Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 8 - પવિત્ર બાઇબલ C.L.


નિશાની તરીકે યશાયાનો પુત્ર

1 પ્રભુએ મને કહ્યું, “એક મોટી લેખનપાટી લઈને તે પર મોટા અક્ષરે ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ (ત્વરિત લૂંટાલૂંટ, ઝડપી લૂંટાલૂંટ) લખ.

2 મારા તરફથી બે વિશ્વાસુ સાક્ષીઓ તરીકે ઉરિયા યજ્ઞકાર અને યેબેરેખ્યાના પુત્ર ઝખાર્યાને બોલાવી લે.”

3 પછી મેં સંદેશવાહિકા સાથે સમાગમ કર્યો, એટલે તે ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો. ત્યારે પ્રભુએ મને કહ્યું. “તેનું નામ ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ પાડ.

4 કારણ, તે છોકરો ‘મારા પિતા’ અને ‘મારી મા’ બોલતો થાય તે પહેલાં આશ્શૂરનો રાજા દમાસ્ક્સની બધી સંપત્તિ અને સમરૂનની લૂંટ લઈ જશે.”


આશ્શૂરના રાજાનું આમંત્રણ

5 પ્રભુએ ફરીથી મારી સાથે વાત કરી.

6 તેમણે કહ્યું, “આ લોકોએ શિલોઆના મંદમંદ વહેતા ઝરણાને ત્યજી દીધું છે, અને તેઓ રસીન અને રમાલ્યાના પુત્ર પેકાથી રાજી છે.

7 તે માટે હું પ્રભુ આશ્શૂરના રાજાને તેના શસ્ત્રસજ્જિત સૈન્ય સાથે યહૂદિયા પર ચડાઈ કરવા લઈ આવીશ. તેઓ યુફ્રેટિસ નદીના વિશાળ અને ધસમસતા પ્રવાહની જેમ ચડી આવશે.

8 એ પ્રવાહથી નાળાં ઊભરાઈ જશે અને તેમના કાંઠા છલકાઈ જશે. તે યહૂદિયામાં ધસી જઈ ફરી વળશે અને આગળ વધતાં ગળા સુધી પહોંચશે. આખા દેશને આવરી લે તે રીતે તે પોતાની પાંખો પ્રસારશે.” ઈશ્વર અમારી સાથે હો!

9 હે વિદેશીઓ, યુદ્ધનો લલકાર કરો, પણ યાદ રાખો કે તમારા ભુક્કા બોલી જશે. હે દૂરદૂરના દેશો, ધ્યનથી સાંભળો! યુદ્ધને માટે ભલે સજ્જ થાઓ, પણ તમારા ચૂરેચૂરા થઈ જશે. યુદ્ધને માટે ભલે તૈયાર થાઓ, પણ તમારો ઘાણ વળી જવાનો છે.

10 યુદ્ધ માટે વ્યૂહ રચો, પણ તે નિષ્ફળ જશે. મંત્રણાઓ કરો, પણ તે પડી ભાંગશે! કારણ, ઈશ્વર અમારી સાથે છે.


પ્રભુની સંદેશવાહકને ચેતવણી

11 પ્રભુએ મને પોતાના હાથના જોરે પકડી રાખીને ચેતવણી આપી કે તારે આ લોકોના માર્ગમાં ચાલવું નહિ. તેમણે કહ્યું,

12 “લોકો જેને કાવતરું કહે છે તેને તમારે કાવતરું કહેવું નહિ અને તેઓ જેનાથી બીએ છે તેનાથી તમારે બીવું કે ગભરાવું નહિ.

13 માત્ર હું સર્વસમર્થ પ્રભુ જ પવિત્ર છું. તમારે માત્ર મારી જ બીક રાખવી.

14 હું તમારે માટે પવિત્રસ્થાન બની રહીશ; પણ ઇઝરાયલ અને યહૂદિયા માટે તો હું ઠોકર ખવડાવનાર પથ્થર જેવો અને ગબડાવી નાખે તેવા ખડક જેવો બની રહીશ. વળી, યરુશાલેમના લોકો માટે હું ફાંદા અને જાળરૂપ બનીશ.

15 ઘણા ઠોકર ખાશે. તેઓ પડી જશે અને કચડાઈ જશે. તેઓ સકંજામાં પકડાઈ જશે.


મરેલાંનો સંપર્ક સાધવા વિરુદ્ધ ચેતવણી

16 “હે મારા શિષ્યો, તમારી વચમાં હું આ સાક્ષી બાંધી દઉં છું અને આ સંદેશા પર મહોર મારું છું.”

17 પ્રભુ યાકોબના વંશજોથી વિમુખ થઈ ગયા છે, પણ હું તેમનામાં જ મારી આશા રાખીશ અને તેમના પર જ ભરોસો મૂકીશ.

18 હું તથા પ્રભુએ મને આપેલાં આ બાળકો સિયોન પર્વત પર નિવાસ કરનાર સર્વસમર્થ પ્રભુ તરફથી ઇઝરાયલમાં નિશાની અને પ્રતીક સમા છીએ.

19 લોકો તમને કહેશે કે, “જોશીઓ અને બડબડ કરનારા ભૂવાઓનો સંપર્ક સાધો. લોકોએ પોતાના દેવને ન પૂછવું જોઈએ? તેમણે જીવતાં માણસો માટે મરેલાંઓને પૂછવું જોઈએ?”

20 પણ તમે નિયમ તથા સાક્ષ્યલેખ તરફ ધ્યાન આપો. એના સંદેશ પ્રમાણે તેઓ ન બોલવાના હોય તો તેનાથી તેમને કંઈ જાણકારી પ્રાપ્ત થશે નહિ.


સંકટનો સમય

21 પીડિતો અને કંગાલો આખા દેશમાં ભટકશે. તેઓ આકાશ તરફ મીટ માંડશે. તેઓ ભૂખના માર્યા રોષે ભરાઈને તેમના રાજાને અને ઈશ્વરને શાપ દેશે.

22 તેઓ પૃથ્વી પર નજર કરશે તો તેમને વિપત્તિ, અંધકાર અને ડરામણી ગ્લાનિ જ દેખાશે અને તેઓ ઘોર અંધકારમાં ધકેલાઈ જશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan