યશાયા 9 - પવિત્ર બાઇબલ C.L.ભાવિ રાજા 1 છતાં સંકટમાં સપડાયેલાઓ માટે અંધકાર કંઈ કાયમ રહેવાનો નથી. ભૂતકાળમાં ઝબુલૂન અને નાફતાલીના કુળપ્રદેશો નામોશીપાત્ર થયા હતા, પણ ભવિષ્યમાં ભૂમધ્ય સમુદ્રના કાંઠાપ્રદેશના ધોરીમાર્ગથી યર્દનના કિનારા સુધીનો સમગ્ર ગાલીલ પ્રદેશ, જ્યાં પરદેશીઓ વસે છે, તેની પ્રતિષ્ઠા વધશે. 2 અંધકારમાં ચાલતા લોકોએ મહાન પ્રકાશ જોયો છે. ઘોર અંધકારમાં વસનારા પર પ્રકાશ ચમકયો છે. 3 તમે તેમને પ્રફુલ્લિત કર્યા છે; તમે તેમનો આનંદ વધાર્યો છે. કાપણી કરતાં કે લૂંટ વહેંચતાં જેવો આનંદ થાય તેવો આનંદ તેઓ તમારા સાંનિધ્યમાં અનુભવે છે. 4 કારણ, વર્ષો પૂર્વે તમે મિદ્યાનીઓના સૈન્યને હરાવ્યું હતું તે પ્રમાણે તમે તમારા લોક પરની ઝૂંસરીનાં, તેમના ખભા પરના ત્રાસદાયક દાંડાના એટલે તેમના પર જુલમ કરનારાઓના દંડના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા છે. 5 કારણ, રણમેદાનમાં ઝઝૂમતા યોદ્ધાઓનાં પગરખાં અને લોહીમાં ખરડાયેલાં તેમનાં વસ્ત્રો અગ્નિમાં બાળી નાખવામાં આવશે. 6 આપણે માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજ્યાધિકાર ધારણ કરશે. તેને અદ્ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે. 7 તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે. ઇઝરાયલ પર ઈશ્વરનો રોષ 8 ઇઝરાયલ વિરુદ્ધ એટલે યાકોબના વંશજો વિરુદ્ધ પ્રભુએ પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. 9 એફ્રાઈમના તેમ જ સમરૂનના સર્વ રહેવાસીઓને એની ખબર પડશે. એ લોકો તો પોતાના અભિમાન અને તુમાખીમાં કહે છે કે, 10 “ઈંટોનાં મકાનો ભલે પડી ગયાં, હવે આપણે પથ્થરોનાં બાંધીશું. ગુલ્લરવૃક્ષ કાપી નંખાયાં છે, પણ તેને બદલે આપણે ગંધતરુનાં લાકડાંનો ઉપયોગ કરીશું.” 11 પ્રભુએ રસીનના દુશ્મનોને જ તેમના પર આક્રમણ કરવા ઉશ્કેર્યા છે. 12 પૂર્વ તરફથી અરામે અને પશ્ર્વિમ તરફથી પલિસ્તીઓએ ઇઝરાયલને ગળી જવા પોતાનું મોં ઉઘાડયું છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે. 13 સર્વસમર્થ પ્રભુએ શિક્ષા કરી હોવા છતાં ઇઝરાયલીઓ પોતાના પાપથી વિમુખ થઈને પ્રભુ પાસે પાછા આવ્યા નથી. 14 આથી એક જ દિવસમાં પ્રભુ ઇઝરાયલમાંથી માથું અને પૂંછડી તથા તાડની ડાળી અને બરુ કાપી નાખશે. 15 લોકોના આગેવાનો અને પ્રતિષ્ઠિત માણસો માથું છે અને જૂઠું શિક્ષણ આપનાર સંદેશવાહક પૂંછડી છે. 16 આ લોકોના આગેવાનોએ તેમને ગેરમાર્ગે દોર્યા છે અને એમ તેમને ભટકાવી દીધા છે. 17 તેથી પ્રભુ તેમના જુવાનોને જીવતા જવા દેશે નહિ અને તે કોઈ વિધવા કે અનાથ પર દયા દાખવશે નહિ. કારણ, બધા જ લોકો અધર્મી અને દુષ્ટ છે. એકેએક જણ ભૂંડું બોલે છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે. 18 લોકોની દુષ્ટતા આગની જેમ ભભૂકી ઊઠી છે અને તેમાં કાંટાઝાંખરાં સળગી જશે. એ આગ ગાઢ જંગલને પણ ભડકે બાળે છે અને તેના ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ચડે છે. 19 સર્વસમર્થ પ્રભુનો કોપ આખા દેશમાં ભભૂકી ઊઠયો છે અને લોકો એમાં બળતણ જેવા બન્યા છે. કોઈ પોતાના ભાઈ પર દયા રાખતો નથી. 20 તેઓ જમણે હાથે ખોરાક ઝૂંટવી લે છે, પણ તેમની ભૂખ મટતી નથી. તેઓ ડાબે હાથે ખાય છે, પણ ધરાતા નથી. બલ્કે, તેઓ પોતાનાં બાળકોને ખાઈ જાય છે! 21 મનાશ્શાના લોક એફ્રાઈમના અને એફ્રાઈમના લોક મનાશ્શાના ભક્ષ થઈ પડયા છે. તેઓ સાથે મળીને યહૂદિયાને ખાઈ જવા હુમલો કરે છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી પણ સજા કરવાને ઉગામેલો છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide