Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 12 - પવિત્ર બાઇબલ C.L.


યફતા અને એફ્રાઈમીઓ

1 એફ્રાઈમના માણસો યુદ્ધને માટે સજ્જ થયા; તેઓ યર્દન ઓળંગીને સાફોન આવ્યા અને યફતાને કહ્યું, “તારી સાથે લડાઈમાં બોલાવ્યા વિના તું આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા સરહદ ઓળંગીને કેમ ગયો? અમે તને તારા ઘરમાં પૂરીને તેને સળગાવી દઈશું! ”

2 પણ યફતાએ તેમને કહ્યું, “મારે અને મારા લોકોને આમ્મોનીઓ સાથે ગંભીર ઝઘડો પડયો હતો. મેં તો તમને બોલાવ્યા હતા, પણ તમે મને બચાવવા આવ્યા નહિ.

3 મેં જોયું કે તમે હવે આવવાના નથી ત્યારે મેં મારો જીવ જોખમમાં નાખ્યો અને તેમની સામે લડવાને સરહદ ઓળંગી. પ્રભુએ મને તેમના પર વિજય પણ પમાડયો. તો તમે હવે મારી સામે લડવા કેમ આવ્યા છો?”

4 પછી યફતા ગિલ્યાદના બધા માણસોને એકઠા કરીને એફ્રાઈમના માણસો સામે લડયો અને તેમને હરાવ્યા. (એફ્રાઈમીઓ આવું બોલ્યા હતા: “હે એફ્રાઈમ અને મનાશ્શામાં રહેનારા ગિલ્યાદીઓ, તમે એફ્રાઈમમાંથી નાસી આવેલા છો!”

5 એફ્રાઈમીઓને નાસી છૂટતા રોકવા માટે ગિલ્યાદીઓએ યર્દનના બધા ઘાટો કબજે કરી લીધા. જ્યારે નાસી છૂટવાનો પ્રયાસ કરનાર કોઈપણ એફ્રાઈમી નદી ઓળંગવા દેવા વિનંતી કરતો ત્યારે ગિલ્યાદના માણસો પૂછતા, “શું તું એફ્રાઈમી છે?” જો તે ના કહે,

6 તો તેઓ તેને કહેતા, ‘શિબ્બોલેથ’ બોલ, પણ તે ‘સિબ્બોલેથ’ કહેતો. કારણ, તે તેનો સાચો ઉચ્ચાર કરી શક્તો નહિ. પછી તેઓ તેને પકડીને ત્યાં યર્દનના ઘાટ પર જ મારી નાખતા. એ સમયે બેંતાળીસ હજાર એફ્રાઈમીઓ માર્યા ગયા.

7 યફતા છ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ તરીકે રહ્યો. પછી તે અવસાન પામ્યો અને તેને ગિલ્યાદના નગરમાં દફનાવવામાં આવ્યો.


ઈબ્સાન, એબોન અને આબ્દોન

8 યફતા પછી બેથલેહેમનો ઈબ્સાન ઇઝરાયલમાં ન્યાયાધીશ થયો.

9 તેને ત્રીસ પુત્રો અને ત્રીસ પુત્રીઓ હતાં. તેણે પોતાની પુત્રીઓનાં લગ્ન અન્ય ગોત્રોમાં કરાવ્યાં અને પોતાના પુત્રો માટે પત્નીઓ પણ અન્ય ગોત્રોમાંથી લાવ્યો. ઈબ્સાન ઇઝરાયલમાં સાત વર્ષ ન્યાયાધીશ રહ્યો.

10 પછી તે મૃત્યુ પામ્યો, અને તેને બેથલેહેમમાં દફનાવવામાં આવ્યો.

11 ઈબ્સાન પછી ઝબુલૂનમાંનો એલોન દસ વર્ષ સુધી ઇઝરાયલમાં ન્યાયાધીશ રહ્યો.

12 પછી તે મૃત્યુ પામ્યો અને તેને ઝબુલૂનના કુળપ્રદેશના આયાલોનમાં દફનાવવામાં આવ્યો.

13 એલોન પછી પિરઆથોનના હિલ્લેલનો પુત્ર આબ્દોન ઇઝરાયલમાં ન્યાયાધીશ બન્યો.

14 તેને ચાલીસ પુત્રો અને ત્રીસ પૌત્રો હતા. તેઓ સિત્તેર ગધેડા પર સવારી કરતા. આબ્દોન આઠ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાયાધીશ રહ્યો.

15 તે પછી તે મૃત્યુ પામ્યો અને તેને અમાલેકીઓના ઉચ્ચપ્રદેશમાં એફ્રાઈમના કુળપ્રદેશના પિરઆથોનમાં દફનાવવામાં આવ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan