Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યાકૂબનો પત્ર 3 - પવિત્ર બાઇબલ C.L.


ખતરનાક જીભ

1 મારા ભાઈઓ, તમારામાંથી ઘણાએ ઉપદેશક બનવું નહિ. કારણ, આપણ ઉપદેશકોનો ન્યાય બીજા કરતાં વધુ કડકાઈથી થશે તેની તો તમને ખબર છે.

2 આપણે બધા ઘણીવાર ભૂલો કરીએ છીએ. જે વ્યક્તિ બોલવામાં ભૂલ કરતી નથી તે સંપૂર્ણ છે અને તેના સંપૂર્ણ વ્યક્તિત્વને કાબૂમાં રાખવા શક્તિમાન છે.

3 ઘોડાને કાબૂમાં રાખવા લગામ રાખવામાં આવે છે, જેથી આપણી ઇચ્છા મુજબ તેને ચલાવી શકીએ છીએ.

4 અથવા વહાણનો વિચાર કરો. તે ઘણું મોટું હોય છે અને ભારે પવનથી ચાલે છે, છતાં બહુ નાના સુકાનથી સુકાની પોતાની ઇચ્છા મુજબ તેને હંકારી શકે છે.

5 જીભ વિષે પણ એમ જ છે. ઘણી નાની હોવા છતાં તે મહાન બાબતો વિષે બડાઈ મારે છે. જરા વિચાર કરો કે અગ્નિનો બહુ નાનો તણખો મોટા જંગલને સળગાવી શકે છે.

6 તેમ જીભ પણ અગ્નિ જેવી છે. એ તો જૂઠની દુનિયા છે. અન્ય અવયવો સાથે તેને પણ આપણા શરીરમાં સ્થાન છે. આપણા સમગ્ર વ્યક્તિત્વની મારફતે તે ભૂંડાઈ ફેલાવે છે. તેની મારફતે આવતા નર્કાગ્નિથી આપણા સમગ્ર અસ્તિત્વને તે સળગાવે છે.

7 દરેક પ્રકારનાં પ્રાણીઓ, પક્ષીઓ, સર્પટિયાં અને માછલાંને માણસે કાબૂમાં રાખ્યાં છે,

8 પણ કોઈએ કદી જીભને કાબૂમાં રાખી નથી, તે તો ભૂંડી અને કાબૂમાં રાખી ન શકાય તેવી છે. વળી, ક્તિલ ઝેરથી ભરપૂર છે.

9 આપણે આપણા પ્રભુ અને ઈશ્વરપિતાની સ્તુતિ કરવા તેનો ઉપયોગ કરીએ છીએ અને સાથે સાથે ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે સર્જવામાં આવેલા આપણા સાથી માનવોને તે જ જીભથી શાપ આપીએ છીએ.

10 સ્તુતિ અને શાપ એક જ મુખમાંથી નીકળે છે. મારા ભાઈઓ, આવું તો ન જ બનવું જોઈએ;

11 ઝરણાના મુખમાંથી કડવું અને મીઠું પાણી નીકળી શકે ખરું?

12 મારા ભાઈઓ, અંજીરના વૃક્ષને ઓલિવનું ફળ આવે? અને દ્રાક્ષવેલાને કદી અંજીર બેસે? તે જ રીતે ખારા પાણીનો ઝરો મીઠું પાણી આપી શક્તો નથી.


ઈશ્વર તરફથી મળતું જ્ઞાન

13 શું તમારામાં કોઈ જ્ઞાની અને સમજુ છે? તો ઉત્તમ જીવનથી, નમ્રતાથી અને જ્ઞાનથી કરેલાં પેતાનાં સારાં કાર્યો દ્વારા તેણે તે પુરવાર કરવું જોઈએ.

14 પણ જો તમે તમારાં હૃદયોમાં ઈર્ષાળુ, ઝેરીલા અને સ્વાર્થી હો તો તમારે ગર્વ કરવો નહિ અને સત્યની વિરુદ્ધ જૂઠું બોલવું નહિ.

15 આ પ્રકારનું જ્ઞાન ઈશ્વર તરફથી નથી, પણ તે દુન્યવી, વિષયી અને શેતાની છે.

16 જ્યાં ઈર્ષા અને સ્વાર્થ છે, ત્યાં અવ્યવસ્થા અને સર્વ પ્રકારની દુષ્ટતા છે.

17 પણ ઈશ્વર તરફથી આવતું જ્ઞાન સૌ પ્રથમ તો નિર્મળ છે; વળી, તે શાંતિદાયક, નમ્ર, મૈત્રીભાવી અને દયાપૂર્ણ હોય છે. તે સારાં કાર્યો નિપજાવે છે. તેમાં ભેદભાવ કે દંભ નથી.

18 શાંતિ કરાવનારાઓ શાંતિનાં જે બીજ વાવે છે તેના ફળરૂપે સદ્ભાવના નીપજે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan