Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 60 - પવિત્ર બાઇબલ C.L.


યરુશાલેમનું ભાવિ ગૌરવ

1 હે યરુશાલેમ, ઊઠ, પ્રકાશિત થા કારણ, તારા પર પ્રકાશ પડયો છે. તારા પર પ્રભુના મહિમાનો ઉદય થયો છે.

2 સમસ્ત પૃથ્વીની અન્ય પ્રજાઓ અંધકારમાં ઘેરાયેલી હશે, પણ પ્રભુ તારા પર પ્રકાશશે. તારા પર તેમના પ્રતાપનું ગૌરવ પ્રગટશે.

3 પ્રજાઓ તારા પ્રકાશ તરફ અને રાજાઓ તારા તેજોદય તરફ ચાલ્યા આવશે.

4 તારી નજર ઊંચી કરીને ચારે તરફ જો. તારા લોક એકઠા થઈ રહ્યા છે; તેઓ તારી પાસે આવે છે. તારા પુત્રો દૂરદૂરથી આવશે અને તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવશે.

5 એ જોઈને તું તેજસ્વી બની જશે; તારું હૃદય આનંદવિભોર થઈ થનગની ઊઠશે. પ્રજાઓની સંપત્તિ તારી પાસે લાવવામાં આવશે; સમુદ્રને પેલે પારથી તેમનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.

6 મિદ્યાન અને એફાથી આવતા ઊંટોના કાફલાથી દેશ છવાઈ જશે. તેઓ શેબાથી સોનું તથા લોબાન લાવશે અને પ્રભુએ કરેલા કાર્યના શુભ સમાચાર પ્રગટ કરશે.

7 કેદાર અને નબાયોથનાં બધાં ઘેટાં તારી પાસે બલિદાન માટે લાવવામાં આવશે અને પ્રભુને પ્રસન્‍ન કરવાને તેમનું વેદી પર અર્પણ ચડાવવામાં આવશે. અને પ્રભુ પોતાના ભવ્ય મંદિરને શોભાયમાન કરશે.

8 વાદળની જેમ તથા પોતાના ગોખમાં પાછાં ફરી રહેલાં કબૂતરોની જેમ આવી રહેલાં આ વહાણો કોનાં છે?

9 એ તો તારા ઈશ્વર યાહવેના નામને લીધે અને તને મહિમાવાન કરનાર ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને લીધે તારા પુત્રોને સોનારૂપા સહિત દૂરદૂરથી લઈ આવી પ્રતીક્ષા કરી રહેલાં વહાણો છે; એમાં તાર્શીશનાં વહાણો મોખરે છે.

10 પ્રભુ યરુશાલેમને કહે છે, “પરદેશીઓ તારા કોટ ફરી બાંધશે અને રાજાઓ તારી સેવા કરશે. જો કે મેં મારા ક્રોધમાં તને શિક્ષા કરી હતી, પણ હવે હું તારા પર કૃપા અને અનુકંપા દાખવીશ.

11 તારા દરવાજાઓ ખુલ્લા જ રહેશે અને દિવસે કે રાત્રે બંધ થશે નહિ; જેથી પ્રજાઓની સંપત્તિ અને વિજયની સવારીમાં કેદી રાજાઓને તારી અંદર લાવવામાં આવે.

12 તારી સેવા નહિ કરનાર પ્રજા અને રાષ્ટ્રોનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે.

13 “મારા મંદિરને સુશોભિત કરવાને, એ મારા પાયાસનને મહિમાવંત કરવાને લબાનોનના વનનાં ગૌરવસમા દેવદાર, ભદ્રાક્ષ અને સરુનાં ઉત્તમ લાકડાં લાવવામાં આવશે.

14 તારા પર અત્યાચાર કરનારા જ તારી આગળ પ્રણામ કરશે. એકવાર તારો તુચ્છકાર કરનાર સૌ કોઈ તારે પગે પડશે. તેઓ તને ‘યાહવેની નગરી,’ ‘ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની નગરી સિયોન’ તરીકે ઓળખશે.

15 “તારામાં થઈને કોઈ પસાર પણ ન થાય એવી તું તજાયેલી અને ધિક્કારાયેલી હોવા છતાં હું તને કાયમને માટે વૈભવી બનાવીશ અને તું હરહમેશનું રમણીય સ્થળ બની રહેશે.

16 માતા બાળકને સ્તનપાન કરાવે તેમ પ્રજાઓ અને રાજાઓ તારું પાલનપોષણ કરશે ત્યારે તને ખબર પડશે કે મેં પ્રભુએ તારો ઉદ્ધાર કર્યો છે અને હું, ઇઝરાયલનો સમર્થ ઈશ્વર, તારો મુક્તિદાતા છું.

17 હું તાંબાને બદલે સોનું, લોખંડને બદલે ચાંદી, લાકડાને બદલે તાંબુ અને પથ્થરને બદલે લોખંડ લાવીશ. હું શાંતિને તારો શાસક અને ન્યાયીપણાને તારો રાજર્ક્તા બનાવીશ.

18 તારા દેશમાં અત્યાચારની અને તારી સીમાઓમાં વિનાશ કે પાયમાલીની વાત સાંભળવા મળશે નહિ. તું તારા કોટને ‘ઉદ્ધાર’ અને તારા દરવાજાઓને ‘સ્તુતિ’ એવાં નામ આપીશ.

19 હવે પછી તને પ્રકાશ આપવા દિવસે સૂર્યની કે રાત્રે ચંદ્રની જરૂર પડશે નહિ; કારણ, હું પ્રભુ તારો કાયમનો પ્રકાશ બની રહીશ. હું તારો ઈશ્વર તારું ગૌરવ બની રહીશ.

20 તારા દુ:ખના દહાડા પૂરા થાય છે. કારણ, હું પ્રભુ તારે માટે કદી અસ્ત નહિ થનાર સૂર્ય અને કદી નહિ ઘટનાર ચંદ્રની જેમ સતત પ્રકાશરૂપ બની રહીશ.

21 તારા બધા લોકો પ્રામાણિકપણે ચાલશે અને સદાસર્વકાળ દેશનું વતન પામશે. કારણ, મારો મહિમા પ્રગટ કરવા માટે તેઓ મારા રોપેલા રોપ અને મારે હાથે ઘડેલાં પાત્રો છે.

22 તમારામાં જે સૌથી નાનું કુટુંબ તે હજારનું ગૌત્ર બની જશે અને વિસાત વિનાનું ગૌત્ર સમર્થ પ્રજા બની જશે. હું પ્રભુ નિયત સમયે એ બધું સત્વરે કરીશ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan