યશાયા 64 - પવિત્ર બાઇબલ C.L.1 તમે આકાશો ફાડીને નીચે ઊતરી આવો તો કેવું સારું! કારણ, ત્યારે તો તમારા ઊતરવાથી પર્વતો કંપી ઊઠશે. 2 જેમ અગ્નિ ઝાડીઝાંખરા સળગાવે અને પાણીને ઉકાળે તેમ તેઓ ધ્રૂજી ઊઠશે. તમારા શત્રુઓને તમારા નામનો પરચો કરાવવા અને તમારી હાજરીથી પ્રજાઓને ધ્રૂજાવી દેવા નીચે ઊતરી આવો. 3 એકવાર તમે ઊતર્યા હતા અને અમારી કલ્પનામાં ન આવે એવાં ભયપ્રેરક કાર્યો કર્યાં હતાં અને ત્યારે પર્વતો તમને જોઈને કંપી ઊઠયા હતા. 4 પ્રાચીન સમયથી લોકોએ જેમને સાંભળ્યા ન હોય, જેમને વિષે તેમને કાને વાત પણ પડી ન હોય અને આંખે જોયા પણ ન હોય એવા ઈશ્વર તેમના પર આધારની આશા રાખનારાઓ માટે એવાં એવાં કામો કરે છે. 5 તમે સચ્ચાઈથી વર્તવામાં આનંદ માણનારા અને તમારે ચીંધેલા રસ્તે ચાલવાનું યાદ રાખનારાઓની વહારે આવો છો. પણ અમે તો પાપ કર્યું અને અમારા પાપાચારમાં લાંબી મુદ્દત જારી રહ્યા હોવાથી તમે કોપાયમાન થયા. પછી અમે કેવી રીતે બચી શકીએ? 6 અમે સૌ અશુદ્ધ બન્યા છીએ અને અમારાં સારાં કામો પણ રજ:સ્વલા સ્ત્રીનાં ગંદા ચીંથરાં જેવાં છે. અમારા પાપને લીધે અમે સુકાઈને ચીમળાઈ ગયેલા અને પવનથી ઘસડાઈ જતા પાંદડાં જેવા છીએ. 7 છતાં કોઈ તમારે નામે વિનંતી કરતો નથી કે તમને ગ્રહણ કરવા જાગ્રત થતો નથી. તમે અમારાથી તમારું મુખ સંતાડયું છે અને અમને અમારા પાપાચારની પકડમાં છોડી દીધા છે. 8 પણ હે પ્રભુ, તમે હવે અમારા પિતા છો. અમે માટી અને તમે અમારા કુંભાર છો. અમે સૌ તમારા જ હાથની કૃતિ છીએ. 9 તેથી હે પ્રભુ, અમારા પર અતિશય ગુસ્સે થશો નહિ અને અમારાં પાપ અમારી વિરુદ્ધ કાયમ માટે સંભાર્યા કરશો નહિ. અમારી અરજ છે કે અમે તમારા લોક છીએ એ વાત લક્ષમાં લો. 10 તમારાં પવિત્ર શહેરો રણ જેવાં બની ગયાં છે. સિયોન પણ વેરાન છે; યરુશાલેમ ઉજ્જડ બન્યું છે. 11 અમારું મંદિર, પવિત્ર અને ભવ્ય ધામ જ્યાં અમારા પૂર્વજો તમારી ઉપાસના કરતા હતા તેને આગમાં બાળી નાખવામાં આવ્યું છે. અમારાં સર્વ મનોરંજક સ્થાનો ખંડિયેર બની ગયાં છે. 12 હે પ્રભુ, આવું બધું બન્યા પછી પણ તમે અમને સહાય કરવાથી પોતાને પાછા રાખશો? તમે સ્વસ્થ ચિત્તે અમને અતિશય શિક્ષા કરશો? |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide