યાકૂબનો પત્ર 4 - પવિત્ર બાઇબલ C.L.દુનિયા સાથે દોસ્તી 1 તમારામાં લડાઈ અને ઝઘડા ક્યાંથી થાય છે? તે તો તમારાં શરીરોમાં સતત લડાઈ કરતી તમારી ભોગવિલાસની લાલસાઓથી આવે છે. 2 તમે દુર્વાસના સેવો છો, પણ તે તૃપ્ત થતી નથી, અને તેથી તમે ખૂન કરો છો; તમે કેટલીક વસ્તુઓની તીવ્ર ઝંખના રાખો છો, પણ તમે તે પ્રાપ્ત કરી શક્તા નથી અને તેથી તમે ઝઘડા કરો છો. 3 તમે ઈશ્વર પાસે માગો છો પણ મળતું નથી; કારણ, તમે તમારી ભૂંડી ઇચ્છાઓ સંતોષવાના ખોટા ઇરાદાથી માગો છો. 4 હે ઈશ્વરને બેવફા બનનારા લોકો, તમને ખબર નથી કે દુનિયાના મિત્ર થવું તે ઈશ્વરના દુશ્મન થવા બરાબર છે? જે કોઈ દુનિયાનો મિત્ર થવા ચાહે છે તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે. 5 “આપણામાં વસવા આવેલ આત્મા આપણી પાસેથી ઈશ્વર પ્રત્યે અનન્ય નિષ્ઠાની ઝંખના રાખે છે” એવું જે શાસ્ત્રવચન છે તે વ્યર્થ કહ્યું હશે એમ તમે માનો છો? 6 ઈશ્વર વધુ કૃપા આપે તે માટે શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર ગર્વિષ્ઠને ધિક્કારે છે, પણ નમ્રને કૃપા આપે છે.” 7 તેથી તમે ઈશ્વરને આધીન થાઓ. શેતાનની સામા થાઓ એટલે તે તમારાથી દૂર ભાગશે. 8 ઈશ્વરની પાસે આવો એટલે તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ! તમારા હાથ ચોખ્ખા કરો. ઓ દંભીઓ, તમારાં હૃદયો શુદ્ધ કરો. 9 દુ:ખી થાઓ, વિલાપ કરો ને રુદન કરો. તમારા હાસ્યને રુદનમાં અને આનંદને શોકમાં ફેરવી નાખો. 10 પ્રભુની આગળ પોતાને નમ્ર કરો અને તે તમને ઉચ્ચસ્થાને મૂકશે. બીજાનો ન્યાય ન કરો 11 મારા ભાઈઓ, એકબીજાની નિંદા ન કરો. જો કોઈ પોતાના ભાઈની નિંદા કરે કે ન્યાય કરે તો તે નિયમશાસ્ત્રની નિંદા અને ન્યાય કરે છે. જો તમે નિયમશાસ્ત્રનો ન્યાય કરો તો પછી તમે નિયમનું પાલન કરનારા નહિ, પણ તેના ન્યાયાધીશ બનો છો. 12 ફક્ત ઈશ્વર જ નિયમદાતા અને ન્યાયાધીશ છે. ફક્ત તે જ બચાવી શકે છે અને નાશ કરી શકે છે. તમારા સાથીભાઈનો ન્યાય કરનાર તમે કોણ છો? બડાઈ મારશો નહિ 13 “આજે કે આવતી કાલે અમે અમુક શહેરમાં જઈશું, ત્યાં એક વર્ષ સુધી વેપાર કરીને કમાઈશું.” એવું કહેનારા તમે મારું સાંભળો. 14 આવતીકાલે તમારા જીવનનું શું થશે તે તમે જાણો છો? તમે તો ધૂમ્મસ જેવા છો. જે થોડીવાર સુધી દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે. 15 તમારે તો આમ કહેવું જોઈએ: જો પ્રભુની ઇચ્છા હશે તો અમે જીવતા રહીશું અને આ અથવા પેલું કાર્ય કરીશું. 16 પણ હાલ તમે ગર્વિષ્ઠ છો અને બડાઈ મારો છો. આ પ્રકારનો તમામ ગર્વ નકામો છે. 17 સારું કાર્ય શું છે તે જાણ્યા છતાં તે ન કરનારને પાપ લાગે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide