યાકૂબનો પત્ર 1 - પવિત્ર બાઇબલ C.L.1 ઈશ્વરના અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક તરફથી વિવિધ સ્થળે દુનિયામાં વિખેરાઈ ગયેલાં બારે કુળને શુભેચ્છા. વિશ્વાસ અને જ્ઞાન 2 મારા ભાઈઓ, જ્યારે તમારા માર્ગમાં વિવિધ પ્રકારની ક્સોટીઓ આવે, ત્યારે તમે તેમાં આનંદ કરો. 3 કારણ, તમે જાણો છો કે તમારા વિશ્વાસની ક્સોટી થવાને લીધે તમારામાં સહનશક્તિ પેદા થાય છે. 4 તમારી સહનશક્તિ ખૂટી ન જાય પણ તે પૂરેપૂરી રીતે કાર્યરત રહે માટે ધ્યાન રાખજો, જેથી તમે પરિપકવ અને પરિપૂર્ણ બનો અને તમારામાં કંઈ ઊણપ રહે નહિ. 5 જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઊણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે; કારણ, ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે. 6 પણ તમારે વિશ્વાસપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ અને શંકા લાવવી જોઈએ નહિ. શંકાશીલ માણસ પવનથી ઊછળતા દરિયાના મોજાં જેવો અસ્થિર છે. 7 એવો માણસ નથી નિર્ણય કરી શક્તો કે નથી તેના વ્યવહારવર્તનમાં સ્થિર રહી શક્તો. એવો માણસ દંભી છે. 8 પ્રભુ તેને કંઈક આપશે તેવી ધારણા તેણે રાખવી જોઈએ નહિ. ગરીબ અને ધનવાન 9 કોઈ ગરીબ ભાઈને ઈશ્વર ઉચ્ચ પદવી આપે, 10 અને કોઈ ધનવાન ભાઈને નીચે સ્થાને લાવે તો તેમણે આનંદ કરવો. કારણ, ધનવાન તો જંગલમાંના ઘાસના ફૂલની માફક ચાલ્યો જવાનો છે. 11 સૂર્યનો તાપ તપે છે એટલે ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે. તેમજ તેનું સૌંદર્ય નાશ પામે છે. એ જ પ્રમાણે, ધનવાન પણ જ્યારે પોતાના ધંધા રોજગારમાં મશગૂલ હશે ત્યારે તે નાશ પામશે. પ્રલોભનો 12 જે માણસ પ્રલોભનોમાં વિશ્વાસુ રહે છે તેને ધન્ય છે. કારણ, પ્રલોભનોમાંથી પાર ઊતર્યા પછી ઈશ્વર તેને ઇનામ તરીકે જીવનરૂપી મુગટ આપશે. ઈશ્વર પર પ્રેમ કરનારાઓને એ જીવન આપવાનું ઈશ્વરે વચન આપેલું છે. 13 જો કોઈનું પ્રલોભન થાય, તો “આ પ્રલોભન ઈશ્વર તરફથી આવ્યું છે” એમ તેણે ન કહેવું. કારણ, ભૂંડાઈથી ઈશ્વરનું પ્રલોભન થઈ શકતું નથી અને તે પોતે કોઈનું પ્રલોભન કરતા નથી. 14 પણ માણસ પોતાની દુર્વાસનાઓથી લલચાઈને ફસાઈ જાય છે. 15 ત્યાર પછી આ દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પુખ્ત થઈને મરણ નિપજાવે છે. 16 મારા પ્રિય ભાઈઓ, છેતરાશો નહિ. 17 દરેક સારી બક્ષિસ અને દરેક સંપૂર્ણ કૃપાદાન સ્વર્ગમાંથી એટલે, સર્વ પ્રકાશના ઉદ્ભવસ્થાન, સ્વયંપ્રકાશ ઈશ્વર પાસેથી આવે છે; તેમનામાં કોઈ ફેરફાર થતો નથી કે ફરવાથી પડછાયો પડતો નથી. 18 તેમણે પોતાની ઇચ્છાથી જ સત્યના સંદેશ મારફતે આપણને જન્મ આપ્યો છે, જેથી સર્વ સર્જનમાં આપણું સ્થાન પ્રથમ રહે. સદાચારનો ઉત્તમ માર્ગ 19 મારા પ્રિય ભાઈઓ, આટલું યાદ રાખો: દરેકે સાંભળવામાં તત્પર, બોલવામાં ધીરા અને ગુસ્સે થવામાં ધીમા થવું જોઈએ. 20 ઈશ્વરનો ન્યાયી ઇરાદો કંઈ માણસના ગુસ્સાથી ફળીભૂત થતો નથી. 21 આથી તમારામાંથી કુટેવો અને દુષ્ટતા દૂર કરો. ઈશ્વરને આધીન થાઓ અને તમારો ઉદ્ધાર થાય માટે તમારાં હૃદયોમાં ઈશ્વરે વાવેલો સંદેશ ગ્રહણ કરો. 22 ઈશ્વરનો સંદેશ અનુસરો; તેને માત્ર સાંભળીને તમારી જાતને છેતરો નહિ. 23 જે કોઈ સંદેશ સાંભળીને તેને અમલમાં મૂક્તો નથી તે અરીસામાં જોનારના જેવો છે: 24 તે પોતાને ખૂબ ધ્યનથી નિહાળે છે અને પછી ત્યાંથી ખસી જતાં પોતે કેવો લાગે છે તે તરત જ ભૂલી જાય છે. 25 પણ માનવીને સ્વતંત્ર કરનાર સંપૂર્ણ નિયમમાં જે કોઈ પોતાને ધ્યનથી નિહાળે છે અને તેના પ્રત્યે સતત ધ્યાન આપે છે તથા સાંભળીને ભૂલી નહિ જતાં તેનો જીવનમાં અમલ કરે છે તેવી વ્યક્તિને તેના સર્વ કાર્યમાં ઈશ્વર આશિષ આપશે. 26 શું કોઈ પોતાને ધાર્મિક માને છે? જો તે પોતાની જીભને કાબૂમાં રાખતો નથી તો તેનો ધર્મ નિરર્થક છે અને તે પોતાની જાતને છેતરે છે. 27 અનાથ અને વિધવાઓની તેમનાં દુ:ખોમાં કાળજી લો અને આ દુનિયાની અશુદ્ધતાથી પોતાની જાતને દૂર રાખો. ઈશ્વરપિતા આવા જ ધર્મને શુદ્ધ અને સાચો ગણે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide