યશાયા 62 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમનું ગૌરવ 1 સિયોનનો ન્યાયદત્ત છુટકારો ઝળહળી ઊઠે નહિ ત્યાં સુધી હું મૌન સેવીશ નહિ; યરુશાલેમનો ઉદ્ધાર મશાલની જેમ પ્રદીપ્ત થાય નહિ ત્યાં સુધી હું જંપીશ નહિ. 2 હે યરુશાલેમ, પ્રજાઓ તને વિજયવંત થયેલું જોશે અને તેમના બધા રાજાઓ તારું ગૌરવ નિહાળશે. પ્રભુ પોતે તારું જે નામ પાડે તે નવા નામે તને બોલાવવામાં આવશે. 3 તું પ્રભુના હાથમાં શોભાયમાન તાજ અને તેમની હથેલીમાં રાજવી મુગટ બની રહીશ. 4 તું ફરીથી ‘અઝુબા’ ચત્યક્તધૃકહેવાશે નહિ, તેમ જ તારો દેશ ‘શમામા’ ચવેરાનૃકહેવાશે નહિ; પણ તું ‘હેફસીબા’ ચમારો આનંદૃકહેવાશે અને તારો દેશ ‘બેઉલા’ ચપરિણીતધૃકહેવાશે. કારણ, પ્રભુ તારા પર પ્રસન્ન છે, અને તારા દેશને માટે તે પતિ જેવા બની રહેશે. 5 જેમ જુવાન કુંવારી સાથે લગ્ન કરે તે જ પ્રમાણે તારો બાંધનાર તારી સાથે લગ્ન સંબંધ બાંધશે. જેમ વર પોતાની કન્યાથી હર્ષ પામે તેમ તારા ઈશ્વર તારાથી હર્ષ પામશે. 6 હે યરુશાલેમ, મેં તારી દીવાલો પર ચોકીદારો મૂક્યા છે. તેઓ રાતદિવસ શાંત રહેશે નહિ, પણ પ્રભુને તેમણે આપેલાં વચનોની યાદ દેવડાવ્યા કરશે અને જંપીને બેસશે નહિ. 7 પ્રભુ યરુશાલેમનો પુનરોદ્ધાર કરીને તેને આખી દુનિયાનું પ્રશંસાપાત્ર નગર ન બનાવે ત્યાં સુધી તેમણે તેમને જંપવા દેવાના નથી. 8 પ્રભુએ પોતાના જમણા હાથના અને પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે: ‘હું ફરી કદી તારું અનાજ તારા દુશ્મનોને ખાઈ જવા દઈશ નહિ, 9 તેં મહેનત કરીને બનાવેલો દ્રાક્ષાસવ પરદેશીઓ પી જશે નહિ; તારા લણેલા પાકમાંથી તું જ ખાઈશ અને પ્રભુની સ્તુતિ કરીશ. મારા મંદિરના પ્રાંગણમાં તમે તમારી વીણેલી દ્રાક્ષોનો દ્રાક્ષાસવ પીશો. 10 ઓ યરુશાલેમના લોકો, દરવાજામાં થઈને જાઓ, નગરના પ્રવેશદ્વારમાં થઈને બહાર જાઓ. પાછા ફરી રહેલા તમારા લોકને માટે રસ્તો તૈયાર કરો. ધોરીમાર્ગ તૈયાર કરો; એમાંથી પથ્થરો વીણી કાઢો. લોકોને સંકેત આપવાને વજા ફરકાવો. 11 પ્રભુ સમસ્ત પૃથ્વીમાં જાહેરાત કરે છે: “સિયોનના લોકને કહો કે તમારો ઉદ્ધારક આવે છે! તેમનું પ્રતિદાન તેમની સાથે છે અને તેમની સિદ્ધિ તેમની મોખરે છે.” 12 તમે “ઈશ્વરના પવિત્ર લોક” અને “પ્રભુએ જેમનો ઉદ્ધાર કર્યો છે તેવા લોક” કહેવાશો. યરુશાલેમ તો “ઝંખેલી નગરી” અને “વણતજાયેલી નગરી” કહેવાશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide