યાકૂબનો પત્ર 5 - પવિત્ર બાઇબલ C.L.ધનવાનોને ચેતવણી 1 હવે હે ધનિકો, મારું સાંભળો! તમારા પર આવી પડનાર દુ:ખોને લીધે રુદન અને વિલાપ કરો. 2 તમારું ધન સડી ગયું છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે. 3 તમારું સોનુંરૂપું ક્ટથી ખવાઈ ગયું છે અને તે ક્ટ તમારી વિરુદ્ધ સાક્ષી પૂરશે અને તમારા શરીરને અગ્નિની જેમ ભરખી જશે. આ છેલ્લા દિવસોમાં તમે ધનનો સંગ્રહ કર્યો છે. 4 તમારા ખેતરોમાંના મજૂરોને હજી સુધી તમે વેતન આપ્યું નથી. તેમની ફરિયાદો સાંભળો! તમારા ખેતમજૂરોની બૂમ સર્વસમર્થ ઈશ્વર પ્રભુને કાને પહોંચી છે. 5 આ દુનિયા પરનું તમારું જીવન એશઆરામ ને ભોગવિલાસથી ભરપૂર છે. તમે પોતાને ક્તલના દિવસને માટે પુષ્ટ કર્યા છે. 6 તમે નિર્દોષ માણસને દોષિત ઠરાવ્યો છે અને મારી નાખ્યો છે અને તેણે તમારો સામનો ય કર્યો નહોતો. ધીરજ અને પ્રાર્થના 7 મારા ભાઈઓ, પ્રભુના આગમન સુધી ધીરજ રાખો. પોતાના ખેતરમાં મબલક પાક થાય તે માટે ખેડૂત કેવી ધીરજ રાખે છે! ધીરજથી તે પહેલા અને પાછલા વરસાદની રાહ જુએ છે. 8 તમારે પણ ધીરજ રાખવી જોઈએ. પ્રભુના આગમનનો દિવસ નજીક છે, તેથી તમે ઉચ્ચ આશા રાખો. 9 મારા ભાઈઓ, એકબીજાની વિરુદ્ધ ફરિયાદ ન કરો, જેથી પ્રભુ તમારો ન્યાય કરે નહિ. ન્યાયાધીશ ન્યાય કરવાને આવી પહોંચ્યો છે. 10 મારા ભાઈઓ, પ્રભુને નામે બોલનાર સંદેશવાહકોને યાદ કરો. ધીરજથી દુ:ખો સહન કરવાનો તેમનો નમૂનો લો. 11 આપણે તેમને ધન્ય કહીએ છીએ, કારણ, તેમણે સહન કર્યું હતું. તમે યોબની ધીરજ વિષે સાંભળ્યું છે અને અંતમાં પ્રભુએ પોતાનો ઇરાદો કેવી રીતે પૂર્ણ કર્યો તે તમે જાણો છો. કારણ, પ્રભુ દયા અને કરુણાથી ભરપૂર છે. 12 મારા ભાઈઓ, વિશેષે કરીને તમે વચન આપો ત્યારે સોગંદ ખાશો નહિ. આકાશના, પૃથ્વીના કે બીજા કોઈના સોગંદ ખાવા નહિ. જ્યારે તમારે “હા” કહેવું છે ત્યારે “હા” જ કહો અને જ્યારે “ના” પાડવી છે ત્યારે “ના” જ કહો; એ માટે કે તમને દોષિત ઠરાવવામાં ન આવે. 13 તમારામાં શું કોઈ દુ:ખી છે? તો તેણે પ્રાર્થના કરવી જોઈએ. શું કોઈ સુખી છે? તો તેણે સ્તુતિનાં ગીત ગાવાં જોઈએ. 14 તમારામાં શું કોઈ બીમાર છે? તો તેણે મંડળીના આગેવાનોને બોલાવવા જોઈએ. તેઓ પ્રભુને નામે તેના માથા પર તેલ ચોળીને પ્રાર્થના કરે. 15 વિશ્વાસથી કરેલી પ્રાર્થના બીમારને સાજો કરશે. પ્રભુ તેને તંદુરસ્તી પાછી આપશે અને તેનાં પાપની ક્ષમા આપશે. 16 આથી તમારાં પાપ એકબીજા આગળ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો, જેથી તમને સાજા કરવામાં આવે. ન્યાયી માણસની આગ્રહી પ્રાર્થનાની ભારે અસર થાય છે. 17 એલિયા પણ આપણા જેવો જ માણસ હતો. પણ તેણે વરસાદ વરસે નહિ તેવી પ્રાર્થના આગ્રહપૂર્વક કરી અને સાડાત્રણ વર્ષ સુધી વરસાદ પડયો નહિ. 18 તેણે ફરીવાર પ્રાર્થના કરી અને વરસાદ તૂટી પડયો અને ધરતીએ પાક નિપજાવ્યો. 19 મારા ભાઈઓ, જો તમારામાંથી કોઈ સત્યથી દૂર જાય અને કોઈ તેને પાછો લાવે તો આટલું યાદ રાખો: 20 પાપીને ખોટા માર્ગમાંથી પાછો વાળનાર તેના આત્માને મરણથી બચાવે છે અને ઘણાં પાપની ક્ષમા મેળવે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide