Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 66 - પવિત્ર બાઇબલ C.L.


ન્યાય અને આશા

1 પ્રભુ આમ કહે છે, “આકાશ મારું રાજ્યાસન અને પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે માટે કેવા પ્રકારનું ઘર બાંધશો? મારું નિવાસસ્થાન કેવું બનાવશો?”

2 વળી પ્રભુ કહે છે, “શું મેં મારે પોતાને હાથે જ એ સૌનું સર્જન કર્યું નથી? મારે કારણે જ તો તેઓ અસ્તિત્વ ધરાવે છે! તેથી મારા નિવાસ માટે તો હું જે ગરીબ અને નમ્ર દયનો છે અને મારાં વચનથી ધ્રૂજે છે તેની જ તરફ લક્ષ રાખીશ.

3 “પણ આખલાનો બલિ ચડાવનાર માણસની હત્યા કરનાર જેવો છે; હલવાનનું અર્પણ ચડાવનાર કૂતરાની ડોક ભાગનાર જેવો છે; ધાન્યઅર્પણ ચડાવનાર ભૂંડનું રક્ત ચડાવનાર જેવો છે અને યાદગીરીને અર્થે ધૂપ બાળનાર મૂર્તિની ઉપાસના કરનાર જેવો છે. કારણ, તેમણે પોતપોતાનો માર્ગ પસંદ કર્યો છે. અને તેમનાં મન ઘૃણાજનક પૂજાવિધિઓમાં મગ્ન રહે છે.

4 તેથી તો તેમના પ્રત્યે કેવો વ્યવહાર કરવો તે હું પસંદ કરીશ અને તેમના પર ભયાનક આફત લાવીશ. મેં હાંક મારી ત્યારે કોઈએ જવાબ આપ્યો નહિ અને હું બોલ્યો ત્યારે કોઈએ તે પર ધ્યાન આપ્યું નહિ. તેમણે તો મારી દષ્ટિમાં દુષ્ટ ગણાતાં કામો કર્યાં છે અને મને નારાજી થાય તેવી બાબતો પસંદ કરી છે.”

5 તો હવે પ્રભુના સંદેશથી ધ્રૂજનારા, તમે તેમનો સંદેશ સાંભળો: “તમારો તિરસ્કાર અને બહિષ્કાર કરનાર તમારા જાતભાઈઓ તમારે વિષે આવું કહે છે: ‘પ્રભુ પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમને આનંદિત થયેલા જોઈએ.’ પણ તેઓ પોતે જ લજવાશે.”

6 સાંભળો! શહેરમાં બૂમરાણ મચ્યું છે. મંદિરમાં અવાજ સંભળાય છે. એ તો પોતાના શત્રુઓને ભરીપૂરીને બદલો વાળી રહેલ પ્રભુનો અવાજ છે.

7 સિયોનનગરી તો વેદના થયા પહેલાં બાળકને જન્મ આપી દેનાર અને કષ્ટ ઊપડે તે પહેલાં પુત્ર જણી દેનાર સ્ત્રી જેવી છે.

8 શું કોઈએ આવું કદી જોયું કે સાંભળ્યું છે? શું એક જ દિવસમાં દેશનો પ્રસવ થઈ જાય? શું એક ક્ષણમાં પ્રજાનો ઉદ્ભવ થઈ જાય? પણ સિયોનને તો પ્રસવવેદના થતાંની સાથે જ તે સંતાનોને જન્મ આપશે.

9 પ્રભુ કહે છે, “હું પ્રસૂતિનો સમય પાસે લાવીને પ્રસવ ન થવા દઉં એવું બને ખરું?” તમારા ઈશ્વર કહે છે, “પ્રસૂતિ થવાની હોય અને હું પ્રસવ અટકાવી દઉં એવું બને ખરું?”

10 હે યરુશાલેમ પર પ્રેમ રાખનારાઓ, યરુશાલેમ સાથે આનંદ કરો અને તેને લીધે હર્ષ પામો. હે યરુશાલેમ માટે શોક કરનારાઓ, તમે સૌ તેની સાથે આનંદ કરો.

11 યરુશાલેમને મળેલા સાંત્વનનું સ્તનપાન કરીને તમે તૃપ્ત થશો. બાળક સ્તનપાન કરવામાં તલ્લીન થઈ જાય તેમ તમે યરુશાલેમની સમૃદ્ધિથી આનંદ પામશો.

12 પ્રભુ કહે છે, “હું તેનામાં સમૃદ્ધિની નદી વહાવીશ અને છલક્તા ઝરણાની જેમ પ્રજાઓની સંપત્તિ તમારી પાસે આવશે. માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે, તેને કેડે ઊંચકી લે અને તેને ખોળામાં લાડ લડાવે એમ હું તમારું પાલનપોષણ કરીને તમારો ઉછેર કરીશ.

13 માતા બાળકને સાંત્વન આપે તેમ હું પણ તમને સાંત્વન આપીશ; તમે યરુશાલેમ સંબંધી સાંત્વન પામશો.”

14 એ બધું જોઈને તમારાં હૃદય આનંદવિભોર બની જશે અને લીલોતરીની જેમ તમારાં અંગઅવયવ ખીલી ઊઠશે. ત્યારે પ્રભુ પોતાના સેવકોના પક્ષમાં પોતાનું બાહુબળ દાખવશે; પણ તેમના શત્રુઓ પર તો તે ક્રોધ દાખવશે.

15 પ્રભુ અગ્નિ સહિત આવશે. તેમના રથો વંટોળિયા જેવા છે. તે અતિ જુસ્સામાં પોતાનો રોષ ઠાલવશે અને અગ્નિની જ્વાળાઓથી તે ધમકી દેશે.

16 તે અગ્નિ અને તલવારથી ન્યાયશાસન લાવશે અને પ્રભુ ઘણાનો સંહાર કરી નાખશે.

17 પ્રભુ કહે છે, “પોતાને પવિત્ર અને શુદ્ધ કરીને પારકા દેવના સરઘસમાં જોડાઈને જેઓ પવિત્ર બગીચાઓમાં જાય છે; જેઓ ભૂંડ, ઊંદર અને અન્ય અશુદ્ધ વસ્તુઓ ખાય છે તેઓ સૌનો એક સાથે અંત આવી લાગ્યો છે. તેમનાં કાર્યો અને કલ્પનાઓ હું જાણું છું.

18 હું સર્વ પ્રજાઓ અને ભાષાઓના લોકોને એકઠા કરવા આવી રહ્યો છું. તેઓ આવીને મારું ગૌરવ જોશે.

19 હું તેમને નિશાની આપીશ અને જેમણે મારી ખ્યાતિ સાંભળી નથી અથવા મારું ગૌરવ જોયું નથી તેવા કેટલાક બચી જવા પામેલાઓને હું તાર્શિશ, પુટ, લુદ, મેશેખ, તુબાલ, યાવાન અને દરિયાપારના દેશોમાં મોકલી આપીશ. તેઓ ત્યાંની પ્રજાઓમાં મારો મહિમા પ્રગટ કરશે.

20 ઇઝરાયલીઓ જેમ પ્રભુના ઘરમાં શુદ્ધ પાત્રોમાં અર્પણો લાવે છે તેમ તેઓ તમારા જાતભાઈઓને પ્રભુને અર્પણ તરીકે ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો તથા ઊંટો પર બેસાડીને યરુશાલેમમાં મારા પવિત્ર પર્વત પર લાવશે.

21 એમાંના કેટલાકને હું યજ્ઞકારો અને લેવીઓ બનાવીશ.”

22 વળી, પ્રભુ કહે છે, “જેમ નવાં આકાશ અને નવી પૃથ્વી મારી સમક્ષ ટકી રહેશે તેમ તમારા વંશજો અને તમારું નામ હમેશાં ટકશે.

23 પ્રત્યેક ચાંદ્ર માસના પ્રથમ દિવસે અને પ્રત્યેક સાબ્બાથને દિવસે સર્વ પ્રજાઓના લોક મારી સમક્ષ આવીને નમીને પ્રણામ કરશે.”

24 તેઓ ત્યાંથી પાછા વળશે ત્યારે મારી વિરુદ્ધ બળવો કરનારાઓનાં શબ પડેલાં જોશે. તેમનો કીડો કદી મરશે નહિ અને તેમને સળગાવતો અગ્નિ કદી હોલવાશે નહિ. એ દશ્ય આખી માનવજાત માટે ઘૃણાજનક થઈ પડશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan