Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 63 - પવિત્ર બાઇબલ C.L.


પ્રજાઓ પર પ્રભુનો વિજય

1 “રાતા રંગે ખરડાયેલાં વસ્ત્રો પહેરીને અદોમના બોસ્રા નગરથી આ કોણ આવી રહ્યું છે? ભપકાદાર જામામાં સજ્જ થઈને પોતાના બળમાં દમામભેર રીતે આ કોણ કૂચ કરે છે?” “એ તો હું દમનમાંથી ન્યાયદત્ત છુટકારો જાહેર કરનાર અને સમર્થ બચાવનાર છું.”

2 “તો તારાં વસ્ત્ર દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદનારનાં વસ્ત્રો જેવાં રાતાં કેમ થયાં છે?”

3 “મેં એકલાએ પ્રજાઓને દ્રાક્ષકુંડમાં દ્રાક્ષોની જેમ ખૂંદી છે; એમાં મને કોઈનો ય સાથ નહોતો. મેં લોકોને મારા રોષમાં ખૂંદયા છે અને મારા કોપમાં કચડયા છે. મારા પોશાક પર તેમના રક્તના છાંટા ઊડયા એટલે મારાં બધાં વસ્ત્રો પર ડાઘ પડયા છે.

4 કારણ, મેં મારા મનમાં દુશ્મનોનો પ્રતિકાર કરવાનો દઢ નિર્ધાર કર્યો હતો અને મારા લોકનો ઉદ્ધાર કરવાનો સમય પણ પાકી ચૂક્યો હતો.

5 મેં નજર ફેરવીને જોયું તો મને કોઈ સાથ આપે એવું નહોતું. મને કોઈ ટેકો આપનાર નથી એ જોઈને મને આશ્ર્વર્ય થયું. તેથી મેં મારા બાહુબળથી અને મારા શૌર્યથી મારે માટે વિજય હાંસલ કર્યો.

6 મેં મારા ક્રોધમાં બધા લોકોને કચડી નાખ્યા અને તેમને છિન્‍નભિન્‍ન કરી નાખ્યા. મેં તેમનું રક્ત જમીન પર રેડી દીધું.”


ઇઝરાયલ પર પ્રભુની કૃપા

7 હું પ્રભુના અચલ પ્રેમનું બયાન કરીશ અને આપણે માટેનાં તેમનાં બધાં કાર્યો માટે તેમજ પોતાની દયા અને અવિરત પ્રેમને લીધે તેમણે ઇઝરાયલી પ્રજાના કરેલા મહાન કલ્યાણને માટે હું તેમની સ્તુતિ કરીશ.

8 પ્રભુએ કહ્યું, “સાચે જ તેઓ મારા લોક છે; મને છેતરે એવા પુત્રો નથી.” આમ, તે તેમના ઉદ્ધારક બન્યા.

9 તેમના સર્વ દુ:ખમાં તે પણ દુ:ખી થયા, અને તેમના કોઈ દૂતને મોકલીને નહિ, પણ તેમના પ્રત્યે પ્રેમ અને દયા દાખવીને જાતે ઉપસ્થિત રહીને તેમણે તેમને છોડાવ્યા અને પ્રાચીનકાળમાં ઊંચકીને ફેરવ્યા.

10 તેમણે તેમની વિરુદ્ધ બળવો કર્યો અને તેમના પવિત્ર આત્માને ખિન્‍ન કર્યો. તેથી પ્રભુ પોતે જ તેમના દુશ્મન બનીને તેમની જ વિરુદ્ધ લડયા.

11 ત્યારે તેમના લોકે ભૂતકાળને સંભાર્યો. પ્રભુના સેવક મોશે અને તેની સાથેના લોકોના દિવસો યાદ કરતાં કહ્યું, “પોતાના લોકને તેમના ઘેટાંપાલકો સહિત સમુદ્રમાં થઈને દોરી જનાર ક્યાં છે? તેમની વચમાં પોતાનો પવિત્ર આત્મા રાખનાર કયાં છે?

12 પોતાના ગૌરવી અને શક્તિશાળી ભુજથી મોશેના જમણા હાથને સાથ દેનાર અને પોતાને માટે સાર્વકાલિક નામના મેળવવાને સમુદ્રના બે ભાગ કરી દેનાર અને પોતાના લોકને ઊંડા પાણીમાંથી દોરી જનાર કયાં છે?”

13 પ્રભુએ તેમને દોર્યા અને સપાટ પ્રદેશમાં દોડતા ઘોડાઓની જેમ તેમણે ક્યારેય ઠોકર ખાધી નહિ.

14 ફળદ્રુપ ખીણપ્રદેશમાં લઈ જવાતાં ઢોરની જેમ પ્રભુએ પોતાના આત્મા દ્વારા તેમને આરામ આપ્યો. પોતાનું નામ મહિમાવંત કરવા માટે તેમણે તેમને એ રીતે દોર્યા.


દયા અને મદદને માટે પ્રાર્થના

15 “હે પ્રભુ, આકાશમાંથી, તમારા ઉચ્ચ, પવિત્ર અને ગૌરવી ધામમાંથી અમારા પર દષ્ટિ કરો. અમારે માટે કરેલાં તમારાં મહાન કાર્યો ક્યાં છે? અમારા પ્રત્યેનો તમારો પ્રેમાવેશ ક્યાં છે? તમે તમારી મમતા અને અનુકંપા પાછી ખેંચી લીધી છે.

16 તમે અમારા પિતા છો; જો કે અમારા પૂર્વજ અબ્રાહામ અમને ઓળખતા નથી અને ઇઝરાયલ અમારો સ્વીકાર ન કરે, તોપણ હે પ્રભુ, તમે અમારા પિતા છો. છેક જૂના જમાનાથી “અમારા ઉદ્ધારક” એ જ તમારું નામ છે.

17 તમે અમને તમારા માર્ગોથી શા માટે ભટકી જવા દો છો? અમને એવા હઠીલા કેમ બનાવો છો કે અમે તમારો આદરયુક્ત ડર ન રાખતાં ભટકી જઈએ? હે પ્રભુ, તમારા સેવકો અને તમારા સંપત્તિરૂપ લોકને લીધે પાછા આવો.

18 અમે તમારા લોકે તો થોડો જ સમય તમારા પવિત્ર ધામનો ભોગવટો કર્યો છે. અત્યારે તો દુશ્મનોએ પવિત્રસ્થાનને ખૂંદી નાખ્યું છે.

19 પ્રાચીનકાળથી તમે જાણે અમારા પર રાજ કર્યું જ ન હોય અને અમે તમારે નામે જાણે ઓળખાતા જ ન હોય એવા અમે થયા છીએ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan