Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 7 - પવિત્ર બાઇબલ C.L.


આહાઝનો સંદેશો

1 ઉઝિયાના પુત્ર યોથામનો પુત્ર આહાઝ યહૂદિયા પર રાજ કરતો હતો ત્યારે અરામના રાજા રસીને અને ઇઝરાયલના રાજા રમાલ્યાના પુત્ર પેકાએ યરુશાલેમ પર આક્રમણ કર્યું, પણ તેઓ તેને જીતી શક્યા નહિ.

2 યહૂદિયાના દાવિદવંશી રાજાને સંદેશો મળ્યો કે અરામનું સૈન્ય એફ્રાઈમના સૈન્ય સાથે મળીને તેમના પર ચડી આવ્યું છે, ત્યારે તે તથા તેના લોકો પવનથી કંપતા વૃક્ષની જેમ ભયથી થરથરવા લાગ્યા.

3 પ્રભુએ યશાયાને કહ્યું, “તું તારી સાથે તારા પુત્ર શઆર-યાશૂબ [અર્થાત્ બચેલો શેષ પાછો ફરશે]ને લઈને આહાઝ રાજાને મળવા જા. તે તને ધોબીઘાટને માર્ગે ઉપરના કુંડના નાળાને છેડે મળશે.

4 તારે તેને આમ કહેવું, ‘સાવધ રહે, શાંત થા અને બીશ નહિ. અરામનો રાજા રસીન અને રમાલ્યાનો પુત્ર પેકા તો બે ધૂમાતા ઠૂંઠા જેવા છે. તેમના ધૂંધવાતા ક્રોધથી મનમાં હતાશ થઈ જઈશ નહિ.

5 અરામ તથા ઇઝરાયલ અને તેનો રાજા સાથે મળીને કાવતરું ઘડીને આમ કહે છે,

6 ‘ચાલો, આપણે યહૂદિયા પર ચડાઈ કરીએ, લોકો આપણી સાથે જોડાય માટે તેમને ત્રાસ આપીએ અને રાજગાદી ઉપર ટાબએલના પુત્રને રાજા બનાવીએ.’

7 “પણ હું સર્વસમર્થ પ્રભુ જાહેર કરું છું કે એવું

8 તો ન બને તે ન જ બને. કારણ, અરામનું પાટનગર દમાસ્ક્સ છે અને રસીન દમાસ્ક્સનો રાજા છે. પાંસઠ વર્ષમાં એફ્રાઈમ એવું વેરવિખેર થઈ જશે કે તેનું પ્રજા તરીકે અસ્તિત્વ નહિ રહે.

9 ઇઝરાયલનું પાટનગર સમરૂન છે અને પેકા સમરૂનનો રાજા છે. “તમે વિશ્વાસમાં અડગ રહેશો નહિ, તો તમે ટકી શકશો નહિ.”


ઇમ્માનુએલની નિશાની

10 પ્રભુએ આહાઝને બીજો સંદેશો મોકલ્યો:

11 “તારા ઈશ્વર પ્રભુ પાસેથી નિશાની માગ. પછી ભલે એ નિશાની મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી હોય કે ઊંચે આકાશમાંથી હોય!”

12 આહાઝે જવાબ આપ્યો, “હું નિશાની માગીશ નહિ. મારે પ્રભુની ક્સોટી કરવી નથી.”

13 યશાયાએ જવાબ આપ્યો, “હે દાવિદના વંશજો, સાંભળો! તમે માણસની ધીરજ ખૂટી જાય એવું કરો છો એ બસ નથી કે હવે તમે ઈશ્વરની પણ ધીરજ ખૂટી જાય તેમ કરશો?

14 તો હવે પ્રભુ પોતે તમને નિશાની આપશે: કન્યા સગર્ભા છે અને તેને પુત્ર જન્મશે અને તે તેનું નામ ઇમ્માનુએલ (ઈશ્વર આપણી સાથે) પાડશે.

15 તે છોકરો ભૂંડાનો ત્યાગ કરવાની અને ભલાનો સ્વીકાર કરવાની સમજણ પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં તો દહીં અને મધ ખવાતાં થઈ જશે.

16 અરે, છોકરો ભૂંડાનો ત્યાગ કરવાની અને ભલાનો સ્વીકાર કરવાની સમજણ પ્રાપ્ત કરે તે પહેલાં તો જે બે રાજાઓનો તને ડર લાગે છે તેમનો દેશ ઉજ્જડ થઈ જશે.

17 “એફ્રાઈમ યહૂદિયાથી વિખૂટો પડયો ત્યાર પછી ક્યારેય આવ્યા ન હોય એવા વિકટ દિવસો પ્રભુ તારા પર, તારી પ્રજા પર અને તારા રાજવી કુટુંબ પર લાવશે. એટલે કે તે આશ્શૂરના રાજાને બોલાવી લાવશે.

18 “તે સમયે પ્રભુ ઇજિપ્તવાસીઓને નાઇલ નદીના દૂરદૂરના ફાંટાઓ પાસેથી માખીની જેમ અને આશ્શૂરીઓને તેમના દેશમાંથી મધમાખીઓની જેમ સીટી વગાડીને બોલાવશે.

19 તેઓ કરાડવાળાં કોતરોમાં, ખડકોની ફાટોમાં, બધાં કાંટાળા છોડવાઓમાં અને જળાશયોની બખોલોમાં છવાઈ જશે.

20 “તે સમયે પ્રભુ યુફ્રેટિસની પેલે પારથી ભાડે રાખેલા અસ્ત્રાને, એટલે આશ્શૂરના રાજાને લાવશે અને તમારી દાઢીના, માથાના અને પગના વાળ કાપી નાખશે.

21 “તે સમયે પ્રત્યેક માણસ પાસે એક વાછરડી અને બે ઘેટી હશે.

22 છતાં તેઓ એટલું બધું દૂધ આપશે કે તેઓ તેનું દહીં બનાવીને ખાશે. હા, દેશના બાકી રહેલા સૌ દહીં અને મધ ખાશે.

23 “તે સમયે જ્યાં ચાંદીના હજાર સિક્કાની કિંમતના હજાર દ્રાક્ષવેલા હતા તેવી દ્રાક્ષવાડીમાં કાંટા અને ઝાંખરા ઊગી નીકળશે.

24 લોકો ત્યાં ધનુષ્યબાણ લઈને શિકારે જશે. કારણ, આખો દેશ કાંટાઝાંખરાથી છવાઈ જશે.

25 જે બધી ટેકરીઓ ઉપર કોદાળીથી ખોદકામ થતું હતું ત્યાં કાંટા અને ઝાંખરાની બીકથી કોઈ કહેતાં કોઈ જશે નહિ. તે ઢોરઢાંક અને ઘેટાંબકરાંની ચરવાની જગ્યા થઈ જશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan