યશાયા 65 - પવિત્ર બાઇબલ C.L.બંડખોરોની સજા 1 પ્રભુ કહે છે, “જેઓ મારી પાસે પૂછપરછ કરવા નહોતા આવતા તેમને મળવાને હું ઉપલબ્ધ રહ્યો છું; જેઓ મને શોધતા નહોતા તેમને હું પ્રાપ્ત થવાને તત્પર રહ્યો છું. મારે નામે વિનંતી નહિ કરનાર પ્રજાને ‘હું આ રહ્યો, હું આ રહ્યો,’ એમ મેં કહ્યું છે. 2 બંડખોર અને નઠારે માર્ગે ચાલનાર સ્વછંદી લોકોને આવકારવાને મેં આખો દિવસ મારા હાથ પ્રસાર્યા છે. 3 તેઓ પવિત્ર વાટિકાઓમાં બલિદાનો ચડાવીને અને ઈંટોની વેદીઓ ઉપર ધૂપ બાળીને મને સામે મોંએ છંછેડે છે. 4 તેઓ કબરોમાં સાધના માટે આસન જમાવે છે અને ગુપ્ત સ્થાનોમાં આખી રાત ધ્યાન ધરે છે. તેઓ ભૂંડનું માંસ ખાય છે અને પારકા દેવોને ચડાવેલ બલિના માંસનો સેરવો પીએ છે. 5 તેઓ બીજાઓને કહે છે, ‘મારાથી દૂર રહે; મારી નજીક આવતો નહિ, કારણ, હું એવો પાવન થયેલો છું કે તું મારો સ્પર્શ પણ કરી શકે નહિ.’ એવા લોકો તો મને રોષ ચડાવનાર, મારા નસકોરાંમાં ધૂમાડા જેવા અને સતત સળગતા અગ્નિ જેવા છે. 6-7 “જુઓ, મેં તો તેમને જે સજા કરવાની છે તે લખી નાખી છે. હવે હું જંપીને બેસીશ નહિ, પણ તેમના અને તેમના પૂર્વજોના બધા અપરાધોનો ભર્યોપૂર્યો બદલો તેમના ખોળામાં જ વાળી આપીશ. કારણ, તેમણે પારકા દેવનાં ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળ્યો છે અને ડુંગરો પર મારી નિંદા કરી છે. તેમનાં એ અગાઉનાં બધાં ગામોનો પૂરો બદલો હું તેમના ખોળામાં જ માપી આપીશ.” 8 પ્રભુ કહે છે, “દ્રાક્ષના ઝૂમખામાં હજી રસ મળી શકે તેમ હોય ત્યાં સુધી લોકો કહે છે, ‘એનો નાશ ન કરશો; હજી એમાં આશિષ બાકી રહ્યો છે.’ હું પણ મારા સેવકોના સંબંધમાં એવું જ કરીશ. હું તેમનો સૌનો નાશ કરીશ નહિ. 9 હું યાકોબમાંથી સંતાનો અને યહૂદાના કુળમાંથી વારસદારો ઊભા કરીશ. મારા પસંદ કરેલા લોક તેમનું વતન પામશે અને મારા સેવકો ત્યાં રહેશે. 10 મને ભજનારા મારા લોકના હક્ક માં શારોન ઘેટાંબકરાંનાં ટોળાં માટેનું ચરિયાણ અને આખોરની ખીણ ઢોરઢાંકના વિસામાનું સ્થળ બની રહેશે. 11 “પણ તમે જેઓ મારો ત્યાગ કરીને તથા મારા પવિત્ર પર્વત સિયોનને વીસરી જઈને ભાગ્યદેવતા ગાદને નૈવેદ્ય ધરીને તથા નિયતિ દેવતા મેનીને માટે મિશ્ર દ્રાક્ષાસવના પ્યાલા ભરીને તેમની ઉપાસના કરો છો તેમને માટે તો હું આમ કરીશ. 12 તમે તલવારના ભોગ થઈ પડો એવું મેં નિર્માણ કર્યું છે. કારણ, મેં તમને બોલાવ્યા ત્યારે તમે મને જવાબ આપ્યો નહિ; હું બોલ્યો ત્યારે તમે સાંભળ્યું નહિ. તમે મારી દષ્ટિમાં ભૂંડા ગણાતાં કાર્યો કર્યાં અને હું નારાજ થાઉં એવી બાબતો પસંદ કરી. 13 તેથી મારા સેવકો ખાશે પણ, તમે ભૂખ્યા રહેશો; મારા સેવકો પીશે, પણ તમે તરસ્યા રહેશો; 14 મારા સેવકો મનના ઉમળકાથી ગાશે, પણ તમે દયની વેદનાથી પોકાર કરશો અને ભંગિત દયે વિલાપ કરશો. 15 મારા પસંદ કરેલા લોકમાં તમારું નામ માત્ર શાપ દેવા પૂરતું રહી જશે. હું પ્રભુ પરમેશ્વર તમારો સંહાર કરીશ. પણ મારા સેવકોને તો હું નવું જ નામ આપીશ. 16 દેશમાં કોઈ આશિષની માગણી કરે તો તે સત્ય ઈશ્વરને નામે માગશે; વળી, દેશમાં કોઈ સમ ખાય તો તે સત્ય ઈશ્વરને નામે સમ ખાશે. કારણ, ભૂતકાળની વિપત્તિઓ વીસરાઈ જશે; તેઓ મારી આંખો આગળથી અદશ્ય થઈ જશે. નવું સર્જન 17 “કારણ એ છે કે હું નવાં આકાશ અને નવી પૃથ્વી બનાવીશ. વીતી ગયેલા બનાવોનું સ્મરણ રહેશે નહિ કે મનમાં યે આવશે નહિ. 18 મારા આ નવા સર્જન માટે સદાકાળ આનંદ કરો અને હર્ષ પામો. કારણ, હું આનંદદાયક યરુશાલેમ અને હર્ષમય એવા તેના લોક ઉત્પન્ન કરું છું. 19 હું યરુશાલેમને લીધે આનંદ પામીશ અને તેના લોકને લીધે હર્ષ પામીશ. ત્યાં ફરી કદી રુદન કે વિલાપનો સાદ સંભળાશે નહિ. 20 ધાવણું બાળક થોડા જ દિવસ જીવીને મૃત્યુ પામે અથવા વૃદ્ધ માણસ પાકટ વયનું પૂરું આયુષ્ય જીવવા ન પામે એવું ત્યાં બનશે નહિ. કારણ, કોઈ માણસ સો વર્ષની ઉંમરે મરી જાય તો તે જુવાનવયે મરણ પામ્યો ગણાશે અને સો વર્ષની ઉંમર સુધી પહોંચી નહિ શકનાર પાપી શાપિત કહેવાશે. 21 “લોકો ઘરો બાંધશે અને પોતે જ તેમાં રહેશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને નવો દ્રાક્ષાસવ પીશે. 22 તેઓ ઘર બાંધે અને બીજા કોઈ રહેવા લાગે અથવા તેઓ દ્રાક્ષવાડી વાવે અને બીજા કોઈ દ્રાક્ષાસવ પી જાય એવું હવે હવે બનશે નહિ. મારા લોકનું આયુષ્ય વૃક્ષોની આવરદા જેટલું દીર્ઘ થશે. મારા પસંદ કરેલા લોક પોતાની મહેનતનું ફળ લાંબા સમય સુધી મેળવતા રહેશે. 23 તેઓ નિરર્થક શ્રમ નહિ કરે અને બાળકોને માત્ર આફતનો ભોગ બનવા જ જન્મ આપશે નહિ. કારણ, તેઓ અને તેમનાં સંતાનો તો મેં પ્રભુએ જેમને આશિષ આપી હોય એવા લોક બની રહેશે. 24 તેઓ મને પોકારે તે પહેલાં હું તેમને ઉત્તર આપીશ. તેઓ હજી બોલતા હશે, એવામાં હું તેમનું સાંભળીશ. 25 વરુ અને ઘેટાનું બચ્ચું જોડાજોડ ચરશે. સિંહ બળદની જેમ ઘાસ ખાશે અને સાપ ધૂળ ખાશે. મારા આખા પવિત્ર પર્વત સિયોન પર તેઓ કંઈ નુક્સાન પહોંચાડશે નહિ કે વિનાશ કરશે નહિ.” આ તો પ્રભુનાં વચન છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide