Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 61 - પવિત્ર બાઇબલ C.L.


છુટકારાનો શુભસંદેશ

1 પ્રભુ પરમેશ્વરનો આત્મા મારા પર છે; કારણ, દીનજનોને શુભ સમાચાર જણાવવાને તેમણે મારો અભિષેક કર્યો છે. તેમણે મને ભગ્ન દયવાળાઓને સાજા કરવા માટે, બંદીવાનોને છુટકારાની તથા કેદીઓને અંધારી કોટડીમાંથી મુક્તિની જાહેરાત કરવા માટે,

2 પ્રભુની કૃપાદષ્ટિનું વર્ષ અને શત્રુઓનો પ્રતિકાર કરવાનો આપણા ઈશ્વરનો દિવસ જાહેર કરવા માટે, સર્વ શોક કરનારાઓને આશ્વાસન આપવા માટે,

3 અને સિયોનમાં શોક કરનારાઓને રાખને બદલે પુષ્પમુગટ, વિલાપને બદલે હર્ષનું તેલ, હતાશ આત્માને બદલે સ્તુતિરૂપી વસ્ત્રો આપવા માટે મોકલ્યો છે. તેઓ તો પ્રભુનો મહિમા પ્રગટ કરનારાં ધાર્મિક્તાનાં ઓકવૃક્ષો અને પ્રભુએ રોપેલા રોપ કહેવાશે.

4 તેઓ પ્રાચીન ખંડિયેરોને અને ભંગાર ઇમારતોને ફરીથી બાંધશે, પેઢીઓથી પાયમાલ અને ઉજ્જડ રહેલાં નગરોનું નવનિર્માણ કરશે.

5 મારા લોક, પરદેશીઓ તમારાં ટોળાં ચરાવશે, તમારાં ખેતરો ખેડશે અને તમારી દ્રાક્ષવાડીઓની સંભાળ કરશે.

6 પણ તમે તો ‘પ્રભુના યજ્ઞકારો’ તરીકે ઓળખાશો અને તમને ‘આપણા ઈશ્વરના સેવકો’ એવું નામ અપાશે. તમે પ્રજાઓની સંપત્તિનો ઉપભોગ કરશો. અને એ બધી સંપત્તિ તમારી જ છે એમાં તમે ગૌરવ લેશો.

7 તમારી શરમિંદગીને બદલે તમને બમણી સંપત્તિ મળશે અને તમારા લાંછનને બદલે તમને તમારા દેશનું વતન ભોગવવા મળશે. તમને અવિરત આનંદ પ્રાપ્ત થશે.

8 પ્રભુ કહે છે, “હું ઇન્સાફને ચાહું છું અને જોરજુલમ તથા અન્યાયને ધિક્કારું છું. હું મારા લોકને અચૂક બદલો આપીશ અને તેમની સાથે સાર્વકાલિક કરાર કરીશ.

9 તેમના વંશજો પ્રજાઓમાં અને તેમનાં સંતાનો લોકોમાં ખ્યાતિ પામશે. એમને જોનાર સૌ કોઈ કહેશે કે ખરેખર આ તો પ્રભુથી આશિષ પામેલા લોક છે.”


ઈશ્વરસ્તુતિ

10 હું પ્રભુમાં અતિશય આનંદ કરીશ અને મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કારણ, જેમ વર યજ્ઞકારની માફક માથે પાઘડી પહેરી પોતાને શોભાયમાન કરે અને કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તેમણે મને ઉદ્ધારનાં વસ્ત્ર પહેરાવ્યાં છે અને મને ન્યાયદત્ત છુટકારાનો ઝભ્ભો ઓઢાડયો છે.

11 જેમ ભૂમિ અંકુર ઉગાવે અને વાડી વાવેલાં બીને ફૂટાવે તેમ તમામ પ્રજાઓની સમક્ષ પ્રભુ પરમેશ્વર ન્યાયદત્ત છુટકારો અને સ્તુતિ ઊગી નીકળે તેવું કરશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan