમાંથી કંઈ ખાવાનું નથી; તેણે દ્રાક્ષાસવ કે કેફી પીણું પીવાનું નથી અથવા મના કરેલો ખોરાક ખાવાનો નથી. મેં તેને કહ્યું છે તે પ્રમાણે તેણે વર્તવાનું છે.”

15-16 એ પ્રભુનો દૂત છે એવી માનોઆહને ખબર ન હોવાથી માનોઆહે તેને કહ્યું, “કૃપા કરીને જતા રહેશો નહિ. અમે તમારે માટે એક લવારું રાંધી લાવીએ.” પણ દૂતે કહ્યું, “હું રોકાઈ જાઉં, તો ય હું તમારો ખોરાક ખાવાનો નથી. છતાં તું ખોરાક તૈયાર કરવા માગે છે, તો તેનું દહન કરીને પ્રભુને તેનું અર્પણ ચડાવ.”

17 માનોઆહે જવાબ આપ્યો, “અમને તમારું નામ કહો, એટલે તમારાં વચનો સાચાં પડે ત્યારે અમે તમારું સન્માન કરી શકીએ.”

18 દૂતે કહ્યું, “તું મારું નામ કેમ જાણવા માગે છે? એ તો અદ્‍ભુત નામ છે!”

19 તેથી માનોઆહે એક લવારું અને થોડું અનાજ લીધું, અને માનોઆહ તથા તેની પત્નીનાં દેખતાં અદ્‍ભુત કામો કરનાર પ્રભુની ખડક પરની વેદી પર તેમનું અર્પણ ચડાવ્યું.

20-21 અગ્નિની જવાળાઓ વેદીમાંથી ઊંચે જતી હતી ત્યારે માનોઆહ અને તેની પત્નીએ પ્રભુના દૂતને અગ્નિની જવાળામાં થઈને આકાશમાં ચડી જતાં જોયો. માનોઆહને ત્યારે ખબર પડી કે એ તો પ્રભુનો દૂત છે. અને તેણે તથા તેની પત્નીએ ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યાં. તેમણે ફરીથી એ દૂતને જોયો નહિ.

22 માનોઆહે તેની પત્નીને કહ્યું, “આપણે હવે ચોક્કસ મરી જઈશું, કારણ, આપણે ઈશ્વરનાં દર્શન કર્યાં છે.”

23 પણ તેની પત્નીએ જવાબ આપ્યો, “પ્રભુ આપણને મારી નાખવા માગતા હોત, તો તેમણે આપણાં અર્પણ સ્વીકાર્યાં ન હોત. તેમણે આપણને આ બધું બતાવ્યું ન હોત અથવા આ સમયે આવી વાતો કહી ન હોત.”

24 પછી એ સ્ત્રીને પુત્ર જન્મ્યો અને તેણે તેનું નામ શિમશોન પાડયું. છોકરો મોટો થયો અને પ્રભુએ તેને આશિષ આપી.

25 હવે પ્રભુનો આત્મા તેને દાનની છાવણીમાં સોરા અને એશ્તાઓલની વચ્ચે પ્રેરણા કરવા લાવ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan