ન્યાયાધીશો 11 - પવિત્ર બાઇબલ C.L.1 ગિલ્યાદનો યફતા શૂરવીર યોદ્ધો હતો. તે એક વેશ્યાનો પુત્ર હતો. તેનો પિતા ગિલ્યાદ હતો. 2 ગિલ્યાદથી તેની પત્નીને પણ પુત્રો થયા હતા. એ પુત્રો જ્યારે મોટા થયા ત્યારે તેમણે યફતાને ઘરમાંથી કાઢી મૂક્યો. તેમણે તેને કહ્યું, “તને અમારા પિતાના વારસામાંથી કંઈ મળશે નહિ; તું તો બીજી સ્ત્રીનો પુત્ર છે.” 3 યફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને તોબ પ્રદેશમાં રહ્યો. ત્યાં તેણે કેટલાક તોફાની માણસોને એકઠા કર્યા અને તેઓ બધા તેની સાથે જ ફરતા. 4 થોડા સમય બાદ આમ્મોનીઓ ઇઝરાયલીઓ સામે યુદ્ધ કરવા આવ્યા. 5 એને લીધે ગિલ્યાદના આગેવાનો યફતાને તોબના પ્રદેશમાંથી લઈ આવવા તેની પાસે ગયા. 6 તેમણે તેને કહ્યું, “તું આવીને અમારો સેનાપતિ થા કે જેથી અમે આમ્મોનીઓ સામે લડી શકીએ.” 7 પણ યફતાએ જવાબ આપ્યો, “તમે તો મને ધિક્કારીને મારા પિતાના ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હવે જ્યારે તમારા પર સંકટ આવી પડયું ત્યારે મારી પાસે શા માટે આવો છો?” 8 તેમણે યફતાને કહ્યું, “તું અમારી સાથે આવીને આમ્મોનીઓ સામે લડાઈમાં ઊતરે અને ગિલ્યાદના સર્વ લોકોનો સેનાપતિ બને માટે અત્યારે અમે તારી પાસે આવ્યા છીએ.” 9 યફતાએ તેમને કહ્યું, “તમે મને આમ્મોનીઓ સામે લડવા પાછો ઘેર લઈ જતા હો અને પ્રભુ મને લડાઈમાં વિજય પમાડે તો હું તમારો શાસક બનીશ.” 10 તેમણે જવાબ આપ્યો, “ભલે, એમાં અમારી સંમતિ છે. પ્રભુ પોતે એ માટે આપણા સાક્ષી છે.” 11 તેથી યફતા ગિલ્યાદના આગેવાનો સાથે ગયો અને લોકોએ તેને પોતાનો શાસક અને સેનાપતિ બનાવ્યો. યફતાએ મિસ્પામાં પ્રભુની સમક્ષતામાં પોતાની શરતો જણાવી. 12 પછી યફતાએ આમ્મોનના રાજા પાસે સંદેશકો દ્વારા આવો સંદેશો મોકલ્યો, “અમારી સાથે તમારે શી તકરાર છે? તમે શા માટે મારા દેશ પર આક્રમણ કર્યું છે?” 13 આમ્મોનના રાજાએ યફતાના સંદેશકોને જવાબ આપ્યો, “ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તેમણે આર્નોન નદીથી માંડીને યાબ્બોક નદી તેમજ યર્દન નદી સુધીનો મારો પ્રદેશ પચાવી પાડયો છે. હવે તમારે મને તે પ્રદેશ શાંતિપૂર્વક પાછો આપી દેવો જોઈએ.” 14 યફતાએ આમ્મોન રાજા પાસે ફરી સંદેશકો મોકલ્યા, 15 અને આવો જવાબ મોકલાવ્યો: “ઇઝરાયલે મોઆબનો કે આમ્મોનનો પ્રદેશ પચાવી પાડયો છે એમ કહેવું સાચું નથી. 16 હકીક્ત તો આવી છે: ઇઝરાયલીઓએ જ્યારે ઇજિપ્ત છોડયું, ત્યારે તેઓ રણપ્રદેશમાં થઈને સૂફ સમુદ્ર અને ત્યાંથી કાદેશ આવ્યા. 17 પછી અદોમના રાજાએ તેમને જવા દીધા નહિ. તેમણે મોઆબના રાજાને વિનંતી કરી, છતાં તેણે પણ અમને તેના દેશમાંથી જવા દીધા નહિ. 18 પછી તેઓ રણપ્રદેશમાં જ આગળ વયા અને અદોમના અને મોઆબના દેશની સરહદે ફરતે ફરીને તેઓ મોઆબની પૂર્વ તરફ આર્નોન નદીની સામેની બાજુએ પહોંચ્યા. તેમણે ત્યાં છાવણી કરી, પણ તેમણે આર્નોન નદી ઓળંગી નહિ; કારણ, એ તો મોઆબની સરહદ હતી. 19 પછી ઇઝરાયલીઓએ પોતાના દેશમાં જવા હેશ્બોનના અમોરી રાજા સિહોન પાસે સંદેશકો મોકલીને તેના દેશમાં થઈને પસાર થવાની પરવાનગી માગી. 20 પણ સિહોનને ઇઝરાયલ પર ભરોસો નહોતો. તેણે પોતાના આખા સૈન્યેને એકત્ર કરીને યાહાઝમાં છાવણી નાખી અને ઇઝરાયલ પર હુમલો કર્યો. 21 પણ ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ સિહોન અને તેના સૈન્ય પર ઇઝરાયલીઓને વિજય પમાડયો. આમ, એ દેશમાં વસતા અમોરીઓનો સમસ્ત વિસ્તાર ઇઝરાયલીઓએ કબજે કર્યો. 22 તેમણે દક્ષિણે આર્નોનથી ઉત્તરે યાબ્બોક અને પૂર્વમાં રણપ્રદેશથી પશ્ર્વિમે યર્દન સુધીનો અમોરીઓનો આખો પ્રદેશ કબજે કર્યો. 23 તેથી પોતાના ઇઝરાયલી લોકો માટે અમોરીઓને હાંકી કાઢનાર તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પોતે હતા. 24 તમે હવે તે પ્રદેશ પાછો લઈ લેવાનો પ્રયાસ કરો છો? તમારા દેવ કમોશે તમને આપ્યો હોય તે પ્રદેશ તમે રાખો. પણ અમે તો અમારા ઈશ્વર પ્રભુએ અમારે માટે જે કંઈ પ્રદેશ લઈ લીધો છે તે રાખવાના છીએ. 25 મોઆબના રાજા એટલે સિપ્પોરના પુત્ર બાલાક કરતાં તમે વિશેષ છો? શું તેણે ક્યારેય અમારી વિરુદ્ધ યુદ્ધ કર્યું હતું? 26 છેલ્લાં ત્રણસો વર્ષથી હેશ્બોન અને અરોએર તથા તેમની આસપાસનાં ગામ અને આર્નોન નદીને કિનારે આવેલાં સર્વ નગરો ઇઝરાયલના તાબામાં છે. આ બધો વખત તમે તે પાછાં કેમ લઈ લીધાં નહિ? 27 ખરેખર, મેં તમારો કોઈ અપરાધ કર્યો નથી. તમે મારી સામે યુદ્ધે ચડીને મારું ભૂંડું કરી રહ્યા છો. પ્રભુ ન્યાયાધીશ છે. તે ઇઝરાયલીઓ અને આમ્મોનીઓ વચ્ચે ફેંસલો કરશે.” 28 પણ યફતાના આ સંદેશાને આમ્મોનના રાજાએ ગણકાર્યો નહિ. 29 પછી પ્રભુનો આત્મા યફતા પર આવ્યો. તે ગિલ્યાદમાં અને મનાશ્શામાં ફર્યો અને પાછો ગિલ્યાદના મિસ્પામાં આવ્યો અને ત્યાંથી આમ્મોન ગયો. 30 યફતાએ પ્રભુને વચન આપ્યું: “જો તમે મને આમ્મોનીઓ પર વિજય પમાડશો, 31 તો હું વિજય મેળવીને ઘેર પાછો આવું ત્યારે મારા ઘરમાંથી જે કંઈ મને પ્રથમ મળે તે પ્રભુનું ગણાશે અને હું તેનો દહનબલિ ચડાવીશ.” 32 એમ આમ્મોનીઓ સામે યુદ્ધ કરવા યફતાએ નદી પાર કરી અને પ્રભુએ તેને વિજય પમાડયો. 33 તેણે તેમને અરોએરથી મીન્નીથના વિસ્તાર સુધી બધાં મળીને વીસ નગરોમાં અને છેક આબેલ-ર્કાનાઈમ સુધી માર્યા. મહા ભારે ક્તલ થઈ, અને ઇઝરાયલીઓની આગળ આમ્મોનીઓ તાબે થઈ ગયા. યફતાની પુત્રી 34 યફતા જ્યારે મિસ્પામાં પોતાને ઘેર ગયો ત્યારે તેની પુત્રી ખંજરી વગાડતી અને નાચતી નાચતી તેને મળવાને આવી. તે તેની એકની એક પુત્રી હતી અને તેના સિવાય એને કોઈ સંતાન નહોતું. 35 જ્યારે તેણે તેને જોઈ ત્યારે તેણે દુ:ખથી પોતાનાં વસ્ત્ર ફાડયાં અને કહ્યું, “હાય, મારી દીકરી, તેં તો મારું હૃદય ભાંગી નાંખ્યું! તું પણ મને દુ:ખ દેનારાઓમાંની એક બની? મેં પ્રભુને ગંભીર વચન આપ્યું છે, અને હવે તે ફોક કરી શકાય તેમ નથી!” 36 તેણે તેને કહ્યું, “તમે પ્રભુને વચન આપ્યું હોય તો મારું જે કરવાનું તમે કહ્યું હોય તે કરો; કારણ, પ્રભુએ તમારા શત્રુ આમ્મોનીઓ પર વેર વાળ્યું છે.” 37 પણ તેણે તેના પિતાને કહ્યું, “મારી આટલી માગણી સ્વીકારો. મને બે માસ એકાંત આપો અને મારી સહિયરો સાથે પર્વતોમાં જઈને મારે કુંવારી જ રહેવું પડશે એ બાબતનો શોક પાળવા દો.” 38 તેણે તેને જવા દીધી અને બે માસ માટે મોકલી આપી. તે તથા તેની સહિયરો પર્વતોમાં ગયાં અને પોતે કુંવારી જ રહેશે એનો શોક કર્યો. 39 બે માસ પછી તે પોતાના પિતા પાસે પાછી આવી. યફતાએ પ્રભુ આગળ માનેલી માનતા પૂરી કરી અને તેની પુત્રી કુંવારી રહી. તેથી ઇઝરાયલમાં એવો રિવાજ પડી ગયો કે 40 ગિલ્યાદના યફતાની પુત્રીનાં વિલાપગીત ગાવા ઇઝરાયલી સ્ત્રીઓ દર વરસે ચાર દિવસ બહાર જાય. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide